રાજ્યની 3 નગરપાલિકાની ગટર યોજનાના કામ માટે 114 કરોડ મંજૂર કરતા CM

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે કુલ 114.68 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી તેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઇ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે,તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ. 26.52 કરોડના કામો માટે અનુમતિ આપી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ 100 ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે 2 થી 3 ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે.

 પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે, વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. 83.79 કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે.

પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આ નગરોની આગામી વર્ષ 2052 ની વસ્તીની રોજની 12.11 એમ.એલ.ડી સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે. આ યોજના અંતર્ગત 10 એમ.એલ.ડી ક્ષમતાનો સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, હાઉસ કનેક્શન ચેમ્બર, પમ્પીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન-6 અને શક્તિનગર ઝોન-2 માં પાણી પુરવઠા યોજનાના કામો માટે 4.37 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે,આ ઝોનમાં આગામી 2050ના વર્ષની વસ્તીનો અંદાજ ધ્યાનમાં રાખીને રોજની 16.02 એમ.એલ.ડી પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે. સમગ્રતયા મુખ્યમંત્રીએ ત્રણ નગરપાલિકાઓને રૂ. 114.68 કરોડની રકમના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp