ગુજરાતમાં CM નિવાસની દિવાલે અડીને ઊભા થયેલા દબાણો 6 વર્ષ પછી તંત્રને નજરે ચઢ્યા

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી નિવાસસ્થાને અડીને આવેલા 250થી વધુ ગેરકાયદેસર મકાનો આજે તોડી પાડવામાં આવ્યા છે. જો કે મુખ્યમંત્રી નિવાસની દિવાલે ઊભા થઈ ગયેલા ત્રણ-ત્રણ માળના મકાનો આટલા વર્ષો સુધી સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્રને નજરે કેમના ચઢી, તે પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે.

2012થી મુખ્યમંત્રી નિવાસસ્થાનને અડીને ઊભા થઈ ગયેલા અંદાજિત 250થી વધુ મકાનો આજે તોડી પાડવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતાં માર્ગ-મકાન વિભાગના અધિકારી નગીન સાલવીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં જ્યારે જમીન સંપાદન થઈ ત્યારે 12 ગામતળની જમીન લીધી હતી. દરમિયાન આ વિસ્તારમાં તબક્કાવાર દબાણ ઊભા થવા માંડ્યા હતા. જો કે સરકારના ધ્યાને આવતા જ આ દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવતા, આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જેના મકાનો દૂર કરવામાં આવ્યા છે તેવા પરિવારો માટે સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કે નહીં, તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ જણાવ્યું હતું કે આ ગામતળની જમીનમાં ઊભા થયેલા દબાણો છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા મળવા પાત્ર નથી. ઉપરાંત આ પરિવારો પાસે જમીન અંગેની સનદ કે અન્ય કોઈપણ માન્ય દસ્તાવેજ અને પુરાવા ઉપલબ્ધ નથી એટલે વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઊભા થઈ ગયેલા આ મકાનોમાં રહેતાં મોટા ભાગના પરિવાર પર પ્રાંતીય ભાડુઆતો પરિવાર સાથે રહે છે. બીજી તરફ આ તમામની પાસે અદાણી ગેસ જોડાણના કનેક્શન, વીજ કનેક્શન, ચૂંટણી કાર્ડ, સહિતના પુરાવા મળી આવ્યા છે. પરંતુ આ તમામને આ દસ્તાવેજ કેવી રીતે મળ્યા, તે પ્રશ્ન શંકા ઊભી કરે તેવો છે. ત્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ આ દબાણો છેલ્લા અંદાજિત 6 વર્ષથી ઊભા થયાનું સ્વીકાર કરવામાં આવ્યો છે. તો પછી તંત્રને આ દબાણો આટલા વર્ષો બાદ જ કેમ દેખાયા?

તે મુદ્દો પણ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા કરે છે અને આ બાબતે સુરક્ષા એજન્સીઓ સામે મોટી ગંભીર ચૂક સામે આવી છે. બીજી તરફ મંત્રી આવાસોની બરોબર સામે અક્ષરધામ મંદિર આવેલું છે, જ્યાં વર્ષ પહેલાં આંતકવાદી હુમલો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાના નામે આમ આદમીને કનડગત કરતી સુરક્ષા એજન્સીઓને ત્રણ ત્રણ માળના બની ગયેલા ગેરકાયદેસર મકાનો કેમ દેખાયા નથી, જે યક્ષ પ્રશ્ન છે.

બીજી તરફ એમ મનાઈ રહ્યું છે કે ગેરકાયદેસર બનેલા આ મકાનોમાં રહેતા પરિવારો ભાજપ અને કોંગ્રેસ માટે વોટબેંક સમાન છે. ત્યારે અગાઉ આ દબાણો દૂર કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તબક્કાવાર આવી રહેલી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો વોટ બેંક સાચવવા આ દબાણો દૂર નહીં કરીને આંખ આડા કાન કરતા હતા, તેવી ચર્ચા એરણે ચડી છે.

પરંતુ હવે કોઈ ચૂંટણી નથી એટલે ગેરકાયદેસર મકાનો તોડવાના આદેશ સરકારે કર્યા હોવાનું મનાય છે. ગેરકાયદેસર ઊભા થયેલા મકાનો માર્ગ-મકાન વિભાગ દ્વારા તોડીને તેનો ખુલ્લો પ્લોટ ગાંધીનગર મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવશે. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સહયોગથી ખાલી કરાયેલ આ પ્લોટનો ઉપયોગ પોલીસ પરેડ માટે અથવા મહાનગરપાલિકાના ભાવિ કાર્યક્રમો માટે થાય તેવા આયોજન અંગે પણ સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આજે થયેલી દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં 20 JCB મશીન, 20 ટ્રેક્ટર, 40થી વધુ માર્ગ-મકાન વિભાગનો સ્ટાફ, પોલીસ વિભાગ અને રેવેન્યૂ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમના કાફલા સાથે ઉતરી પડ્યા હતા અને ગેરકાયદેસર ઊભા થયેલા મકાનો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નિવાસ્થાને અડીને ઊભા થયેલા આ મકાનો આટલા વર્ષો બાદ કેમ તંત્રના ધ્યાને આવ્યા? શું આ મકાનો મેળવવા કયા વિભાગની અને કયા વચેટિયાની લિંક હતી? તો પછી ગેરકાયદેસર ઊભા થયેલા મકાનોમાં ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ અને ગેસ કનેક્શનના બીલ કયા આધારે લોકોએ મેળવ્યા? શું આ કાર્યવાહી કરવા હપ્તા રાજ સિસ્ટમ હતી કે પછી અન્ય કારણો તે એક ચર્ચાનો વિષય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp