અમદાવાદીઓ માટે મોટા સમાચાર, આ ખાણીપીણી બજાર ખુલ્લી રાખવા AMCએ મંજૂરી આપી

PC: gujarattourism.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ પછી સુરત અને સુરત પછી સૌરાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા બે મહિના જેટલો સમય લોકડાઉન આપવામાં આવ્યુ હતું પરંતુ હવે રાજ્ય સરકારે અનલોક 1, 2 અને 3માં રાજ્યના લોકોને ઘણી છૂટછાટો આપી છે. હવેથી લોકોના ધંધા, ઉદ્યોગો, દુકાનો, ઓફિસો, ખાણીપીણી બજાર, હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ અને યોગા ક્લાસ શરૂ થઇ ગયા છે, ત્યારે અમદાવાદમાં ખાણીપીણી બજારને લઈ એક મહાત્તવના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખૂબ જ પ્રસિદ્ધ માણેકચોક ખાણીપીણી બજાર ખુલ્લી રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છૂટછાટ આપી છે.

મહત્ત્વની વાત છે કે, માણેકચોક ખાણીપીણી બજારમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો નાસ્તો કરવા માટે એકઠા થતા હોય છે અને સામાન્ય દિવસોમાં જ આ માણેકચોક ખાણીપીણી બજારમાં લોકોની એટલી લાંબી લાઈનો હોય છે કે, લોકોનો વારો માંડ-માંડ નાસ્તો કરવા માટે આવે છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે માણેકચોક ખાણીપીણી બજાર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવતા ફરીથી કોરોના સંક્રમણ ફેલાય તેવો ડર ઉભો થયો છે.

માણેકચોકના વેપારીઓને દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી આપી છે પણ સાથે-સાથે ટકોર કરી છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને દુકાનદારે કોવિડની ગાઈડલાઈનના નિયમોનું પાલન કરીને દુકાનો ખુલ્લી રાખવાની રહેશે. જે દુકાનદાર નિયમનો ભંગ કરતાં જણાશે તો તેની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવશે. આ ઉપરાંત દુકાનદાર માત્ર ગ્રાહકોને પાર્સલ આપી શકશે, તેની લારી કે, ટેબલ પર કોઈ વ્યક્તિને બેસાડીને નાસ્તો કરાવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના માણેકચોક સવારે શાકભાજી માર્કેટ, બપોરે સોના-ચાંદી બજાર અને રાત્રે ખાણીપીણી બજારમાં ફેરવાઈ જાય છે. માણેકચોકનું નામ સંત માણેકનાથ બાવાના નામ પરથી રાખવામાં આવ્યુ છે. વર્ષ 2002માં થયેલા રાજ્યવ્યાપી તોફાનો દરમિયાન માણેકચોક ખાણીપીણી બજારમાં કર્ફયૂના કારણે શાંતિ છવાઈ ગઈ હતી પરંતુ ત્યારબાદ લોકડાઉનના કારણે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે 2002 પછી સૌથી વધુ સમય માણેકચોકની ખાણીપીણી બજાર બંધ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp