ગુજરાતમાં મહેસુલ વિભાગની બેદરકારીથી ખેડૂતો અને બિલ્ડરોને ભારે નુકસાન

PC: https://www.google.com

રાજ્યના મહેસૂલ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો અને બિલ્ડરોને કરોડો રૂપિયાનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે, કેમ કે વિભાગે 2011માં જાહેર કરેલી નવી જંત્રીના દરોમાં વ્યાપેલી વિસંગતતાના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. આ દરોમાં સુધારા કરવામાં આવ્યા નથી. એક જ વિસ્તારમાં અલગ અલગ દરો પણ પ્રવર્તી રહ્યાં છે જેના કારણે એકને ફાયદો થાય છે તો બીજાને નુકશાન થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો જે તે સરવે નંબરનો જંત્રીનો દર વધુ હોય તે પ્રમાણે ચાર્જેબલ એફએસઆઇની વસુલાત કરવાનું નક્કી કરી દેવાયું છે જ્યારે બીજી તરફ ખેડુતોની જમીન સંપાદન કરવામાં આવે તેવા કિસ્સામાં ઓછો જંત્રીનો ભાવ હોય તે પ્રમાણે ખેડુતોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. આમ, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં એક દાયકાથી એક જ સરવે નંબરની અલગ-અલગ જંત્રી અમલી બનેલી છે જેના કારણે ખેડુતો અને બિલ્ડરો બંને નુકસાન વેઠી રહ્યાં છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વર્ષ 2011માં જંત્રીના નવા દર અમલી બનાવ્યા હતા તે વખતે સાણંદ સહિત અમદાવાદ શહેરના કેટલાંય વિસ્તારોમાં જંત્રીના ભાવ ઊંચા કરી દેવાયા હતા જેમાં ખેડુતો અને જમીનમાલિકોનો એવો આરોપ હતો કે, જંત્રીના ભાવ બજાર કિંમત કરતાં પણ વધારે છે જેથી જમીનમાલિકો અને ખેડુતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વર્ષ 2011માં જાહેર કરેલા જંત્રીના દરમાં સુધારો કરવાની ફરજ પડી હતી જેમાં એવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી કે, જુની જંત્રીના દર અને નવી અમલમાં આવેલી જંત્રીના દરની સરખામણીએ જે વધારો થયો હોય તેનો 50 ટકા અમલી બનાવવામાં આવશે. ઉદાહરણ તરીકે સમજીએ તો, જુનો જંત્રીનો દર 100 રૂપિયા હતો પછી નવો જંત્રીનો દર વધીને 200 રૂપિયા થઇ ગયો હતો તો જુના દરમાં 100 રૂપિયાનો વધારો થયો હતો જેની સામે 50 રૂપિયા વધારો ગણવામાં આવ્યો હતો એટલે કે, નવો જંત્રીનો દર 150 રૂપિયા થયો હતો.

આ પ્રકારે જંત્રીના દર ઘટાડવામાં આવ્યા હતા. જોકે, આ જંત્રીના દર બદલ્યા બાદ ડખો શરૂ થયો હતો કેમ કે, પાછલથી જાહેર કરાયેલના જંત્રીના નવા દરોમાં કેટલાય સરવે નંબરો એવા હતા કે, જેમાં જંત્રીના દર જાહેર કરવામાં આવેલા ન હતા જ્યારે કેટલાય સરવે નંબરો એવા છે કે, તેના એક નહીં પણ બે વાર જંત્રીના દર લખાયેલા છે.

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં જંત્રીના દરોમાં ભારે વિસંગતતા પ્રર્વતી રહી છે. અમદાવાદ શહેરમાં એક જ સરવે નંબરની બે જુદી-જુદી જંત્રી જાહેર કરાયેલી છે તો કેટલાંક કિસ્સામાં એક જ રોડ ઉપર આવેલા બે સરવે નંબરોની જંત્રી પણ અલગ-અલગ છે. કેટલાંક કિસ્સામાં જંત્રીના ભાવોમાં ભારે વિસંગતા છે. જોકે, એક જ સરવે નંબરની બે અલગ-અલગ જંત્રી હોય તેવા કિસ્સામાં સરકારે વળતર આપવાનું હોય તો ઓછી જંત્રીનો દર લાગૂ કરાય છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સરકારે જ્યારે રૂપિયા વસૂલવાના હોય ત્યારે વધુ જંત્રીના દરની ગણતરી કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp