26th January selfie contest
BazarBit

અમિત શાહનો સપાટોઃ કાશ્મીરમાં પાકિસ્તાની દલાલ આસિયાનું ઘર સીલ, કોણ છે આ મહિલા?

PC: theprint.in

અમિત શાહે ગૃહપ્રધાન બન્યા પછી ખાસ કરીને કશ્મીરમાં અપેક્ષા મુજબ કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ) કશ્મીરમાં મહિલા આંદોલનની સૌથી મોટી નેતા આસિયા અન્દરાબીનું શ્રીનગરમાં આવેલું ઘર સીલ કરી દીધું છે. આ ઘરમાંથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરાતી હતી. જોકે, તેના ધરના લોકો હાલમાં ત્યાં રહી શકે છે. જેનું ઘર સીલ કરાયું તે આસિયા અન્દરાબી કશ્મીરમાં પાકિસ્તાનની મોટી દલાલ છે. તે સરેઆમ કહે છે કે કશ્મીર પાકિસ્તાનનું છે. આઝાદ થઇને પાકિસ્તાન સાથે જ જોડાશે. ભારત વિરોધી પ્રવૃત્તિઓ બદલ તેની ગત વર્ષે ધરપકડ થઇ છે. તે હાલમાં તિહાર જેલમાં છે.

શું છે આસિયાનો ઇતિહાસ

52 વર્ષના આસિયા ડોક્ટર માતા-પિતાની સંતાન છે. તેણે 1987માં દુખ્તરાન એ મિલ્લત ( આસ્થાની દીકરીઓ)નામનું સંગઠન ઊભું કર્યું છે. જે કશ્મીરમાં ભારતનો વિરોધ કરનારી મહિલાઓનું સૌથી મોટું સંગઠન કહેવાય છે. તેણે ઇસ્લામિક સ્ટડીઝમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તે શાળામાં ભણતી હતી ત્યારે તેણે પિતાની લાયબ્રેરીમાં એક પુસ્તક વાંચ્યું-ખવાતિન કે દિલોં કી બાતેં (મહિલાઓના દિલની વાત). આ પુસ્તકમાં એવી મહિલાઓની વાતો હતી જેમણે ઇસ્લામના પ્રચાર માટે પોતાનું જીવન આપી દીધું. આ પુસ્તકમાં તેને માર્ગારેટ મારકસ નામની એક અમેરિકન મહિલાની વાર્તા વાંચવા મળી. આ મહિલા ન્યૂયોર્કમાં યહૂદી ઘરમાં ઉછરી હતી. તેણે ઇસ્લામ અપનાવ્યું અને મરીયમ જમીલા બની. આસિયા આ મહિલાની ફેન બની ગઇ. તેણે એરેબિક ભાષા શીખવાનું શરૂ કરી દીધું.
આસિયા 10 વર્ષથી હતી ત્યારથી જે તેણે નક્કી કરી લીધું હતું કે તે જેહાદ કરનારા સાથે પરણશે. તેણે તેની સંસ્થા શરૂ કરી ત્યારપછી 3 વર્ષમાં આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહીદ્દીનના સંસ્થાપક સભ્ય મોહમ્મદ કાસિમ સાથે લગ્ન કર્યા. કાસિમ પણ હાલમાં જેલમાં છે. તેમને બે દીકરા છે જેમાંથી એક મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં ભણ્યો છે.

આસિયાની સંસ્થામાં જોડાવાના કડક નિયમો છે

આસિયાની સંસ્થામાં 30 વર્ષથી ઓછી ઉંમરની હોય તેવી મહિલાઓને જ જોડવામાં આવે છે. તેમણે પાંચ વર્ષ સુધી મદ્રેસામાં અભ્યાસ કરેલો હોવો જોઇએ. તેમણે ફરજિયાતપણે બુરખો જ પહેરવો પડે. તેઓ કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાઇ શકે નહીં. કોઇ પોલીસવાળા કે આર્મીવાળા સાથે લગ્ન કરી શકે નહીં. આ સંસ્થામાં જે ભાષણો આપવામાં આવે છે તેમાં આર્મી અને પોલીસવાળા બાબતે ખરાબ બાબતો કહેવામાં આવે છે. તેઓ પત્થરબાજીને પણ સમર્થન આપે છે. તેમનું માનવું છે કે સિક્યુરિટી ફોર્સિસને પત્થર મારવા તે શેતાનને પત્થર મારવા બરાબર છે. આસિયાએ ગાયની કતલ કરતો વીડિયો પણ અપલોડ કર્યો હતો. આ રીતે તેઓ હિન્દુસ્તાન સામે કશ્મીરીઓમાં ઝેર ભરે છે. આઝાદી પહેલાથી જ કશ્મીરમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે છતાં આસિયા ઉશ્કેરણી કરવા આવા વીડિયો ફરતા કરે છે. આમ તો આસિયા મહિલાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેનો વિરોધ કરે છે પરંતુ તેની સંસ્થાના સભ્યો બધા જ સોશિયલ મીડિયોનો દુરૂપયોગ કરતા આવ્યા છે.

તેમના નારા પાકિસ્તાન સમર્થક હોય છે

આસિયાની સંસ્થા જે નારા લગાવે છે કે હિન્દુસ્તાન વિરોધી અને પાકિસ્તાન સમર્થક હોય છે. ગો ઇન્ડિયા ગો બેક, કશ્મીર બનેગા પાકિસ્તાન, ઇસ્લામ કી નિસ્બત સે, ઇસ્લામ કે તાલ્લુક સે. હમ પાકિસ્તાની હૈં. પાકિસ્તાન હમારા હૈ, આવા નારા તેઓ લગાવે છે.

આસિયાને દુનિયાભરમાંથી પૈસા આવે છે

આસિયાની સંસ્થા જે આતંકવાદીઓ ઠાર મરાય છે તેના ઘરવાળાને મહિને રૂ. 2000ની પેન્શન મોકલાવે છે. રમઝાનમાં તેની સંસ્થાને મોટા પ્રમાણમાં જકાત આવે છે. તેને લંડનમાંથી ખૂબ પૈસા મળે છે. પૈસા ઉઘરાવવા તે વારંવાર ત્યાં જતી હતી. આ ઉપરાંત પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં ફંડ આવતું હોય છે. તેને હાફિઝ સઇદ સાથે સંબંધો છે. તેની હાફિઝની પત્ની તલ્હા સાથે તેને ઘરોબો છે. જૂલાઇ 2016માં બુરહાન વાની ઠાર મરાયો ત્યારપછી આસિયાએ હાફિઝ સાથે વાત કરી હતી. ત્યારપછી જ કશ્મીરમાં મોટાપાયે રમખાણો થયા હતા. હાલમાં અમરનાથ યાત્રા પણ તે માટે જ રોકવામાં આવી કારણ કે આ દિવસોમાં જ વાનીનું એન્કાઉન્ટર થયું હતું. આસિયા 400 જેટલા વોટ્સેપ ગ્રુપની એડમિનિસ્ટ્રેટર છે. તેમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ પણ જોડાયા છે. તેઓ કશ્મીરની શાંતિ ભંગ કરવા માટે તેનો મોટાપાયે ઉપયોગ કરે છે. આતંકવાદી સંગઠનો સાથે પણ આ રીતે જ સંપર્કમાં રહે છે. આમ, ભારતમાં રહીને પાકિસ્તાનીઓ સાથે સતત સંપર્ક અને તેમના મારફતે મોટાપાયે ફંડ મેળવીને કશ્મીરમાં શાંતિ જોખમમાં મૂકવાનું કામ કરતી આસિયા હવે સકંજામાં આવી છે.

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp