વિધાનસભા-લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપો, મહિલાઓને બંદૂક આપોઃ MLA ગેનીબેન

PC: khabarchhe.com

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે શુક્રવારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેનીબેને મહિલા અનામતનો મુદ્દો ઉઠાવી વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતની માગ કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ગેનીબેને મહિલા અનામત મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. છતાં આ અંગે નિર્ણય લેવાતો નથી. તેમણે કહ્યું કે, વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામત મામલે ચર્ચા કરી જલ્દી કાયદો બનાવવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર વિધાનસભામાં સમયાંતરે મહિલા સશક્તિકરણ માટેના મહત્ત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરતા હોય છે. પરંતુ, અગાઉ તેમણે મહિલાઓને હથિયાર આપવા મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આત્મસુરક્ષા માટે મહિલાને હથિયાર આપવાની મંજૂરીની માગ તેમણે કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, મહિલાઓની સુરક્ષા મામલે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? ત્યારે પ્રત્યુત્તરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા કરવામાં આવશે.

આ પહેલા ધારાસભ્ય ગેનીબેને કહ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિને જોતા બાળકીઓ માટે કરાટેની ટ્રેનિંગ પૂરતી નથી. કેટલાક વિસ્તારમાં હાલ પણ અસામાજિક તત્વો અને બુટલેગરોને કારણે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ જ્યાર પીડિત મહિલા ફરિયાદ કરવા જાય તો પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. આથી મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકોનું મનોબળ વધે છે. તેમણે કહ્યું હતું કે, આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp