રાજકારણીઓને ધ્રુજાવતા સિંઘમ મામલતદાર સાથે ગુજરાત સરકારે શું કર્યું જાણો?

PC: facebook.com/chintan.vaishnav.148

આમ તો રાજકારણીઓ તમામ કરતા ઉપર હોવાના ભ્રમમાં રાચતા હોય છે. પરંતુ કેટલાક માથા ફરેલા સરકારી અમલદારો નેતાઓને તેમની ઔકાતમાં રહેવાનું સમજાવી દેતા હોય છે. સામાન્ય રીતે મહેસૂલી સેવામાં રહેલા અધિકારીઓ નેતાઓ અને સિનિયર અધિકારીઓને નારાજ કરવાની હિંમત કરતા નથી, કારણ કે ચારે તરફ પૈસાની રેલમછેલ હોય તેવા મહેસૂલ વિભાગની નોકરી અધિકારીઓને જીવ કરતા પણ પ્રિય હોય છે, પરંતુ ગુજરાતમાં ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની બરતરફ કરવાના આદેશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિનો આરોપ નથી, પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા છે.

2011મા જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે જોડાયેલા ચિંતન વૈષ્ણવ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં મામલતદાર તરીકે સેવાઓ આપી હતી, પરંતુ પ્રજા સાથે સીધા સંપર્કમાં રહી લોકોના કામ કરી આપતા મામલતદાર ચિંતન વૈષ્ણવ પોતાના સિનિયર અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને ખટકવા લાગ્યા હતા. વૈષ્ણવ તમામ કામ નિયમોને આધીન કરતા હોવાને કારણે પોતાના કામ માટે આવતા નાગરિકને કોઈની પણ ભલામણની જરૂર પડતી નહોતી. તેમજ એક પણ સ્થળે પૈસા આપવા પડતા નહોતા. ચિંતન વૈષ્ણવે પોતાના વિસ્તારમાં મામલતદાર તમારા દ્વાર તેવો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ગામે ગામ લોકોના પ્રશ્ન માટે તેમના ઘર આંગણે જઈ તેમના પ્રશ્નો ઉકેલવાની શરૂઆત કરી હતી.

આમ બીજા કરતા જૂદું વિચારતા અને તે પ્રકારે કામ કરતા મામલતદાર ચિંતન વૈષ્ણવની કામ કરવાની પદ્ધતિને કારણે નારાજ સિનિયર અધિકારીઓ દર વર્ષે ભરવામાં આવતા ખાનગી અહેવાલમાં નકારાત્મક અભિપ્રાય લખતા હતા, જેના કારણે તેમનો પ્રોબેશન પિરિયડ લંબાવવામાં આવ્યો હતો. ચિંતન વૈષ્ણવને અનેક અધિકારીઓ અને રાજનેતાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમની રીતે પ્રજાલક્ષી કામ કરતા હતા. રાજ નેતાઓ તેમની ચેમ્બરમાં જતા પણ ડરવા લાગ્યા હતા. આમ એક સામાન્ય મામલતદાર આપણને સાંભળતો નથી, તેવી ફરિયાદ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી ગઈ હતી અને ચિંતન વૈષ્ણવની કાયમી દવા કરવા માટે તેમને મામલતદાર તરીકે બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી આર.કે.જોષીની સહિથી તા 2 માર્ચ 2019ના રોજ ઓફિસ સમય બાદ તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવે છે, તેવો આદેશ કરવામાં આવ્યો છે દાહોદ કલેક્ટરને સુચના આપવામાં આવી છે ચિંતન વૈષ્ણવની સેવાઓ ચાલુ રાખવી ઈષ્ટ નથી, તેવું સરકારે નક્કી કર્યુ છે તેની જાણકારી તેમને આપી દેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp