ભેજવાળી-સૂકવેલી મગફળી અંગે જાણો ગુજરાત સરકારે શું જાહેરાત કરી

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધરતીપુત્રોને માટે સંવેદનાપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, માવઠાથી પલળેલી ભેજવાળી મગફળીની સુકવણી થયા બાદ આવી મગફળીની રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે અને મગફળીના છેલ્લામાં છેલ્લા દાણાની પણ ખરીદી રાજ્ય સરકાર કરશે જ. મુખ્યમંત્રી અમરેલીમાં અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત સહકાર સપ્તાહ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ સહકારી પ્રવૃત્તિઓની સરાહના કરતાં કહ્યું કે સહકાર ક્ષેત્ર ખેડૂતો અને ગરીબો માટે આશીર્વાદરૂપ છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યની વિવિધ સહકારી પ્રવૃત્તિઓનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યના જિલ્લાઓમાં કાર્યરત સહકારી બેંકોના સભાસદોમાં 40 ટકાના વધારાથી થયેલા કુલ 1.53 કરોડ સહકારી સભાસદોની સરાહના કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહયું હતું કે, પ્રત્યેક ચોથો ગુજરાતી સહકારી સભાસદ છે અને સહકાર ક્ષેત્રની પ્રવૃત્તિઓથી ગુજરાત ઉજળું બન્યું છે. મુખ્યમંત્રીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો કે મહાત્મા ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિધ્ધાંતોને સહકાર ક્ષેત્રના સંકલનથી જ સાકાર કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્લામાં થઇ રહેલી સહકારી કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો, અને આઝાદી તથા પૌરાણીક સમયમાં થયેલી સહકારી પ્રવૃત્તિઓ તેમના વક્તવ્યમાં સાંકળી લીધી હતી.

રાજ્યમાં સહકારી ચળવળને વેગ આપવાની રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. આ ક્ષેત્રમાં રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની તેમણે છણાવટ કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને અભયવચન આપતાં જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તથા તમામ કૃષિ જણસોની ટેકાના ભાવથી ખરીદી પણ કરવામાં આવશે. માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજને તેમણે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપસ્થિતોના હસ્તે દિપ પ્રાગટયથી સમારોહનો શુભારંભ થયો હતો. ટી.પી. ગાંધી સ્કુલની બાળાઓએ ‘‘મનુષ્ય તુ બડા મહાન હૈ’’ની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સુતરની આંટી, શાલ, પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નથી આયોજક સંસ્થા અને જિલ્લાના શ્રેષ્ઠીઓએ સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ વડીલ વંદના કાર્યક્રમ અન્વયે જિલ્લાના સહકારી ક્ષેત્રના વિવિધ આગેવાનો તથા હાલમાં વિવિધ સહકારી સંસ્થાઓમાં કાર્યરત અધિકારીઓનું અને કર્મચારીઓનું શાલ તથા સન્માનપત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોતમ રૂપાલાએ રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સંમેલનના આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિએ સહકાર સંમેલનનું આયોજન એ ગાંધીજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ છે. ગાંધીજી જેમ સહકાર ક્ષેત્રે સ્થાનિક સ્વાવલંબન માટે ચરખાને માધ્યમ બનાવ્યું હતું. તેમ ખેડૂતો પશુપાલનને સ્વાવલંબનનું માધ્યમ બનાવે છે.

ભારત સરકાર દ્વારા ખેડૂતોને રૂ. 14 લાખ કરોડ ક્રેડિટ સહાય અપાઇ રહી છે. રાજકોટ અને અમરેલીમાં ઝીરો ટકા વ્યાજથી ખેડૂતોને લોન અપાઇ રહી છે જે ખેડૂતો માટે લાભકારી છે. ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેમને ભારત સરકારની ક્રેડિટનો લાભ મળે છે. સહકારી ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વાગત પ્રવચનમાં આજના પરિસંવાદની ભૂમિકા રજૂ કરી હતી. ઇફકોના મેનેજીંગ ડીરેકટર ડૉ. યુ.એસ. અવસ્થી અને નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. ચંદ્રપાલસિંહ યાદવે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સહકાર સપ્તાહ સમાપન અન્વયે અમરેલીની અમર ડેરીના પ્રાંગણમાં ‘‘સહકારિતા અને ગાંધી વિચાર’’ વિષયક સહકાર પરિસંવાદનું આયોજન કરાયું હતું, જેમાં અમરેલી જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ સામેલ થઇ હતી. કાર્યક્રમ સ્થળે ખેતપેદાશો અને કૃષિલક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપતા વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન યોજાયું હતું, જેનો ઉપસ્થિત નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp