લો.. હવે ટ્રમ્પને ભારતમાં અમેરિકાનું દૂધ વેચવું છે, અમૂલે પણ કર્યો વિરોધ

PC: khabarchhe.com

વિદેશમાંથી દૂધની આયાત કરવાની જરૂર નથી, કેમ કે દેશમાં દૂધનું વિક્રમી ઉત્પાદન થાય છે અને ભારત દૂધની નિકાસ કરી શકે છે, પરંતુ જો વિદેશથી દૂધ આયાત કરવામાં આવશે તો ઘરની ડેરીઓની દશા ખરાબ થવાની દહેશત છે. અમેરિકામાંથી દૂધ આયાત કરવાનો ભારતનો પ્લાન છે પરંતુ દેશની ડેરીઓ સહિત ગુજરાતની સૌથી મોટી અમૂલ ડેરીએ તેનો વિરોધ કર્યો છે.

અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું હતું કે ભારતે અમેરિકાને કોઇપણ વેપાર સોદા હેઠળ દૂધની આયાત કરવી જોઇએ નહીં. સબસીડીવાળા આયાત કરેલા દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોથી ભારતના ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્યવસાયને ગંભીર નુકશાન થશે. આ ક્ષેત્રમાં 11 મિલિયન રોજગારીને ફટકો પડશે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદાની અસર અંગે નાગરિક સમાજ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આરએસ સોઢીએ કહ્યું હતું કે વેપાર સોદામાં ડેરી પર કોઇ છૂટ હોવી જોઇએ નહીં. દેશની સહકારી દૂધ ડેરીઓએ ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે. બીજી તરફ યુએસ તેના ડેરી સેક્ટરને વાર્ષિક 28 અબજ ડોલરની સબસીડી આપે છે. ભારત આવી સબસીડીવાળા ઉત્પાદનોનો સામનો કેવી રીતે કરી શકશે તે મોટો પ્રશ્ન છે. ભારતનું ડેરી સેક્ટર ખતમ થઇ જશે.

અમૂલના એમડીએ કહ્યું હતું કે દૂધની આયાત પર કોઇ નિયંત્રણો નથી. કોઇપણ દેશમાંથી ડેરી ઉત્પાદનોની છૂટ છે. ટેરીફ ક્વોટા હેઠળ આશરે 10 હજાર ટન પાવડરની મંજૂરી છે. ભારતમાં 100 અબજ ડોલરનો ડેરી ઉદ્યોગ છે અને 100 મિલિયન ગ્રામીણ પરિવારો તેના પર નિર્ભર છે જે પૈકી 80 ટકા ભૂમિહિન સીમાંત ખેડૂતો છે આમ છતાં અત્યારે ભારત વાર્ષિક 300 કરોડના ડેરી ઉત્પાદનોની આયાત કરી રહ્યું છે.

અમેરિકાએ દ્વિપક્ષી વેપાર સોદામાં દૂધ પાઉડર સહિત ડેરીના વિવિધ ઉત્પાદનો પર છૂટ માગી છે અને તેનું કારણ નવેમ્બરમાં આવી રહેલી અમેરિકાના રાષ્ટ્પતિની ચૂંટણી છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા ડેરી સમૃદ્ધ દેશો આયાતને છૂટછાટ આપી રહ્યાં છે અને માગી પણ રહ્યાં છે. અમેરિકા તો ડેરી સેક્ટરમાં નિકાસ વધારવા માગે છે અને જો તેમ થશે તો ભારતના ડેરી ઉદ્યોગને માઠી અસર થશે.

સોઢીએ કહ્યું હતું કે ભારતે રશિયા, યુરોપ, મેક્સિકો અને ચીન સહિતના ટોચના સૌથી મોટા ડેરી આયાતકાર દેશોમાં ડેરી ઉત્પાદનોની નિકાસ કરવા માટે દબાણ કરવું જોઇએ, કારણ કે આ દેશો ટેરીફ ન હોવાના કારણે ભારતમાંથી દૂધ ઉત્પાદનોની મંજૂરી આપતાં નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp