26th January selfie contest

સુરતના એક નગરસેવકે ઉપાડ્યું સિટી લિંક બસનું નુકસાન દૂર કરવાનું બીડુ

PC: ytimg.com

સુરત કોંગ્રેસના એક નગરસેવક દિનેશ કાછડિયાએ છેલ્લા કેટલાક મહિનાઓથી સિટી લિંક બસોમાં થતી ગેરરિતી દૂર કરીને તેને નુકસાનીમાંથી બચાવવાનું રીતસર અભિયાન છેડ્યું છે. તેમના દ્વારા અનેક રૂટોની બસોમાં આકસ્મિક ચેકિંગ કરીને અનેક ખુદાબક્ષ મુસાફરોને પકડવામાં આવી રહ્યાં છે. સૌથી મોટી વાત તો એ છે કે કંડક્ટર દ્વારા ટિકિટ નહીં આપીને રોજ લાખો રૂપિયા ગજવે નાંખવાનું કૌભાંડ પણ તેઓએ અનેકવાર ઉઘાડું પાડ્યું છે. આ નગરસેવકના પરિણામે જ આજે સિટી લિંક (સિટી બ્લુ બસ તથા બીઆરટીએસ બસ)ની આવકમાં 12 લાખનો વધારો થયો છે!! કાછડિયા આરોપ લગાવતા કહે છે કે હજી 10 લાખ જેવી માતબર રકમ કંડક્ટરોના માધ્યમથી વિવિધ કોન્ટ્રાક્ટ હેઠળની કંપનીઓ ખિસ્સે કરે છે. તંત્ર કંડક્ટર કે ડ્રાઈવરો સામે કાર્યવાહી કરે છે પણ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન કરી તેમના કાળા કર્મો પર પરદો પાડી રહી છે.

  • આશ્ચર્ય: બે વર્ષમાં સિટી લિંક બસે કરી 250થી 300 કરોડની ખોટ

સુરતના વિવિધ વિસ્તારોને જોડતી સિટી લિંક (બીઆરટીએસ) સહિતની 761 બસો દોડી રહી છે. સિટી લિંક વિભાગ રોજ આ બસોમાં 2.70 લાખ મુસાફરો અવાગમન કરતા હોવાનો આંકડો કહે છે અને સરેરાશ 8 રૂપિયા ભાડુ ગણાય તો તે થકી રોજ હાલ 21.60 લાખની આવક થઈ રહી હોવાનું એક અનુમાન છે. જોકે, અધિકૃત આંકડા મુજબ વિતેલા બે વર્ષમાં સુરત મહાનગર પાલિકાને આ ઓપરેશન ચલાવવા પાછળ 250થી 300 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. શહેરીજનો માટે માસ ટ્રાન્ઝીસ્ટ સિસ્ટમ ઉભી કરવા પાછળ આટલું મોટું નુકસાન તે ગળે ઉતરે તેમ નથી.

 વાત ગળે ન ઉતરી ને ચેકિંગ શરૂ કર્યું, 12 લાખની આવક વધી!

આટલી મોટી ખોટની વાત નગર સેવક દિનેશ કાછડિયા ને પણ ગળે ન ઉતરતા તેઓ મેદાનમાં ઉતર્યા અને તેમણે વિવિધ રૂટ પર પહોંચીને બસનું ચેકિંગ શરૂ કર્યું. તેમાં મોટાભાગના મુસાફરો ટિકિટ વિનાના જોવા મળ્યા. કંડક્ટર તેમને નક્કી દરો મુજબની ટિકિટ આપતા ન હતા અને તેઓ ભાડા કરતા ઓછી રકમ લઈ ખિસ્સામાં નાંખી દેતા હતા. આવા અનેક વીડીયો તેમણે લાઈવ બનાવી પોતાના સોશ્યલ મીડીયા એકાઉન્ટ પર પણ મુક્યા છે.

જોકે, આ મામલે કંડક્ટરને નોકરી પરથી ખસેડી દેવાય છે પણ એક પણ એજન્સી સામે કાર્યવાહી કરાતી નથી. કાછડિયા સીધો આરોપ લગાવે છે કે એજન્સી સાથે વિભાગની અથવા શાસકોની મિલીભગત છે જેથી, બ્લેકલિસ્ટ જેવી આકરી કાર્યવાહી કરાતી નથી અને આ પાપ ચલાવીએ રાખવામાં આવે છે. કાછડિયાએ કહ્યું કે મારા ચેકિંગ પહેલા દર રોજ જે આવક માત્ર રૂ. 14 લાખની હતી તે હવે વધીને રૂ. 26 લાખ થઈ ગઈ છે. મારા મતે હજી 10 લાખ એજન્સીધારકો કંડક્ટરના માધ્યમથી ગજવે કરે છે. જો મારા સૂચવેલા ઉપાયો અને તપાસણી કરાય તો ઘણું નુકસાન દૂર થઈ શકે છે.

મેં પત્ર લખી માંગ કરી છે કે ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવાય. જેથી વચ્ચેની રાશિ ગપચાવાય નહીં. 8ની ટિકિટ હોય તો પાંચ લઈ ખિસ્સે કરવાના બનાવો છે અને તેમાં યાત્રીને પણ ત્રણને ફાયદો થતો હોવાથી તે ઉપલકમાં પાંચ આપી દે છે અને ટિકિટ લેતા નથી. બીજુ કે મોટા સ્ટેશન પર ટિકિટ બારી પરથી જ ઈશ્યુ કરી દેવાય. બસોમાં સીસીટીવી કેમેરા લગાવી મોનિટરિંગ થાય. કાછડિયા કહે છે કે ઓનલાઈન કે મેન્યુઅલ ફરિયાદો યાત્રીઓ કરે છે પણ તેના પર એક્શન લેવાતા નથી. જેથી, એક્શન લઈ સંબંધિત યાત્રીને જાણ પણ કરાય તો માલૂમ પડે. કાછડિયાએ એન્ટિ કરપ્શન બ્યુરોને પણ તપાસ કરવા લેખિત ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે કાછડિયાને પગલે બીજા એક નગર સેવક ભાવેશ રબારી પણ ક્યારેક ક્યારેક સિટી બસમાં છાપો મારતા થયા છે. જોકે, રોજબરોજ તપાસ થાય તો આવી ચોરી  પર અંકુશ આવી શકે એમ હોવાનું અધિકારીઓ જ કહીં રહ્યાં છે.

 જોકે, કમિશનરે તમામ ક્લાસ-1 અને વિજિલન્સને ચેકિંગના પાવર આપ્યા અને થયો દંડ

નગર સેવકની અનેક રજૂઆતો બાદ અને વારંવાર છાપામારી બાદ નવા આવેલા કમિશનર બંછાનિધિ પાનીએ ક્લાસ-1 કક્ષાના અધિકારીઓ તેમજ વિજિલન્સને સિટી લિંક બસોનું ચેકિંગ કરવાના પાવર આપી દીધા છે.

સાથાસાથ 9 માસના આંકડા જાહેર કરી સિટી લિંક વિભાગના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે કહ્યું કે અમે 9 માસમાં 27 હજાર ખુદાબક્ષોને પકડ્યા છે જ્યારે ડિસેમ્બર-2019ના એક મહિનામાં જ એજન્સીસ પાસેથી 55 લાખનો દંડ વસૂલ કર્યો છે. જેમાં વિશ્વ એન્ટરપ્રાઈઝ 19 લાખ, આકાર એચ.આર. મેનેજમેન્ટ પ્રા.લિં. 15 લાખ, સુકાની એચ.આર. મેનેજમેન્ટ પ્રા. લિ. 11 લાખ, એમ.જે. સોલંકી રૂ.10 લાખની પેનલ્ટી ફટકારી છે. 150 જેટલા કંડક્ટર અત્યારસુધી કાઢી મુકાયા છે. નાયક કહે છે કે મુસાફરોને રૂ. 100નો દંડ, બમણું ભાડું વસુલ કરવાનું શરૂ કરાયું છે.  આ ઉપરાંત એક બસમાંથી એક મુસાફર વિના ટિકિટે પકડાય તો આખી બસના મુસાફરો ગણીને એક ટિકિટ દીઠ રૂ. 250 ગણીને તેટલી પેનલ્ટી સંબંધિત એજન્સીને કરવાનું શરૂ કરાયું છે. કમલેશ નાયક કહે છે કે, માસ ટ્રાન્ઝીસ્ટ સિસ્ટમ એ સેવાકીય અભિગમ છે. તેમાં રાહતદરે ટિકિટના દરો નક્કી કરાતા હોય છે. જેમા નફો કરવાનો નહીં પણ સેવાકિય અભિગમ હોવાથી તે ખોટ જ કરે. વિશ્વમાં દરેક આવી સેવાની સ્થિતિ આ જ હોય છે.

  • બે દિવસ પહેલા દારૂડિયા ડ્રાઈવરને પકડ્યો

બે દિવસ પહેલા જ કોસાડ બસ અડ્ડા પર બેફામ બસ હંકારીને શોર્ટ બ્રેક મારનારા ડ્રાઈવરને પકડ્યો હતો. જેના ડ્રાઈવીંગથી યાત્રીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા. ડ્રાઈવરને અનેકવાર તાકિદ કરી પણ યાત્રીઓની વાત ન માની. કાછડિયાએ આ અંગે મનપા કમિશનરને ફોન પર ફરિયાદ કરી તો માત્ર તેને દૂર કર્યો પણ એજન્સી સામે કાર્યવાહી ન થઈ. કાછડિયા કહે છે, મનપા તો કાર્યવાહી નથી કરતી પણ પોલીસ પણ આવી ફરિયાદો લેતી નથી. યાત્રી પરેશાન છે. ડ્રાઈવરોને એજન્સી ડબલ શિફ્ટ કરાવે છે. કંડકટરોને ચોપડે વધુ પગાર દેખાડી ઓછો ચુકવે છે. આ બધા કારણો પણ ચોરી માટે જવાબદાર છે.

(રાજા શેખ)

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp