પોતાના ખાસ પોલીસ વાળાઓને અધિકારી બનાવી દેવાનું ગુજરાત સરકારનું કૌભાંડ

PC: Khabarchhe.com

ભાજપની સરકાર સત્તા ઉપર ના હોય તો પણ વહિવટી તંત્ર ઉપર ભાજપની જ પક્કડ રહે તેવા તો અનેક કામ ભાજપ સરકારે વિવિધ સ્તરે કર્યા છે, પરંતુ હવે ગુજરાત પોલીસમાં પોતાના માનીતા પોલીસવાળાએ પાછલા બારણે બારોબાર પોલીસ સબઈન્સ્પેક્ટર બનાવી દેવાનો કારસો ઘડી કાઢ્યો છે. જો ગૃહ વિભાગના અધિકારીઓ આ દસ્તાવેજ ઉપર મહોર મારે તો 350 પોલીસવાળા સીધા પોલીસ સબઈન્સ્પેક્ટર થઈ જશે તેમ ગૃહ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું છે.

પોલીસ સ્તરમાં ભરતી પ્રક્રિયામાં અલગ બોર્ડ સહિત તેના નિયમો પણ છે. પોલીસ સબઈન્સ્પેક્ટરની ભરતી બે પ્રકારે થાય છે, જેમાં એક તો સીધી ભરતીથી પોલીસ સબઈન્સ્પેક્ટરોની ભરતી થાય છે અને બીજી જે ગુજરાત પોલીસનો હિસ્સો જ છે, તેવા કોન્સ્ટેબલથી લઈ આસિસ્ટન્ટ પોલીસ સબઈન્સ્પેક્ટરો માટે અલગ ભરતી પ્રક્રિયા છે. 2015-2016મા આ પ્રકારે ખાતાકીય પરીક્ષા થઈ હતી, જેમાં જે પોલીસવાળા પોલીસ સબઈન્સ્પેક્ટરની પરીક્ષા આપવા માટે લાયક હતા તેમણે પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતું. કુલ ખાલી જગ્યાઓ 403 હતી, PSIની પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે જે કટઓફ માર્ક નક્કી કર્યા હતા. તેમાં 376 પોલીસ કર્મચારીઓ પસંદ થયા હતા, જો કે 323 પોલીસ કર્મચારીઓ એવા હતા કે તેઓ પરીક્ષામાં ઉતિર્ણ થયા હતા પરંતુ કટઓફ માર્ક નહીં હોવાને કારણે PSIની આગળની પરીક્ષા આપી શકયા નહોતા. કેટલાક પોલીસ કર્મચારીઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા અને તેમની માગણી હતી કે તેમના માર્ક કટઓફ પ્રમાણે નહીં હોવા છતાં તેઓ પાસ હોવાને કારણે તેમને PSI માટે લાયક ઠેરવવામાં આવે, જો કે તે મામલે હાઈકોર્ટે કોઈ આદેશ આપ્યો નથી.

2016-2016માં ગેરલાયક ઠરેલા આ 323 પોલીસવાળાએ PSI થવા માટે પોતાના રાજકિય નેતાઓનો સંપર્ક કર્યો હોવાની જાણકારી છે, આરોપ એવો પણ છે કે 323 પૈકી 97 પોલીસવાળા એક ચોક્કસ કોમના છે જેમનું ગૃહ વિભાગમાં વર્ચસ્વ પણ છે. હવે રાજકીય નેતાઓએ આ મુદ્દો પકડી આ તમામ પોલીસવાળાને પોલીસ સબઈન્સ્પેક્ટર બનાવી દેવા માટે દબાણ શરૂ કર્યુ છે અને ભાજપ સરકારે પોતાના ધારાસભ્ય અને નેતાઓની ભલામણ હોય તેવા પોલીસવાળાને પાછલા બારણે કાયદાની છટકબારીનો ઉપયોગ કરી PSI બનાવી દેવાની તજવીજ શરૂ કરી છે. જો કે આ મુદ્દે ગૃહ વિભાગના સિનિયરોની ખાસ્સી નારાજગી છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp