બિલ્ડરો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે ભૂપેન્દ્ર પટેલ સરકાર

PC: indianexpress.com

ગુજરાતમાં જટીલ મહેસૂલી કાયદા અને નિયમોને હળવા કરવાની કસરત ચાલી રહી છે. બિલ્ડર લોબીની રજૂઆતના અંતે સરકારે એવી ખાત્રી આપી છે કે રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસમાં નડતી મહેસૂલ વિભાગની કેટલીક જોગવાઇઓને નાબૂદ કરે તેવી સંભાવના છે.

બિલ્ડર લોબી અને એસોસિયેશન તરફથી રાજ્ય સરકારને મળેલી રજૂઆતોના સંદર્ભમાં મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે અમારી સમક્ષ બિન ખેતીની મંજૂરી અને ખાતેદાર પ્રમાણપત્ર મેળવવામાં થતી હેરાનગતિ સહિત અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે જેની વિભાગમાં સમીક્ષા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી આવેલી તમામ રજૂઆતો સરકારને ધ્યાને આવી છે અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે.

બિલ્ડર એસોસિયેશન તરફથી મહેસૂલ વિભાગના અગ્રસચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવનાર છે. રજૂઆતમાં એવું કહેવાયું છે કે ખાતેદાર પ્રમાણપત્ર માટે 1955થી રેકર્ડ મંગાવવામાં આવે છે તેના બદલે છેલ્લા 30 વર્ષ અથવા 1990 પછીના રેકોર્ડની જોગવાઇ દાખલ કરવામાં આવે. એ ઉપરાંત બિન ખેતી મંજૂરીમાં ઉત્તરોત્તર માલિકોની વિગતો માગવાનું પણ અટકાવવામાં આવે.

એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે બોગસ ખાતેદાર સામે સરકાર આકરી કાર્યવાહી કરે તેમાં વાંઘો નથી પરંતુ તેના કારણે પ્રામાણિક ખાતેદારને હેરાનગતિ થાય તે યોગ્ય નથી. આ રજૂઆતમાં બિલ્ડરોએ નિયત સમય મર્યાદામાં બિનખેતીનો હેતુ પૂર્ણ કર્યો ન હોય તો મોટો ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાનો મુદ્દો પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. એ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લામાં મહેસૂલી પ્રશ્નો ઉભા થયા છે તેને હળવા કરવા પણ માગણી કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારે કહ્યું છે કે લોકોના કામો ઝડપથી થવા જોઇએ, ખાસ કરીને સામાન્ય માન્યતા એવી છે કે સરકાર બિલ્ડરોને મદદ કરે છે કારણ કે તેઓ ફંડ આપે છે. પરંતુ હાલમાં રીઅલ એસ્ટેટની હાલત ખૂબ ખરાબ હતી અને ધીરે ધીરે તે સુધરી રહી છે. જો અર્થવ્યવસ્થાને પાટે લાવવી હોય અને રોજગારી ઊભી કરવી હોય તો પણ આ સેક્ટરને રાહત આપવી જરૂરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp