26th January selfie contest
BazarBit

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ સરવેઃ ગુજરાતમાં સૌથી ઓછો કરપ્શન રેટ, જાણો સૌથી વધુ ક્યા

PC: timesnownews.com

દેશની એક અગ્રગણ્ય બિન-રાજકીય, બિનસરકારી સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ લિમીટેડ ઇન્ડિયા દ્વારા ‘ઇન્ડિયા કરપ્શન સર્વે 2019’માં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં દેશમાં સૌથી ઓછો કરપ્શન રેટ છે. ઊર્જામંત્રી સૌરભ પટેલે આ સર્વેની વિગતો આપતાં જણાવ્યું કે દેશના 20 રાજ્યોના 248 જિલ્લાઓમાં 2 લાખ જેટલા શહેરી-ગ્રામીણ નાગરિકોના પ્રતિભાવો મેળવીને ‘ઇન્ડિયા કરપ્શન સર્વે 2019’ તૈયાર કરવામાં આવેલો છે. આ સર્વેમાં જે વિગતો સામે આવી છે તેમાં સૌથી વધુ રાજસ્થાનમાં 78 ટકા, લોકમત કહે છે કે, અહિ લોકોને પોતાના કામો માટે લાંચ આપવી પડે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના બહુધા વિભાગોમાં હવે લેસ હ્યુમન ઇન્ટરફેઇસ થાય તેવા હેતુથી ઓનલાઇન પધ્ધતિ વિકસાવવાને પરિણામે કરપ્શનની માત્રામાં ગુજરાત દેશમાં અત્યંત ઓછા કરપ્શન વાળા રાજ્ય તરીકે આ સર્વેમાં ઊભરી આવ્યું છે એમ સૌરભ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ઓનલાઇન NA, NOC, રાજ્યમાં ગમે તે સ્થળે 7/12 8-અ ના ઉતારા ઓનલાઇન મેળવવાની સુવિધા, આઇ ઓરા જેવા પારદર્શી પ્રોગ્રામથી નોડયુ, બિનખેતી, વારસાઇ જેવા દાખલા ત્વરાએ મળી જવા જેવી વ્યવસ્થા વિકસાવી છે.

બિલ્ડીંગ પરમીશન ઓનલાઇન આપવા સાથોસાથ હવે તો લાભાર્થીઓને DBT ઊદ્યોગોને વીજ શુલ્ક માફી માટે પણ ઓનલાઇન પોર્ટલ, MSME એકમોને ઓનલાઇન એપ્લીકેશનના આધારે માત્ર પાંચ જ મિનીટમાં પરમીશન જેવા આયામોએ પ્રશાસન પ્રત્યે લોકોની નિષ્ઠા, પારદર્શીતા અને ત્વરિતતા માટેનો વધુ વિશ્વાસ જગાવ્યો છે એમ પણ ઊર્જામંત્રીએ જણાવ્યું હતું.

સૌરભ પટેલે ખાણ-ખનિજોની લીઝની ઓનલાઇન હરાજી, ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગેરકાયદે ભૂ-ખનન પર નિયંત્રણ, સી.એમ. ડેશબોર્ડ દ્વારા 3400 જેટલા ઇન્ડિકેટર્સથી વિભાગોની કામગીરી તથા જિલ્લાતંત્રોની કામગીરીની રિયલ ટાઇમ મોનિટરીંગના પરિણામે ગુજરાતમાં કયાંય કોઇ અરજદાર કે લાભાર્થીને પાઇ-પૈસો આપવો પડતો નથી તેવું સ્વચ્છ-પારદર્શી-નિર્ણાયક પ્રશાસન મુખ્યમંત્રીએ આપ્યું છે તેની પણ આ સર્વેના સંદર્ભમાં ભૂમિકા આપી હતી.

ઊર્જામંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તમામ સ્તરેથી ભ્રષ્ટાચાર-કરપ્શન નાથવા ACBને વિશાળ સત્તાઓ આપી છે. એટલું જ નહિ, બટન કેમેરા, પેન કેમેરા, વોઇસ રેકોર્ડર, સ્પેકટ્રોગ્રાફી જેવા અદ્યતન ઉપકરણોથી સજ્જ પણ કરી છે. સૌરભ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજા વર્ગોને સરકારી વિભાગો સાથેની કામગીરીમાં કોઇ અવરોધ કે વિલંબ ન નડે, પ્રામાણિકતાથી પારદર્શી ઢબે કામ થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ટેકનોલોજીના સહયોગથી મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકસાવીને સ્વચ્છ-ભ્રષ્ટાચારમુકત રાજ્યનું ગૌરવ આ સર્વે દ્વારા મેળવ્યું છે.

ગોવા, ઓડિશા, કેરાલા અને હરિયાણાનો ઓછા કરપ્શન વાળા રાજ્યોની યાદીમાં આ સર્વેમાં સમાવેશ થયો છે. આ સર્વેમાં દેશના 64 ટકા પુરૂષો અને 36 ટકા મહિલાઓનો મત લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રિય અને રાજ્યકક્ષાના સર્વે માટે કુલ 1 લાખ 90 હજાર રિસ્પોન્સીસ આવેલા જેમાંથી 1 લાખ 20 હજાર રાષ્ટ્રિય કક્ષાના અને 70 હજાર રાજ્યકક્ષાના સર્વેમાં મળેલા છે. ઊર્જામંત્રીએ કહ્યું કે, ગુજરાતે પાછલા બે દશકથી વિકાસમાં અગ્રીમ રાજ્ય તરીકેની છબિ ઊભી કરેલી છે.

હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં મેન્યુફેકચરીંગ હબ, ઓટો હબ તથા એજ્યુકેશન હબ બનેલું ગુજરાત દેશમાં મોડેલ સ્ટેટ તરીકે ઊભરી આવ્યું છે તેમાં આ સર્વેમાં ગુજરાતને મળેલું સ્થાન નવા સિમાચિન્હ રૂપ બની રહેશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp