CM રૂપાણીએ રાજ્યના દરેક નાગરિકને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો

PC: gujaratinformation.net

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપાતકાલ-અકસ્માત જેવી ઘટનાઓમાં તત્કાલ આરોગ્ય સેવા મદદ માટે ટેક્નોલોજીના વિનિયોગથી 108 મોબાઇલ એપ્લિકેશનનું લોચીંગ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતનો આ નવો આયામ ‘પ્લેટિનમ અવર’માં અમૂલ્ય માનવ જીવન બચાવવાનો સક્ષમ પર્યાય બનશે. વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 108 મોબાઇલ એપ લોન્ચીંગ સાથે જ સાગરખેડૂ-બંધુઓને સારવાર સુવિધાની 108 બોટ એમ્બ્યુલન્સ તેમજ નવી 10 108 એમ્બ્યુલન્સ વાનનો પ્રજાપર્ણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ 108 મોબાઇલ એપ્લિકેશનમાં પાંચ મોડયુલ છે અને તે ઇન્ટીગ્રેટેડ હોવાથી અકસ્માત, ઇજા કે અન્ય આપાતકાલમાં વાતચીત-પેપર વર્કનો તેમજ સારવાર સ્થળ સુધી પહોચાડવાનો જે સમય જાય છે તે નિવારી શકાશે. વિજય રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકને આ 108 મોબાઇલ એપ ડાઉનલોડ કરી લેવાની હાર્દભરી અપિલ કરતાં ઉમેર્યુ કે, ઇમરજન્સીના સમયે આખી મેડિકલ સેવાઓ નાગરિકોની મૂઠીમાં હોય તેવી નેમ આ લોકોપયોગી એપ્લિકેશનની છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, રાજ્યની ચાર હજાર હોસ્પિટલો આ એપ્લિકેશન સાથે ઇન્ટરલીન્કડ હોવાથી ઘટના સ્થળની નજીકના સ્થળની સરકારી-ખાનગી સારવાર સુવિધા, બ્લડ બેન્ક જેવી આવશ્યક સેવાઓની યાદી તૂર્ત જ ઉપલબ્ધ થવાથી યોગ્ય નિર્ણય લઇ સારવાર માટેની વ્યવસ્થા કરવામાં અગ્રતા રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોની મેડીકલ હિસ્ટરી પણ સ્માર્ટ ફોનમાં ડેટારૂપે ઉપલબ્ધ બનાવી પેપરલેસ હેલ્થ ફેસેલીટીની નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં તેમણે જન સેવાની ઉદાત ભાવનાથી 2007માં શરૂ કરેલી 108 સેવામાં આ સરકારે સમયાનુકુલ ટેક્નોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આજે આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ અને માનવીની અમૂલ્ય જીંદગીને બચાવી લેવા માટે હોલિસ્ટીક એપ્રોચથી આયોજનો વ્યાપક સ્વરૂપે વિસ્તાર્યા છે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રતિવર્ષ 7 થી 8 હજાર લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ આંકડો ઘટાડી શકાય તેવા ભાવથી 108 સેવાઓમાં ટેક્નોલોજી ઉપયોગ સહિતના નવા આયામો જોડ્યા છે.

તેમણે રાજ્ય સરકારે ધનવન્તરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોના કામકાજના સ્થળે જઇને આરોગ્ય સેવાઓ, મૂંગા અબોલ પશુજીવોની સારવાર માટે 1962 કરૂણા એમ્બ્યુલન્સ સેવાઓ, મા અમૃતમ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સહાય જેવા રાજ્ય સરકારના વિવિધ સફળ આરોગ્યલક્ષી પ્રયોગોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp