GSTને કારણે ગરીબો માટે કામ કરતી સંસ્થાઓ મુશ્કેલીમાં મૂકાઇ, દાન મળવું મુશ્કેલ

PC: khabarchhe.com

 કંપનીઓ દ્વારા દાન પેટે આપવામાં આવેલી વસ્તુઓ કે રોકડ રકમ પર ચૂકવવાના થતાં 18 ટકાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમનો બોજ સેવા કાર્ય કરતી સંસ્થાઓ પર નહિ પરંતુ કંપનીઓ પર આવતો હોવાથી કંપનીઓ તે સ્વીકારવા જ તૈયાર નથી. તેથી દાનનો પ્રવાહ પર તેની અસર થવાની સંભાવના છે. બીજી તરફ કેટલીક કોર્પોરેટ કંપનીઓ તેમના નફાની રકમમાંથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી પેટે ખર્ચ કરે છે તેના પર 18 ટકાના દરે ભરવાના થતાં જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લઈને તેમને થયેલા ચોખ્ખા નફાની બે ટકા રકમનો ખર્ચ સીએસઆર પેટે કરવાને બદલે 1.6ના દરે કરી લે છે. આમ સામાજિક સેવાઓ અને સમાજના વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો કરી લેવાનો એક માર્ગ તેમને મળી ગયો છે. આ જોગવાઈને કારણે એક તરફ ડોનેશન આપનારાઓ ઘટી શકે છે. 

સામાન્ય વેપારના કિસ્સામાં માલ રિસીવ કરનાર જ જીએસટી ભરે છે. પરંતુ સીએસઆરના કિસ્સામાં ડોનર દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ રિસીવ કરનાર ટ્રસ્ટ છે. તેથી ટ્રસ્ટ જીએસટી ભરતું નથી. તેથી જીએસટી ભરવાનો બોજો કંપની પર જ આવે છે. આ કંપનીઓ બે ટકાના દરે થતી રકમનો ખર્ચ કરીને લીધેલી વસ્તુઓ તો ચેરિટી ટ્રસ્ટને આપી દે છે. પરંતુ તેના પર લાગેલા કે જમા કરાવેલા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પોતાની પાસે રાખી લે છે. આ સંજોગમાં સીએસઆર હેઠળ જે કંપનીએ રૂા. 2 કરોડનો ખર્ચ કરવો ફરજિયાત છે, તે જ કંપની રૂા.1.60થી 1.64 કરોડનો જ ખર્ચ કરીને સીએસઆર પેટે રૂા. 2 કરોડનો ખર્ચ કર્યો હોવાનો લાભ મેળવી લેશે. આ રીતે પણ સીએસઆરમાં આવતા ફંડમાં 18 ટકા જેટલું ગાબડું પડી શકે છે.

રોકડથી નાણાં આપવામાં આવે તો તેના પણ લાભાર્થી કોણ છે તે ખબર પડતી નથી. તેથી તેના પર પણ જીએસટી લાગી શકે નહિ, એમ જાણકારોનું કહેવું છે. દેશની જે કંપનીઓ વર્ષે રૂા.400 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી હોય, આગળના ત્રણ વર્ષ સુધી સતત રૂા. 5 કરોડથી વધુ રકમનો નફો કર્યો હોય અને કંપનીની નેટવર્થ રૂા. 500 કરોડથી વધુ હોય તેવી કંપનીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી પેટે તેના ચોખ્ખા નફાની બે ટકા રકમ ખર્ચવી ફરજિયાત છે. આ ખર્ચ આર્થિક કે સામાજિક વિકાસના કામ કરવા માટે કે પછી પર્યાવરણની જાળવણી માટે કરી શકાય છે. આ તમામ એક્ટિવિટીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીનો એક હિસ્સો જ ગણવામાં આવે છે.આ ખર્ચ એડવાન્સ રૂલિંગને પરિણામે વિવાદમાં આવ્યો છે. આ અગાઉ પણ આ મુદ્દે ખાસ્સા મતમતાંતર પ્રવર્તતા હોવાનું જોવા મળ્યું છે. કેટલાક તો એમ પણ કહે છે કે ગરીબોને માટે આપવામાં આવેલા પૈસા પર પણ ટેક્સ લગાડવામાં સરકારને સંકોચ નથી. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp