સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે ખુશખબર, જેલ ભજીયા હાઉસનો ખૂલશે બીજો સ્ટોલ

PC: twitter.com

31 ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ થયા બાદ પ્રવાસીઓનો ઘસારો થયો છે. સરદાર પટેલની આ મૂર્તિ તો જોવાલાયક છે જ પણ સાથે આ સ્થળનું આકર્ષક કેન્દ્ર બન્યું છે 'જેલ ભજીયા હાઉસ.' વડોદરા મધ્યસ્થ જેલ સંચાલિત 'જેલ ભજીયા હાઉસ' શરૂ કરવામાં આવ્યું છે. જેનું સંચાલન વડોદરા અને અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓ કરી રહ્યા છે. જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર થયેલા 22 જેટલા વિવિધ ફરસાણો સાથે લાઈવ ભજીયાનો આસ્વાદ પ્રવાસીઓ માણી રહ્યા છે. જોકે, આ ભજીયાના રસિકો માટે ખુશખબરી એ છે કે અહીંયા પાર્કિંગ એરિયાની 1.5 કિલોમીટર દૂર 'જેલ ભજીયા હાઉસ'નો બીજો સ્ટોલ ખુલી રહ્યો છે.

હાલ ચાલી રહેલ 'જેલ ભજીયા હાઉસ'માં રોજના 25થી 30 કિલો મેથીના ગોટા વેચાય છે. જેમાં પ્રતિ કિલો ભજીયા 220રૂપિયાના ભાવે વેચાય છે. 'જેલ ભજીયા હાઉસ'નો બીજો સ્ટોલ ખોલવાની વાતને લઇને ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 'સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીનો પ્રવાહ દરરોજ વધી રહ્યો છે. આ સાથે અમદાવાદ સેન્ટ્રલ જેલ ભાજીયાની વાનગી ત્યાં લોકપ્રિય બની રહી છે. અમે જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને બીજા સ્ટોલ આપવા માટે ઉભી કરેલી માંગને ધ્યાનમાં લઈ રહ્યા છીએ.'

'જેલ ભજીયા હાઉસ'માં બનતી વાનગીઓ સીંગતેલમાં તૈયાર થાય છે. વાનગીઓની ગુણવત્તા ઉપર ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જેલ ઓથોરિટી દ્વારા આ સ્ટોલ માટે દર વર્ષે 1.5 લાખ રૂપિયા ભાડા રૂપે ચૂકવવામાં આવશે તેવો કરાર થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગની નજીક શરૂ થઈ રહેલો 'જેલ ભજીયા હાઉસ'ના આ બીજો સ્ટોલમાં ભજીયાના રસિકોની કેટલી લાંબી લાઇન લાગે છે તે જોવું રહ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp