ફળ અને શાકભાજી માટે સરકારી જમીન આપવાની સ્કીમ, સામાન્ય ખેડૂતો માટે લાભ લેવો અઘરો

PC: rstv.nic.in

ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતી માટે ભાડાપટ્ટે આપવાની યોજનાનો લાભ સામાન્ય વ્યક્તિ કે ખેડૂતને મળી શકે તેમ નથી, કારણ કે અરજદારે આપાવનો થતા ડિડેઇલ પ્રોજેક્ટ રિપોર્ટમાં જે માહિતી માગવામાં આવી છે તે ખેડૂત કે કોમનમેન ભરી શકે તેવી હાલત નથી.

જો કોઇ વ્યક્તિ સ્થળ પર જગ્યા જોઇને કૃષિ તજજ્ઞ પાસે રિપોર્ટ તૈયાર કરાવે તો તેમાં 15 દિવસથી એક મહિના સુધીનો સમય થાય તેમ છે. આ સમયમાં કોઇ ઉદ્યોગજૂથ તેની ટેકનિકલ અને રિસર્ચ ટીમ મારફતે તે જમીન પસંદ કરીને અરજી કરે તો જેણે મહેનત કરી છે તે વ્યર્થ સાબિત થાય તેમ છે. હકીકતમાં સરકારે જમીન ફાળવ્યા પછી નિયત સમયમાં પ્રોજેક્ટ રિપોર્ટ માગવો જોઇએ કે જેથી જમીન નિશ્ચિત થયા પછી જે તે વ્યક્તિ કે ખેડૂત તેનો રિપોર્ટ સબમીટ કરાવી શકે.

જો કોઇ વ્યક્તિ કે ખેડૂત નિયત સમયમાં પ્રોજેક્ટ રિપોર્ટ આપી ન શકે તો તેની જમીન આપોઆપ રદ થઇ જાય તેવી જોગવાઇ મહેસૂલ વિભાગના આદેશમાં કરવાની આવશ્યકતા હતી. સરકારની આ યોજનાનો લાભ માત્રને માત્ર મોટા ઉદ્યોગજૂથો અને ફાર્મા કંપનીઓને થઇ શકે તેમ છે. આદેશમાં એવું પણ સ્પષ્ટ છે કે સરકારી પડતર જમીનમાં જે કોઇ બાગાયતી પાક લેવામાં આવે તેને સ્થાનિક બજારમાં વેચી શકાશે નહીં. આ જોગવાઇના કારણે જમીન મેળવવા ઇચ્છુક ઉદ્યોગજૂથ, વ્યક્તિ કે ખેડૂતે બીજા દેશોમાં નિકાસની ગેરંટી આપવાની રહે છે.

આ યોજના પ્રમાણે 50 હેક્ટર થી 1000 હેક્ટર જમીન મળવાપાત્ર છે. એટલે કે સામાન્ય વ્યક્તિ કે ખેડૂત આટલી મોટી જમીન મેળવી શકે તેમ નથી. કૃષિ તજજ્ઞના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સરકારી પડતર જમીન ખેતીલાયક નથી તેવું સરકારે સ્પષ્ટ કહ્યું છે તેથી આ જમીનને સમથળ અને નવસાધ્ય કરાવી તેમાં જંગી ખર્ચ કરવો પડે તેમ છે. પાણી અને વીજળીના સ્ત્રોત પણ જોવા પડે તેમ છે. એટલે કે કોઇ વ્યક્તિ કે ઉદ્યોગજૂથ 50 હેક્ટર જમીન મેળવે તો પણ તેણે હેક્ટર પ્રમાણે ત્રણ લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.

માત્ર 50 હેક્ટર જમીનમાં જો નવસાધ્યનો ખર્ચ કરવાનો થાય તો 1.50 કરોડ રૂપિયા ખર્ચવા પડે તેમ છે. એટલું જ નહીં બીજી સુવિધા ઉભી કરવા માટે પણ ખર્ચ કરવો પડે, એટલે કે 50 હેક્ટર જમીનમાં બાગાયતી પાકોનું વાવેતર કરવું હોય તો કોઇપણ વ્યક્તિ કે ઉદ્યોગજૂથે બે કરોડનો ખર્ચ કરવો પડે. ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પણ એવું માગવામાં આવ્યું છે કે આ જમીન ખરીદીને તેના ખર્ચ કરવાનું તમારૂં પોતાનું કેટલું નાણાકીય આયોજન છે. જો તમારી પાસે આયોજન નહીં હોય તો તમને જમીન નહીં મળે.

સરકારના આદેશમાં કેટલીક વિસંગતતાઓ રહેલી હોવાથી કૃષિ તજજ્ઞો એવું માને છે કે આ જમીન માત્રને માત્ર મોટા ઉદ્યોગજૂથો તેમજ ફાર્મા કંપનીઓ ઔષધિય પ્લાન્ટના વાવેતર માટે લઇ શકે તેમ છે. એક એવું અનુમાન છે કે કોઇ ગામના 15 ખેડૂતો ભેગા થઇને સામૂહિક ખેતી કરવા માગતા હોય અને તેઓ જો યોગ્ય ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ આપી શકે તો તેમના માટે આ શક્ય છે પરંતુ કોઇપણ એક ખેડૂત કે વ્યક્તિ માટે આ સરકારી જમીન મેળવવી દોહ્યલી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp