રાજ્યની ટેક્સટાઇલ પોલીસી જાહેરઃ નોકરી શોધતા સ્થાનિકો માટે ખુશી, ઉદ્યોગપતિઓ નિરાશ

PC: ummid.com

ગુરૂવારે રાજ્ય સરકારે નવી ટેકસટાઇલ પોલીસી જાહેર કરી છે. નવી પોલીસી જ્યાં નોકરી શોધતા સ્થાનિક યુવાનો માટે ખુશખબર લઇને આવી છે ત્યાં ઉદ્યોગપતિઓ નિરાશ થયા છે. નવી પોલીસીમાં સ્થાનિકોને 60થી 85 ટકા નોકરી આપવાની વાત કરતા યુવાનોને રોજગારીની તકો ઊભી થશે. જોકે, ઉદ્યોગપતિઓ નિરાશ છે કારણ કે તેઓ વીજદરમાં રાહતની માગ કરી રહ્યા હતા પરંતુ તેમાં પ્રતિ યુનિટ રૂ. 3 સુધીની સબસિડી જાહેર તો કરાઇ છે પરંતુ તે માત્ર નવા ઉદ્યોગો માટે જ.

જાહેર કરાયેલી નવી પોલીસી મુજબ નવા સ્થપાતા ઉદ્યોગોમાં કામદારોની પોસ્ટ પર 85 નોકરીઓ સ્થાનિકો માટે જ અનામત રાખવાની જોગવાઇ કરી છે. જ્યારે મેનેજરિયલ પોસ્ટ પર 60 ટકા નોકરીઓ સ્થાનિકોને આપવાની વાત કરી છે. એટલે હવે સ્થાનિક યુવાનોને રોજગારી મળે તેવી આશા ઊભી થઇ છે. જોકે, ઉદ્યોગકારો તેનું પાલન કરે છે કે નહીં તેની વ્યવસ્થા નહીં ગોઠવાય તો આ જાહેરાત નકામી રહેશે.

આ ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રે જેની લાંબા સમયથી માગ થતી હતી તે વીજદરમાં રાહતની માગણી સ્વીકારવામાં આવી છે. આ સબસિડી ટેક્સટાઇલ ઉદ્યોગના નીટિંગથી લઇને પ્રોસેસિંગ સુધીના તમામ એકમોને મળશે. હાલમાં પ્રતિ યુનિટ વીજદર 7.50થી 7.75 રૂપિયા જેટલો છે. તેમાં નવી પોલીસીમાં 99 કિલો વોટ સુધીના કનેક્શન પર પ્રતિ યુનિટ 3 રૂપિયા સબસિડી અને તેનાથી વધુના કનેક્શન પર પ્રતિ યુનિટ 2 રૂપિયા સબસિડી જાહેર કરી છે. આ સબસિડી 4 સપ્ટેમ્બર 2018થી 31 ડિસેમ્બર 2013 સુધી અમલમાં રહેશે. જોકે, આ જાહેરાતમાં સરકારે એક એવી શરત ઉમેરી છે કે ઉદ્યોગકારો નિરાશ છે. આ સબસિડી નવા સ્થપાતા ઉદ્યોગોને જ મળશે. જૂના ઉદ્યોગોને કોઇ લાભ નહીં થાય. આ અંગે વીવર્સ અગ્રણી મયૂર ગોળવાળાએ કહ્યું કે ટેક્સટાઇલનું હબ ગણાતા માત્ર સુરતમાં હાલ 5 લાખથી વધુ લૂમ્સ ચાલે છે. તેમને કોઇ ફાયદો નહીં થાય.

મહારાષ્ટ્રમાં તમામ ઉદ્યોગોને વીજ સબસિડી મળે છે. ગુજરાતની પોલીસી જૂના યુનિટો માટે અન્યાયકારી છે જે અંગે સરકારને રજૂઆત કરાશે. જાણકારો કહે છે કે છેલ્લા બે વર્ષમાં સુરતમાં 1 લાખથી વધુ લૂમ્સ ભંગારમાં વેચાઇ ગયા છે. નવા ઉદ્યોગો મહારાષ્ટ્રના નવાપુરમાં શિફ્ટ થઇ રહ્યા છે. સરકારે તેને રોકવા માટે નવા યુનિટોને સબસિડી જાહેર કરી છે.

આ ઉપરાંત 100થી 500 લોકો સુધીની રોજગારી આપતા ઉદ્યોગોને 6 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી, ટેક્નોલોજી અપગ્રેડેશન માટે રૂ 25 લાખ સુધીની સહાય, ટેક્સટાઇલ પાર્ક માટે રૂ. 15 કરોડ સુધીની સહાય જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp