ઇલેક્ટ્રીક ટૂ વ્હીલર-થ્રી વ્હીલર ખરીદશો તો રૂપાણી સરકાર આપશે આટલા રૂપિયાની સહાય

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.

એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી.

સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ સમારોહને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લીન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાયમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજ્ય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે.

ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયથી 1 લાખ 38 હજારથી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ચાલુ વર્ષે પણ રૂ. 912 કરોડની જોગવાઇથી 2 લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાની નેમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પૂન:પ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે. રાજ્યમાં વિજળીની કુલ સ્થાપિત ક્ષમતા 35,500 મેગાવૉટ છે. ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુન:પ્રાપ્ય ઉર્જાનો ફાળો 30 ટકા છે, જે નેશનલ એવરેજ 23 ટકા કરતાં વધુ છે.

બિનપરંપરાગત ઉર્જાના અસરકારક અમલને કારણે વર્ષ દરમિયાન અંદાજે 2 લાખ ટન કાર્બનડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે અને વીજ ઉત્પાદન માટે 1 કરોડ ટન કોલસાની બચત થાય છે. વાતાવરણની શુદ્ધતા પણ જળવાય છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસે ગ્રીન ક્લીન એનર્જી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગુજરાત માટે ક્લાયમેટ ચેન્જ વિભાગે તેની સ્થાપનાના પ્રથમ દસકમાં જે કામ કર્યું છે અને ભવિષ્ય માટે જે રોડમેપ કંડાર્યો છે તેના દસ્તાવેજ એવા પુસ્તક- ‘‘બિલ્ડીંગ એ ક્લાયમેટ રેસીલીયન્સ ગુજરાત: એ ડીકેડ ઑફ કલાયમેટ એક્શન એન્ડ એ રોડમેપ ફોર ધી ફ્યુચર’’નું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું.

ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ 10 સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા. વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદરની ઉપસ્થિતિમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેક્નોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી માટે એમ.ઓ.યુ. કરાયા હતા.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે ક્લાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન ક્લાઈમેટ ફાયનાન્સ અને ક્લાઈમેટ પોલિસીની બાબતો માટે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર સાથે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ વિષયમાં ક્ષમતા નિર્માણ, સંશોધન અને વૈજ્ઞાનિક માહિતીની લોકઉપયોગીતા વધારવા બાબતે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા બાબતે અને મુખ્ય નગર નિયોજક સાથે મકાનોમાં ઊર્જા બચત અંગેનો બિલ્ડિંગ કોડ બનાવવા બાબતે એમ.ઓ.યુ. કરાયા હતા.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિષયની જન જાગૃતિ વધારવા અંગે, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સાથે સખી મંડળો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન તથા પર્યાવરણ ક્ષેત્રમાં આજીવિકા મળે તેવા પ્રોજેક્ટો હાથ ધરવા બાબતે તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ગોબરમાંથી બાયોગેસ મેળવવા તથા ખેતીમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરી બિન પરંપરાગત ઊર્જા મેળવવાની તકનિકોમાં સંશોધન કરવા અંગે Mou થયા હતા. ગુજરાત સ્ટેટ બાયો ટેક્નોલોજી મિશન સાથે બાયો ટેક્નોલોજીના વપરાશ દ્વારા ક્લાઈમેટ ચેન્જ શમન અને પુનઃપ્રાપ્ય બળતણના સંશોધન અંગે અને શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ સાથે ક્લાઈમેટ ચેન્જ સંશોધનોનો વ્યાપ ઉચ્ચ શિક્ષણમાં વધારવા માટે એમ. ઓ.યુ. કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp