26th January selfie contest
BazarBit

દેશભરની વિસરાતી વાનગીઓને સ્વાદ લેવો છે? 21થી 25 ડિસે. અમદાવાદ પહોંચી જાઓ

PC: khabarchhe.com

અમદાવાદના લોકો 17 વર્ષથી જેની રાહ જોતા હોય છે તે, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ 21 થી 25 ડિસેમ્બર 2019 સુધી  સોલાની ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલો છે. 

ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ ગ્રાહકોને કરે છે. આમ, 100 થી પણ વધારે ખેડૂતો અહીં આવશે અને મગફળી, મગફળીનું તેલ, તલ, તલનું તેલ, આમળા, વિવિધ જાતના કંદમૂળ, મસાલા, ધાન્યો, મધ, ગાયનું ઘી, સફેદ માખણ તથા વિવિધ જંગલ પેદાશોનું વેચાણ કરશે. 

અમદાવાદ સ્થિત સૃષ્ટિ સંસ્થા છેલ્લા સત્તર વર્ષથી વિસરાતી વાનગીઓના મહોત્સવનું આયોજન કરે છે. ફક્ત આઠ સ્ટોલથી શરૂ થયેલો મહોત્સવ બિનસરકારી ઢબે યોજાતો સૌથી મોટો મહોત્સવ છે.

મહોત્સવમાં 500 જેટલી વીસરાતી વાનગીઓ અહી રજૂ થશે. ગુજરાત તથા દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. 

પાંચ દિવસ દરમ્યાન લોકો વિવિધ વાનગીઓ જેવી કે, કશ્મિરી કાહવા, કુંવારપાઠાના ફુલનું શાક, ઊંટડીનું મસાલા દૂધ, ફિંડલા આઈસ્ક્રિમ, મકાઈના પાનીયા, સુરીકંદનું શાક, મોરીંગા થેપલા, રાજસ્થાની બાજરીની ખીચડી, તમિલનાડુનું કુઝીપનીયરમ, ઉત્તરાખંડના વિવિધ મધ, પંજાબી સરસોંનું સાગ-મક્કી રોટી, હિમાચલ પ્રદેશના સીડ્ડુ અને ચટણી, જંગલી જરદાળુ તેલ વગેરેની મજા માણી શકશે.

મહોત્સવનો મુખ્ય હેતુ ખોરાકની વિસરાતી જતી વિવિધતાને પુનઃ લોકભોગ્ય બનાવવનો છે. દરેક સ્ટોલમાં છ પૈકી ત્રણ વાનગીઓ હળવા ધાન્યોમાંથી બનાવેલી છે.

ખેડૂતો અને ગૃહિણીઓએ પોતાના સ્ટોલ લગાવીને સાથે મળીને વીવિધ 500થી વધું વાનગીઓ અને સજીવ ખેત ખેતપેદાશોને લઈને આવશે. 

આયુર્વેદ વિરાસતનો નવો ખ્યાલ 

મહોત્સવમાં વિસરાતી વાનગીઓની વિરાસત, પૌષ્ટિકતા અને સ્વાદના સંગમની સાથે-સાથે આયુર્વેદ અને નેચરોપેથી તરફ જનજાગૃતિ કેળવવા મફત નિદાન-સારવારનું આયોજન આયુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. સ્વાસ્થ્યને પ્રાધન્ય આપતા, વિવિધ નિષ્ણાંતો અને મુલાકાતીઓ પરસ્પર સંવાદ કરી શકે તે માટે દરરોજ બોપરે 3:30 થી 5:00 દરમ્યાન વિવિધ નિષ્ણાંતો જેવા કે ડૉ. ક્ષમા પટેલ શાહ (નેચરોપેથી અને યોગ), વૈદ્ય જીતુભાઈ પટેલ (આયુર્વેદ ફીઝીશ્યન), ડૉ. વિ એન શાહ (એમ.ડી. – બિઝનેસ હેડ, ઝાય્ડસ હોસ્પિટલ), ડૉ મેહુલ મશ્કારિયા (ઓર્થોપેડિક સર્જન), ડૉ. હર્ષ ઓઝા (એમ.ડી. સાઇક્યાટ્રી) ઉપસ્થિત રહેશે. 

બાળકોની સર્જનતા 

મહોત્સવમાં વિશ્વગ્રામ દ્વારા સર્જન શાળાનું પણ આયોજન કરેલ છે જેમાં બાળકો પોતાની જાતે પગલૂછણીયા, ટોપી, રમકડા, સુથારીકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરશે. આ પવૃત્તિની સાથે-સાથે ઓરીગામી-જીવનસીડી અને વાંચન તો ખરુંજ. દરરોજ સાંજે 7 થી 9 દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક ક્રાયક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

સુધારો જરૂરી 

પહેલા ખેડૂતોને ધ્યાનમાં લઈને શરૂઆત કરી હતી. લોકો હવે પ્રતિક્રિયા આપતાં કહે છે કે અહીં ખેડૂતોની સાથે શહેરના લોકોની ઘુષણખોરી વધી છે અને વેપાર કરવા માટે જ સાત્વિક નામે બિનસાત્વિક ખોરાક ખવડાવે છે. સાત્વિકમાં વ્યાવસાયિક વિક્રેતાઓ પણ હવે વેપાર કરવા આવે છે. જેના પર અંકૂશ રાખી શકાતો નથી. 

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp