CM વિજય રૂપાણી થયા કડક, 33 કલેક્ટરો-ડીડીઓ કામ નહીં કરે તો...

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાતનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે તેવી માનસિકતા સચિવાલયમાં જોવા મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સરકારને પાટા પર લાવવા માટે અધિકારીઓને પ્રલોભન તેમજ દંડ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે. કામ નહીં કરવાની તેમજ ફાઇલોમાં ક્વેરી કાઢનારા કર્મચારી અને અધિકારીઓને દંડ આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. એટલું જ નહીં રાજ્યના પ્રામાણિક અને ઝડપથી કામ કરતાં અધિકારીઓને શૂન્ય થી સાત સ્ટાર આપવાનું પણ સરકારે નક્કી કર્યું છે.

તાજેતરમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાઇલો મૂકી રાખનારા અને લાંચ લેવાની દાનત રાખનારા કર્મચારી તેમજ અધિકારીઓ માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે વહીવટી તંત્રમાં આવો બદલાવ કરવાનું સૂચન કર્યું છે જેને સરકારે સ્વિકારી લીધું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના 26 વિભાગોની સાથે રાજ્યના 33 જિલ્લા કલેક્ટરો તેમજ ડીડીઓને સ્ટાર રેન્કીંગ આપવાનું શરૂ કરી રહ્યાં છે. આ રેન્કીંગ જે શૂન્ય થી સાત સ્ટાર સુધીનું રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના ડેશબોર્ડમાં રેન્કીંગ તેમજ મોનિટરીંગ માટેની સુવિધા હોવાથી ગુણવત્તાના આધારે રેટીંગ આપવામાં કોઇ મુશ્કેલી પડશે નહીં.

આ રેન્કીંગ સરકારી અધિકારીઓની કાર્યદક્ષતાને માપવા તેમજ વહીવટી કામમાં ઝડપ લાવવા માટે આપવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની સરકારમાં વિભાગો તેમજ અધિકારીઓને રેન્કીંગ આપવાની પ્રથા શરૂ કરી હતી પરંતુ મોદી વડાપ્રધાન બન્યા પછી આ પ્રથા બંધ થઇ ગઇ હતી જેને વિજય રૂપાણીએ ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ કહ્યું હતું કે મંત્રીઓ અને સરકારી વિભાગોના સચિવોને સીએમ ડેશબોર્ડ અંગે લેખિત આદેશ કરી દેવામાં આવ્યો છે. વિભાગોને ઓનલાઇન સ્ટાર રેન્કીંગ પ્રલાણી સાથે જોડાશે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ તેની કામગીરીને પણ રેન્કીંગમાં જોડવામાં આવશે.

વિભાગીય રેન્કીંગ માટે પ્રાથમિક માપદંડ ગુજરાત નાગરિક સેવાઓનો અધિકાર અધિનિયમ 2013ના અનુસાર જે ઓનલાઇન સુવિધા આપવામાં આવી રહી છે તે પ્રમાણે રહેશે. અત્યાર સુધીમાં 50 ટકા વિભાગોએ રેન્કીંગમાં શૂન્ય સ્ટાર મેળવ્યો છે. એકમાત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગે સાત સ્ટાર રેટીંગ મેળવ્યું છે.

રાજ્ય સરકારના મોટાભાગના વિભાગો સાર્વજનિક સેવાઓ સાથે સીધા જોડાયેલા છે છતાં તેમણે માત્ર બે કે ત્રણ સ્ટાર મેળવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયની વારંવારની સૂચનાઓ છતાં વિભાગોનું રેટીંગ સુધરતું નહીં હોવાથી હવે મુખ્યમંત્રીએ નવો આદેશ કર્યો છે કે વિભાગો તેમજ જિલ્લા કલેક્ટર કચેરીને રેટીંગ આપવામાં આવશે. જે વિભાગ કે જિલ્લા કલેક્ટરોનું રેટીંગ નબળું હશે તેમાં ખુદ મુખ્યમંત્રી દરમ્યાનગીરી કરીને રેટીંગ સુધારવામાં મદદરૂપ થશે.

 રાજ્યના વિભાગો ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના 33 જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને પણ સ્ટાર અને રેકીંગમાં આવરી લીધા છે. આ મૂલ્યાંકન રિયલ ટાઇમ પરફોર્મન્સ મેજરમેન્ટ સિસ્ટમ (આરટીપીએમએસ) સિસ્ટમ દ્વારા કરાશે. આ સિસ્ટમ 3400 બાબતો પર નજર રાખી રહી છે. રાજ્યના કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના પ્રદર્શન માટે ઇમેઇલફોન કોલ અને સંદેશા મળવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ખરાબ પ્રદર્શન હોય તો તેને સુધારવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે.

સરકારી વિભાગો તેમજ જિલ્લા કલેક્ટર તંત્રમાં આ રેન્કીંગ સિસ્ટમ લાગુ થતાં ભવિષ્યમાં રેન્કીંગની તમામ જાણકારી સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવશે અને અધિકારીઓની કામ કરવાની નિષ્ઠા તેમજ પારદર્શિતાને શોધી શકાશે. વિભાગનું કામ નહીં કરતાં કર્મચારી કે અધિકારીને સજા આપવાનું પણ નિશ્ચિત કરી શકાશે. સરકારના 26 વિભાગો અને 33 જિલ્લા કલેક્ટરોની કામગીરી રાજ્યની જનતા જોઇ શકશે અને તેમાં કોમેન્ટ પણ આપી શકશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp