સુરતમાં ઓવારા પર પ્રતિબંધ, બધે પોલીસ મૂકાઈ, નિયમ તોડનારને 5,000નો દંડ

PC: dainikbhaskar.com

કોરોના વાયરસની અસર તમામ ધાર્મિક તહેવારો પર પડી છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જાહેર તહેવાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરોમાં પણ કોઈ કાર્યક્રમો નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે દર વર્ષે ધામધૂમથી ઉજવાતા ગણેશ ઉત્સવ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગણેશ મંડળોને તંત્ર દ્વારા જાહેરમાં આયોજન ન કરવાની સૂચના આપવામાં આવી હતી અને જો કોઈએ જાહેરમાં આયોજન કર્યું તો તેની સામે જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.

તો બીજી તરફ તંત્ર દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં તંત્ર દ્વારા તાપી નદીના તમામ ઓવારા, દરિયાકિનારા તરફ જતા રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્રએ જાહેરમાં બોર્ડ લગાવીને વિસર્જન ન કરવા અંગેની પણ લોકોને સૂચના આપી છે. નિયમ ભંગ કરનાર લોકોની સામે દંડની કાર્યવાહી કરવાની સૂચના બોર્ડમાં લખવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર સૂચના લગાવવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે, હાલમાં સુરત શહેરમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નદી તેમજ ગામના તળાવના કિનારે આવેલા તમામ ઓવાર બંધ રાખવા તથા ઓવારા પર લોકોને એકઠા ન થવા હુકમ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને 5 હજાર રૂપિયાનો દંડ તથા તેની સામે IPC કલમ 188 અને એપેડેમીક એક્ટ-1897 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

લોકો જાહેર રસ્તા પર વિસર્જન યાત્રા ન કાઢે અને નદી તળાવમાં મૂર્તિનું વિસર્જન ન કરે તે માટે પોલીસ દ્વારા 3 SRP, 1000 હોમગાર્ડ અને સ્થાનિક પોલીસનો કાફલો અલગ-અલગ ઓવાર પર ગોઠવી દેવામાં આવ્યો છે. આ બાબતે સ્પેશિયલ બ્રાંચના ACP પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, જાહેર રસ્તા પર મૂર્તિ લઈને લોકોએ નીકળવાનું જ નથી. જો કોઈ વ્યક્તિ વિસર્જન માટે નીકળશે તો પોલીસ દ્વારા તે વ્યક્તિને પકડીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp