ઘેરૈયા વળી શું ?

PC: khabarchhe.com

દીવાળીના દિવસો આવે એટલે હજુ કેટલાય ગામોમાં ઘેરૈયાઓ જોવા મળે. યુવાનો સ્ત્રીઓનો પહેરવેશ પહેરીને માતાજીની ભક્તિ કરવાની આ અનોખી પરંપરા દક્ષિણ ગુજરાતના હળપતિઓમાં ખાસ જોવા મળે, ધોડિયા અને કોળીઓમાં પણ આ પરંપરા છે.

ઘેરૈયા નૃત્ય કરનારાઓ ધોતિયું પહેરે અને ધોતિયાની ઉપર કમર નીચે સાડી વીંટી દે છે. માથા ઉપર સાફાને બદલે સાડી બાંધે અને કમરે મોટા ઘૂઘરા બાંધો. એક હાથમાં મોરપીંછ અને બીજા હાથમાં દાંડિયો,એ ઘેરૈયાનું ચિત્ર. આ ટુકડીનો આગેવાન એટલે કવૈયો. કવૈયો વળી ઘેરૈયાઓથી અલગ જ ઓળખાઇ આવે. કોટ, ધોતી, ફેંટો કે મોટી હેટ પહેરે તેના હાથમાં પણ મોરપીંછ હોય, ખરી પણ તે વચ્ચે રહીને ગીત ગવડાવતો હોય છે. બાકીના તેના ગીતના તાલે નૃત્ય કરે.

આ ટુકડીમાં બગલીવાલો, ઘોડીવાળો હોય. એ તો જાતભાતના ચેનચાળા કરીને લોકોને મનોરંજન પૂરું પાડતું એક જોકર જેવું પાત્ર ગણી શકાય.
આ આખી ટુકડી કેટલાક ગીત ગાતા માતાજીની આરાધના કરતા નીકળે છે. ખાસ કરીને નવરાત્રીથી દીવાળી સુધી તેઓ જોવા મળે છે. ગણદેવી તથા તેની આસપાસના ગામોમાં કાળીચૌદશના મેળામાં ખાસ જોવા મળી જાય. તેમની ખરી રોનક માણવી હોય તો બીલીમોરા ખાતે આવેલા સોમનાથ મંદિરના પ્રાંગણમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ઘેરૈયા સ્પર્ધા યોજાય છે, એ માણવા જેવી ખરી.

આ ઘેરૈયાઓને જોઇએ તો આપણા પગ પણ ઠેકો લેવા માંડે. આખી નૃત્ય શૈલીમાં એટલો જોમ જુસ્સો કે તમે જુઓ તો તમારામાં પણ શક્તિ સંચાર થઇ જાય
તારી જોડી...મારી જોડી હારે હા.... કરતા નૃત્ય શરૂ થઇ જાય.જો કે ઘેરૈયા નૃત્ય શૈલીમાં જીવનના દરેક તબક્કાને આવરી લેવાયેલી છે. માતાજીની આરાધના કરતા નૃત્યથી જોમ ભરાઇ આવે તો જો કે કોઇના મૃત્યુની યાદમાં જ્યારે ગવડાવવામાં આવે ત્યારે તેના શબ્દો ભલભલાની આંખમાં આંસુ લાવી દેનારા પણ હોય. બાકી સામાન્ય રીતે જન્મ, લગ્ન કે માતાજીની આરાધના પેટે ઘેરૈયા ગવડાવવામાં આવે ત્યારે તેમાં જોમ ભારે હોય છે.

ઘેર બાંધીને પછી તેઓ દીવાળી સુધી ઘેરૈયા નૃત્ય કરતા હોય છે. ઘેર બાંધ્યા બાદ ઘેર મંડળીએ દારુ- તાડીનો ત્યાગ કરવાનો હોય છે. ઉપરાંત માંસાહર પણ એ દિવસોમાં ત્યજી દેવાનો હોય છે. ઉપરાંત બ્રહ્મચર્યનું પણ પાલન કરવાનું હોય છે. આ એક પરંપરા તમે જાતે જુઓ તો જ સમજાય, તેની ભક્તિ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp