સરકારની તિજોરી ગુજરાતની જનતા માટે ખુલ્લી રહી છે અને ખુલ્લી રહેશેઃ નીતિન પટેલ

PC: khabarchhe.com

'સર્વ જન હિતાય, સર્વ જન સુખાય' આ અમારી સરકારનું લક્ષ્ય છે. અમે ગરીબ, મધ્યમ વર્ગ અને પછાત વર્ગોને; સૌને જરૂરિયાત મુજબ લાભ પહોંચાડીએ છીએ. અમે પ્રજાના નાણાનો સદુપયોગ કરીએ છીએ. સરકારની તિજોરી ગુજરાતની જનતા માટે ખુલ્લી રહી છે, અને હંમેશા ખુલ્લી રહેશે. નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં પૂરક માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, નાનામાં નાનું કામ પણ સરકારની અગ્રતામાં છે અને 6 લાખ કર્મચારીઓ સાથેનું વહીવટી તંત્ર ગુજરાતીઓની સેવામાં કાર્યરત છે. નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્યારેય એવો દાવો નથી કર્યો કે બધું અમે કર્યુ. ગુજરાતના વિકાસમાં અન્ય પક્ષોનું પણ યોગદાન છે પરંતુ અમે જે કંઇ પણ કર્યું છે, એ ઝડપથી કર્યું છે, વધુ ઉમદા રીતે કર્યુ છે. વધુ વ્યાપક રીતે કર્યું છે અને ગુણવત્તામાં ઉત્તરોતર સુધારો કર્યો છે.

અંદાજપત્ર ઉપરાંતની પૂરક માંગણીઓ સામેની વિપક્ષોની કાપ દરખાસ્ત પાછી ખેંચાય એવી અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, પૂર-અતિવૃષ્ટિ -દુકાળ જેવી આપત્તિઓ વખતે સંવેદનશીલ સરકાર બેસી ન રહી શકે. અમારી સરકાર પ્રજાની પડખે ઊભી રહી છે. વિપક્ષના સભ્યોએ પણ નાણા મંત્રી નીતિન પટેલ ની અપીલને માન આપીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને મહેસૂલ વિભાગની કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી. નાયબ મુખ્યમંત્રી કહ્યુ કે રાજ્યની સંવેદનશીલ સરકારે વિકાસ યાત્રાને વેગવાન બનાવી છે ત્યારે તે જ વિકાસકામોમાં લાભાર્થીઓની સંખ્યા, આકસ્મિક સંજોગો તથા પ્રોજેકટના અમલમાં સુધારા વધારાના કારણે અંદાજિત ખર્ચમાં વધારો થવાના કારણે આ પૂરક માંગણીઓ લાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે અમારી સરકાર કહે એ કરે જ છે. રાજ્યમાં વરસાદ ઓછો થતાં અછતની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ખેડૂતોના પડખે તથા અતિવૃષ્ટિમાં પણ નાગરિકો માટે સરકાર ખભે ખભો મિલાવીને ઊભી રહી છે. અસરગ્રસ્ત તાલુકાઓના ખેડૂતોને સહાયરૂપ થવા તથા ખેડૂતોને આઠ કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને 10 કલાક વીજળી પૂરી પાડી છે. આ માટે રાજ્ય સરકારે રૂ. 5500 થી 6000 કરોડની સબસિડી ખેડૂતો વતી ઊર્જા વિભાગને ચૂકવી છે. આવા અનેક વધારાના ખર્ચ આકસ્મિક સંજોગોમાં આવતા હોવા છતાં પણ વિકાસયાત્રા અવિરતપણે ચાલુ છે. તે અમારી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સુદિર્ઘ આયોજનને આભારી છે.

નીતિન પટેલે કહ્યુ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી પણ કરી છે. મગફળી ખરીદીમાં કેન્દ્ર સરકારે જે ભાવ નક્કી કર્યા હતા તેના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર વધારાનું બોનસ આપીને મગફળી ખરીદી છે. સાથે-સાથે ખેડૂતોના પાક રક્ષણ માટે પ્રધાનમંત્રી પાક ફસલ યોજના હેઠળ લાભાન્વિત કરવા માટે રાજ્યના ખેડૂતો વતી રૂ. 1200 થી 1400 કરોડનું પ્રિમિયમ રાજ્ય સરકારે ભર્યું છે. આ ઉપરાંત ખેડૂતોને 0 ટકા વ્યાજે પાક ધિરાણ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં પૂરક માંગણીઓની ચર્ચામાં વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં દર વર્ષે ચારથી સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી મેળવે છે. આટલી મોટી સંખ્યામાં યુવાનોને દર વર્ષે માત્ર સરકારી નોકરી આપવી કોઈપણ સરકાર માટે શક્ય નથી. યુવાનો શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માત્ર સરકારી નોકરી જ પ્રાપ્ત કરે એવું જરૂરી નથી. તે કોઈ નાનોમોટો ધંધો કરીને પણ આર્થિક ઉપાર્જન કરી શકે છે. આજે ગુજરાતમાં અંદાજે 6 લાખથી વધારે સરકારી કર્મચારીઓ છે. અમારી સરકારે અત્યાર સુધીમાં 75 થી 80 હજાર નવી સરકારી ભરતીઓ કરીને રાજ્યના યુવાનોને રોજગારી આપી છે. પ્રજાના નાણાનો અમારી સરકારે મહત્તમ ઉપયોગ કર્યો છે. આ નાણાંનો ગરીબો-મધ્યમ વર્ગના અને પછાત વર્ગના લાખો લોકોને વિવિધ યોજનાઓ થકી લાભ અપાવ્યો છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવી એ અમારી સરકારનો મંત્ર છે. જેના ભાગરૂપે ‘માં’ વાત્સલ્ય કાર્ડ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ ત્રણ લાખથી વધારીને ચાર લાખ કરવામાં આવી છે. જેના પરિણામે અંદાજે 15 લાખ જેટલા નવા પરિવારોને આરોગ્યલક્ષી યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp