CMએ ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જાણો શું છે આ અભિયાન

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ 1 લી મે થી ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો રાજ્યના 17 હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યક્ત કર્યો કે, ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનજાગૃતિથી આગામી 15 દિવસ આ અભિયાન યુદ્ધના ધોરણે ઉપાડી આપણે ગુજરાતના હરેક ગામને કોરોનામુક્ત ગામ કરવા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડ માધ્યમથી રાજ્યના ગામોના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને જિલ્લા પ્રભારી મંત્રીઓ, અધિકારીઓ સાથે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનના પ્રારંભ અવસરે ઇ-સંવાદ સાધીને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી.

આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન તેમણે કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની એક કમિટિ બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય.

વિજય રૂપાણીએ સૌ ગ્રામજનોને તાકીદ કરી કે 15 દિવસ માટે ગામમાંથી કોઇ બહાર ન જાય કે બહારની કોઇ વ્યક્તિ ગામમાં આવે નહિ તેવી નાકાબંધી કરીએ. એટલું જ નહિ, સરકારે આપેલ નિમંત્રણો-નિયમોનું ચુસ્ત પાલન થાય, ગામ સેનીટાઇઝ પણ થાય તો આ કોરોના સંક્રમણ ગામડાંઓમાં ફેલાતું અવશ્યક અટકશે જ. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દરેક ગ્રામજન પોતાના ઘર પરિવાર સાથોસાથ ગામની પણ સામુહિક ચિંતા કરશે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા સોશિયલ ડીસ્ટન્સીંગ, માસ્ક, વારંવાર હાથ ધોવા અને ભીડભાડ ન રાખવી જેવા નિયમો અપનાવશે તો કોરોના સામેની આ બીજી લ્હેરમાં પણ આપણે જંગ જિતી શકીશું.

મુખ્યમંત્રીએ ગુજરાત કોરોનામુક્ત બને એ દિશામાં સૌ કોઇ રાજ્યના આ સ્થાપના દિવસથી સંકલ્પ લઇને જાગૃતિ-સતર્કતા દાખવે તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારે કોરોના સંક્રમિતોની સારવાર-વ્યવસ્થા માટે અપનાવેલી રણનીતિ, બેડ, ઓકસીજન વ્યવસ્થા વગેરેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં માર્ચ મહિનામાં 41,870 બેડ હતા જે આજે 1 લાખની ઉપર પહોચ્યા છે. ઓકસીજન અને આઇ.સી.યુ બેડ પણ 3.5 ગણા વધયા છે તે 16043માંથી 57073 થયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની બીજી લહેર વધુ વ્યાપક અને તીવ્ર છે ત્યારે દરેક વાતનો વિરોધ કરવાવાળા અને પાણીમાંથી પોરા કાઢવા વાળાને ભગવાન સદબુદ્ધિ આપે. સરકારે રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા જે કંઇ કર્યુ છે તેને પરિણામે જ મૃત્યુનું પ્રમાણ આપણે એક હદ સુધી રોકી શકયા છીએ. રાજ્યના બે લાખથી વધુ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ અને અન્ય વિભાગના કર્મીઓ દિન-રાત જોયા વગર થાકયા, હાર્યા કે રોકાયા વગર કોરોના સામેની લડત લડી રહ્યા છે તેઓ પણ અભિનંદનને પાત્ર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે રાજ્યના તમામ યુવાનો અને 45થી વધુ ઉંમરના લોકોના ઝડપથી રસી મેળવી કોરોના સામેની લડાઇમાં ભાગીદાર બને તેવી અપેક્ષા પણ આ તકે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ‘મારા ગામમાં કોરોના આવવા દેવો જ નથી’ના ધ્યેય મંત્ર સાથે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન 1લી મે થી 15 દિવસ માટે યુદ્ધના ધોરણે ઉપાડી લેવા ગ્રામીણ જનશક્તિને આહવાન આપ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર આ મહામારી સામે મજબૂતાઇથી લડત આપી રહી છે. રાજ્યમાં ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટથી લઇ હેલ્થ વર્કર સુધી સૌ કોરોના સામેની આ લડાઇમાં સિપાહી બનીને કામે લાગ્યા છે. રાજ્યપાલે ગુજરાત સ્થાપના દિને સરપંચો સાથે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી સંવાદ કરતા કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધુ લોકો સંક્રમિત બની રહ્યા છે ત્યારે સાધવાની હટી તો દુર્ઘટના ઘટી જેવો ઘાટ ઘડાયો છે. ભીડ એકત્રીત કરવી, માસ્ક ન પહેરવું જેવી બેદરકારીને કારણે સંક્રમણ વધુ ઝડપે ફેલાઇ જતું હોય છે આથી ગુજરાતની દરેક વ્યક્તિ પોતાને કોરોનાથી બચાવવાની પ્રતિજ્ઞા કરે તો આખું ગામ અને આખું રાજ્ય કોરોનાથી અવશ્ય બચી જશે.

રાજ્યપાલે વધુમાં કહ્યું કે, કોરોનાની દવાઇ અર્થાત રસી આવી છે પરંતુ જોઇએ એવી કડાઇ-નિયમ પાલનનું શિસ્ત આપણે દાખવી શકયા નથી. આ માટે ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ આગળ આવી એક કમિટીનું ગઠન કરી નિયમિત બેઠક કરે અને ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનને સફળ બનાવે. તેમણે ઉમેર્યુ કે એન.સી.સી., રેડક્રોસ, એન.એસ.એસ. અને નહેરૂ યુવા કેન્દ્ર જેવા સંગઠનની મદદ લઇ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ ગ્રામીણ કક્ષાએ માનવબળ ઊભું કરી શકે છે. આ સાથે જ ધર્મગુરૂઓ ધાર્મિક સંસ્થાઓનો પણ કોરોનામુક્ત ગામ-કોરોનામુક્ત નગર-શહેર માટે સહકાર મળી શકે છે.

તેમણે કહ્યું કે, લોકો પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવી નિયમિત યોગ-પ્રાણાયામ કરે અને ઘરનો બનાવેલો સુપાચ્ય ખોરાક લે. આયુર્વેદીક ઔષધિઓ અને પ્રાકૃતિક ખેતીથી થતા ઉત્પાદનો તરફ વળી ઓર્ગેનિક કૃષિ પેદાશોનો ઉપયોગ પણ સ્વસ્થતા તરફ લઇ જશે અને કોરોનાથી બચાવશે. પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે આ અભિયાનને સફળ બનાવવામાં સરપંચથી લઇને ગ્રામીણ પદાધિકારીઓ સૌના સક્રિય સહયોગની ખાતરી આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકારની કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર અને રોગ અટકાયતની રોજીંદી તેમજ અત્યાર સુધીની સફળ કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરા તેમજ જિલ્લા સ્તરેથી પ્રભારી તંત્રીઓ, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ આ અભિયાન પ્રારંભ અવસરમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp