26th January selfie contest
BazarBit

ગુજરાતની દેશવિદેશમાં પ્રખ્યાત ઘંઉની આ આગવી બ્રાન્ડ પર ખતરો

PC: exportersindia.com

કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં હવે ખરેખર ઓર્ગેનિક રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થતાં ભાલિયા ઘઉં સજીવ રાખવા સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે કે, કુદરતી રીતે ઓર્ગેનિક પાકતાં ભાલિયા ઘઉંને પાણી પિવડાવવાથી 40 ટકા ઉત્પાદન વધે છે. તેને રસાયણ યુક્ત ખાતર આપો, જંતુનાશક દવાનો છંટકાવ કરો. જમીનમાં આ બધા તત્વો ભળી રહ્યાં છે. તેથી ગુજરાતની આગવી ભાલિયા કુદરતી ખેતીની બ્રાંડ પર ખતરો ઊભો થયો છે.

ખેડૂતો હવે સિંચાઈથી પકવે છે, ખાતર અને જંતુનાશકો છાંટે છે. તેથી ભાલિયા ઘઊં મોટા ભાગે હવે કુદરતી રીતે પાકી જતાં ઘઉં રહ્યાં નથી. તે અન્ય ઘઉંના જેવા બની રહ્યાં છે. પણ આજે ભાલિયા ઘઉંને કુદરતી રીતે ન પાકતા હોવા છતાં તેનો 25 ટકા ઊંચો ભાવ લેવામાં આવી રહ્યો છે.

નીતિનો અમલ નહીં

ગુજરાત સરકારે 2015માં ઓર્ગેનિક ખેતી નીતિ જાહેર કરી છે તેનો હવે કોઈ મતલબ રહેતો નથી. ઓર્ગેનિક યુનિવર્સિટી શરૂ કરવા નિર્ણય લેવાયો છે પણ તે બની શકી નથી. રાજ્યમાં 2015માં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી. કેટલાક ખેડૂતો, એનજીઓ પોતાની રીતે ઓર્ગેનિક-સેન્દ્રીય ખેતી કરે છે. છેલ્લા 20 વર્ષથી છુટાછવાયા પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં ઘઉં, આંબા, જીરુ, દેશી કપાસ, મગફળી, ચણા અને મકાઈના પાકની 15,392 હેક્ટર જમીનને સ્કોપ સર્ટિફિકેટ મળ્યું છે. ભારતમાં રૂ.2 લાખ કરોડનું ઓર્ગેનિક ઉત્પાદનનું માર્કેટ છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીની ભલામણ

ભાલના બિનપિયત ડ્યુરમ (ભાલિયા) ઘઉંની ખેતી કરતાં ખેડૂતોને વધું ઉત્પાદન લેવા માટે તથા વધું ભાવ મેળવવા માટે થાયોયુરિયા 500 પીપીએમ (10 લિટર પાણીમાં 5 ગ્રામ) પ્રમાણે ઘઉંની વાવણી બાદ 35-40 દિવસે તથા બીજો છંટકાવ ઉંબી નિકળે ત્યારે (60-65 દિવસે) કરવાની ભલામણ કરી છે. ધંધુકાના આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર વૈજ્ઞાનિક દ્વારા
કરવામાં આવી છે.

ભાલ પ્રદેશમાં ઉત્પાદન

ભાલ પ્રદેશમાં 20200 હેક્ટરમાં વાવેતર ભાલિયા ઘઉંનું થયું છે. રાજ્યમાં આ પ્રકારના બિન પિયત ઘઉં 25700 હેક્ટર થયું છે. આમ ભાલિયા ઘઉં માત્ર અમદાવાદના ભાલ પ્રદેશમાં થાય છે. 38 હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં કૂલ બિન પિયત ઘઉંનું વાવેતર થાય છે જેમાં સૌથી વધું અમદાવાદમાં થાય છે. હાલ 70 ટકા વાવેતર થઈ ગયું છે. ગયા વર્ષ કરતાં આ વખતે 9 ડિસેમ્બર 2019ના રોજ વાવેતર થયું છે. કંઈક અંશે પાટણ 900, છોટાઉદેપુર 100, સુરેન્દ્રનગર 3500, ભરૂચ 700 હેક્ટર મળીને સમગ્ર ગુજરાતમાં બિન પિયત ઘઉં 25700 હેક્ટર વાવેતર થાય છે.
ઉત્પાદન

ગુજરાતમાં બિન પિયત ઘઉંનું કૂલ ઉત્પાદન 31,279 ટન થાય છે. હેક્ટર દીઠ 756 કિલો ઉત્પાદન મળે છે તેની સામે હેક્ટર દીઠ તમામ પ્રકારના ઘઉંનું સરેરાશ 2850 કિલો ઉત્પાદન મળે છે. આમ ખેડૂતોને બિન પિયત ઘઉંનું ઉત્પાદન ઘણું ઓછું મળે છે. સાડા ત્રણ ગણો ભાવ ભાલિયા ઘઉંનો હોવો જોઈએ. તેના બદલે 25 ટકા ઊંચા ભાવ ફેરથી ખેડૂતો વેચવા મજબૂર છે.
ઉદ્યોગો

ભાલ પ્રદેશમાં ધોલેરા સર અને ધોલેરા સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. તેમ થતાં ભાલિયા ઘઉં પર આફત શરૂ થશે. પ્રદૂષણ ફેલાવાથી ઘઉં ઓર્ગેનિક નહીં રહે.

જમીનમાં ભેજ ત્યાં પાકે

બિનપિયત ઘઉંની ખેતી જમીનમાં સંગ્રહિત ભેજ આધારિત થાય છે. દાણા કઠણ, ભરાવદાર હોય છે. પ્રોટીનના ટકા વધુ હોવાથી ઊંચા ભાવ મળે છે. ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ જિલ્લાના ધોળકા, ધંધુકા, બાવળા, બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, પાટણ જિલ્લાના સમી અને હારીજ, ખેડા જિલ્લાના માતર, આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત, ભરૂચ જિલ્લાના ભરૂચ, અને વાગરા, ભાવનગર જિલ્લાના ભાવનગર અને વલ્લભીપુર વિસ્તારમાં બિનપિયત ઘઉંનું વાવેતર થાય છે. ભાલ વિસ્તારમાં મોટા ભાગની જમીન ક્ષારીય ભાસ્મિક, મધ્યમ કાળીથી ભારે કાળી અને ચીકણી છે. જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોવાથી જમીનની નિતારશક્તિ ઓછી હોઇ ચોમાસાનું પાણી ભરાઇ રહે છે અને જમીન લાંબો સમય સુધી ભેજ છોડતી નથી. આવી જમીનમાં સંગ્રહિત ભેજ આધારિત બિનપિયત ઘઉંની ખેતી થાય છે. બિનપિયત ઘઉંના વાવેતરને મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી ઓછું હોય તો વધારે માફક આવે છે. જેથી ઓક્ટોબરના મધ્ય ભાગથી લઇને નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં વાવેતર કરવું હિતાવહ છે.

નર્મદા નહેરના પાણીની ઉપલબ્ધતા બાદ ડ્યુરમ ઠીંગણી ઘઉંની જાતનું વાવેતર કરવાનું કહેવાયું છે. બિન પિયત હોવા છતાં કૃષિ વિભાગ કહે છે કે, એક પિયતથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થાય છે. પૂરતો ભેજ તથા હવામાન
સારું હોય તો હેક્ટરે રૂ.1200થી 1500 કિલો આવે છે. સારો ભાવ પણ મળે છે.

ઉત્પાદન
તમામ ઘઉંનું ઉત્પાદન 2016-17માં 17.58 લાખ ટન થયું હતું. જે પાછલા વર્ષમાં 23 લાખ ટન કરતાં વધું હતું. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ જિલ્લો તમામ ઘઉંના ઉત્પાદનમાં સૌથી આગળ છે. 1.45 લાખ હેક્ટરમાં 3 લાખ ટન ઘઉં પેદા થાય છે. બીજા નંબર પર બનાસકાંઠા આવે છે.

ભાલિયા ઘઉંનું મહત્વ

બિનપિયત ઘઉં, ડ્યુમ ઘઉં, જેને મેકરોની ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. ડ્યુરમ ઘઉંના બરછટ, શુદ્ધ કરાયેલા, ઘઉંના મધ્યમસરના ટૂકડાઓને સોજી કહેવાય છે, જેનો ઉપયોગ પાસ્તા બનાવવા, નાસ્તાની વાનગીઓ અને શિરા જેવી વાનગીને બનાવવા માટે કરવામાં આવે છે. સોજીની કેક, પાસ્તા, સોજી, બેકરી, રોટલી, ભાખરી, બિસ્કિટ બનાવવામાં ઘઉંનો ઉપયોગ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp