26th January selfie contest
BazarBit

અમદાવાદ પોલીસે મહિલાઓને શા માટે કહ્યું- તમે આવું કરશો તો અમારી આબરૂ જશે

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધી છે તેવુ સ્કુલમાં જતા નાના બાળકોને પણ ખબર છે, પરંતુ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં માત્ર દારૂ જ નહીં પણ ગાંજો પણ ખુલ્લે આમ વેચાય છે. પોલીસ સ્ટેશનમાંથી હાંક મારો તો પણ રામદેવનગરમાં સંભળાય તેમ છે પરંતુ છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો. તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે મંજુરી પણ માંગી પણ પોલીસે મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ધરણાની મંજૂરી કેમ મળતી નથી, તેવું પુછવા ગયેલી મહિલાઓને પોલીસે કહ્યું- તમે ધરણા કરશો તો અમારી આબરૂ જશે.

અમદાવાદના સમૃધ્ધ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર નામની એક વસાહત છે, જયાં બાવરી સમુદાયના લોકો રહે છે. બાવરી સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને દારૂ અને ગાંજાના વ્યસનનું પ્રમાણ વધારે છે. બરાબર સેટેલાઈટ પોલીસ સ્ટેશનની સામે રામદેવનગરમાં દારૂ અને ગાંજનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. રામદેવનગરનું ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે ઘરના પુરૂષો આ વ્યસનથી બચી શકયા હશે. આ ઉપરાંત ખાસ કરી ગાંજો ખરીદવા માટે ઘણા કોલેજ -સ્કુલ સ્ટુડન્ટો પણ રામદેવનગરમાં આવે છે. આ સમસ્યાનો અંત આણવા માટે બાવરી સમુદાયની સ્ત્રીઓ સમુદાયના આગેવાનો અને પંચને મળી રજુઆત કરી કે આપણો સમુદાય બરબાદ થઈ રહ્યો છે. આપણા વિસ્તારમાં મળતો દારૂ-ગાંજો બંધ કરાવવામાં આવે. પણ આ મામલે બાવરી સમુદાયના પંચે પણ મહિલાઓને કોઈ મદદ કરવાનો ઈન્કાર કર્યો હતો.

બાવરી સમુદાયની મહિલાઓ લડી લેવાના મૂડમાં હતી. તેમણે સવાર સાંજ પોતાના વિસ્તારમાં દારૂ ગાંજો બંધ કરાવવા માટે રેલી કાઢવાની શરૂઆત કરી. પણ બાવરી સમુદાયના જે લોકો દારૂ ગાંજો વેંચતા હતા તેમની ઉપર તેની કોઈ અસર થઈ નહીં. ખરેખર તો આ કામ પોલીસનું છે પણ પોલીસ નિષ્ફળ જવાને કારણે બાવરી મહિલાઓ મેદાને પડી. પણ દારૂ ગાંજામાં અઢળક કમાણી હોવાને કારણે દારૂ ગાંજો વેચતા લોકોએ તેમને અટકાવી શકે તેવા તમામ સાથે ગોઠવણ કરી લીધી હતી. એટલે રેલીઓનો પણ કોઈ પ્રભાવ પડયો નહીં. આખરે આ મહિલા આ વિસ્તારમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ પાસે પહોંચી. મંચના આગેવાન મીત્તલ પટેલને મળી તેમણે રજુઆત કરી હતી.

મીત્તલ પટેલે તેમને કહ્યુ કે દારૂ ગાંજો બંધ કરાવવા માટે તમારે જાતે જ લડવું પડશે. બાવરી સમુદાયની મહિલાઓ પોતે લડાઈ માટે તૈયાર હતી. આખરે નક્કી થયુ કે તા 20મી મેના રોજ રામદેવનગરમાં પ્રવેશવાના રસ્તા ઉપર બાવરી સમુદાયની મહિલાઓ સાંજના 5થી7 દેખાવ કરી પોલીસ અને સમાજનું આ મુદ્દે ધ્યાન દોરશે. આ દેખાવ માટે મીત્તલ પટેલ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર અને સેટેલાઈટ પોલીસને તા 17મી મેના રોજ મંજુરી માંગતી અરજી કરવામાં આવી હતી. પરંતુ તા 19મીના રોજ સેટેલાઈટ પોલીસે મંજુરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આથી મીત્તલ પટેલ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી. મહિલા પોલીસ ઈન્સપેકટર પાસે મંજુરી કેમ આપતા નથી તેવો સવાલ કર્યો ત્યારે જવાબ મળ્યો- આ દેખાવ તો સીધો તમે પોલીસ સામે કરી રહ્યા છો. તમે દેખાવ કરો તો અમારી આબરૂ જાય, માટે મંજુરી આપીશુ નહીં.

એક તરફ પોલીસ દારૂ ગાંજો રોકી શકતી નથી અને જે મહિલા તેની સામે લડે છે તેને મદદ પણ કરવા તૈયાર નથી જો કે આ મહિલાઓ પોતાની ધરપકડની તૈયારી સાથે સાંજના દેખાવો કરવાનો નિર્ણય કરી લીધો છે હવે જોવાનું રહ્યુ કે પોલીસ પોતાની આબરૂને કઈ રીતે મુલવે છે.

મહિલાઓએ ગાંજા સામે લડત આપવા માટે વાદળી ગેંગ બનાવી છે

શરૂમાં 5 મહિલાઓ વિરોધ કરતી હતી હવે 150 મહિલાઓ વાદળી ગેંગ સાથે જોડાઈ છે. તેઓ ગાંજો વેચનારાઓનો વિરોધ કરે છે. 20 મે 2019ના સાંજે 5 લાગ્યે મહિલાઓએ દેખાવો કરીને ગાંજો – દારુ રામદેવનગરમાં બંખ કરોના નારા લગાવી દેખાવો કર્યા હતા.

4 લાખનો પોલીસને હપતો, ઓન લાઈન વેચાણ

2012થી અહીં ગાંજો અને દારુ વેચાય છે. પોલીસને રૂ.4 લાખનો હપતો મળે છે. અહીં રોજ 2 હજાર લોકો ગાંજો લેવા આવે છે. અહીં ઓનલાઈન ગાંજો વેચાય છે. 16 મે 2019ના રોજ અહીંથી ગાંજાના 11 પેકેટ સાથે ભાવનગરનો વિદ્યાર્થી 19 વર્ષનો મનન વિરલભાઈ શાહ ઝડપાયો હતો તે ઈ-પેમેન્ટથી ગાંજો મંગાવતો હતો. અમદાવાદથી કુરિયર અથવા ખાનગી લકઝરી બસમાં પાર્સલ કરી ભાવનગર મોકલેલા ગાંજાનું આવેલું પાર્સલ લેવા ગયેલા બી.બી.એ.ના વિદ્યાર્થીને સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે ગાંજા સાથે પકડી લીધો હતો.  તેણે ઈ-પેમન્ટ કરી અમદાવાદ સપ્લાયર નારણ કેશાભાઈ સોલંકી (રહે, રામદેવનગર, અમદાવાદ) પાસેથી ગાંજાનો જથ્થો મગાવ્યો હતો. તેના મિત્રો પણ ગંજો પીવે છે. મિત્રો ભેગા મળી ગાંજા ભરેલી સિગારેટના કશ લગાવતા હતા. 12 થી 13 વર્ષના બાળકો પાઠ્યપુસ્તકના પાનામાં સંતાડી 2016થી ગાંજો વેચવાનું કામ કરે છે. વેચાણ પણ પોશ વિસ્તારોમાં જ થઈ રહ્યું છે. રામદેવનગરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની નજીક આવેલી વસાહતમાં આવા પદાર્થો વેચાઈ રહ્યા છે. 12-13 વર્ષનાં બાળકો રૂ.100 રૂપિયામાં પાઠ્યપુસ્તકનાં પડીકામાં ગાંજો મોડી રાત સુધી વેચતા હોય છે.

અમદાવાદમાં ગાંજો

શાહઆલમ ચંડોળા તળાવ, રીલીફ રોડ પર પટવા શેરી, દરિયાપુર ચારવાડ, ગોમતીપુર રાજપુર સ્થિત સેન્ટ મેરી હોસ્પિટલ નજીક, સરસપુર, ગુલબાઇ ટેકરા, શાહપુર અડ્ડા પાછળ, મ્હેદીંકુવા, દરિયાખાન ઘુમ્મટ, કાળીગામ, સરદારનગર આંબાવાડી, એસ.જી. હાઇવે પરના જાણીતા મંદિર સામે, રામદેવનગર, વાડજ, વિકટોરિયા ગાર્ડન નજીક ફૂટપાથ પર, વી.એસ. સ્મશાનગૃહ પાસે સ્થળોએ ગાંજો કે બીજા નશીલા પદાર્થો મળે છે.

આવી જ એક બાળકોની ગંજેરી ગેંગે શાહઆલમમાં બાઇક સળગાવી દીધી હતી. તેઓ રામદેવનગર, આનંદરનગર અને વાસણા ઉપરાંત વસ્ત્રાપુર તળાવ પાસેથી ચરસ અને ગાંજો લાવતા રહ્યાં છે. શિવરંજની પાસે કેશવબાગના બગીચામાં ગાંજો વેચતા રહ્યાં છે. વળી, સ્કૂલ કોલેજના યુવાનોને વેચતો હતો. પોલીસે તેની પાસેથી ચાર કિલો ગાંજો જપ્ત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 
 
 
 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp