ગુજરાત વિજિલન્સ કમિશન કાગળ પરનો વાઘ, ભ્રષ્ટાચારીને સજા કરાવી શકતું નથી

PC: khabarchhe.com

ગુજરાત વિજિલન્સ કમિશનને હકીકતમાં નખ અને દાંત વિનાનો સિંહ છે. આ કમિશનમાં આવેલી ફરિયાદોના આધારે સરકારી અધિકારી તેમજ કર્મચારીને ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બદલ દંડીત કરીને સજાની જોગવાઇ કરવામાં આવે છે પરંતુ સરકારના ઉચ્ચ અમલદારો ખાતાકીય તપાસના બહાને કેસને લૂલો કરીને આક્ષેપિત અધિકારી કે કર્મચારીને યોગ્ય સજા થવા દેતા નથી. સરકારમાં ખાતાકીય તપાસના નાટકો ચાલે છે કે જેમાં મોટાભાગે નિવૃત્ત અધિકારીઓને કામ સોંપવામાં આવ્યું હોય છે.

સરકારી નોકરીમાં ગેરરીતિનું પ્રમાણ વધી રહ્યું હોવાનો ચોખ્ખો રિપોર્ટ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય વિજિલન્સ કમિશને આપ્યો છે. આ કમિશને એક વર્ષમાં 2533 જેટલા સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ સામે પગલાં લેવા સરકારને ભલામણ કરી છે. એટલું જ નહીં ગંભીર પ્રકારના 29 કેસમાં ફોજદારી કેસો કરવાની પણ ભલામણ કરી છે.

ગુજરાત વિજિલન્સ કમિશનના આખરી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કચેરીઓ ખાસ કરીને સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ-નિગમમાં ગેરરીતિઓનું પ્રમાણ વધ્યું છે. આ રિપોર્ટમાં એવી પણ નોંધ લેવામાં આવી છે કે કમિશન સમક્ષ આવેલા બીજા તબક્કાના પરામર્શના કેસમાં પ્રતિવર્ષ સચિવાલયના વિભાગો અને બોર્ડ-નિગમ તરફથી શિક્ષાના હુકમ કે દોષમુક્તિના આદેશ મળ્યા છે.

અનેક કેસમાં ખાતાકીય તપાસમાં આક્ષેપિત અધિકારી કે કર્મચારી સામે ગંભીર આરોપ પૂરવાર થયો હોય તેમ છતાં તેને નાની શિક્ષા કરવામાં આવી છે અથવા તો તેનું પ્રકરણ બંધ કરવામાં આવ્યું છે. કસૂરવાલ અધિકારી કે કર્મચારીને પુરતી શિક્ષા થઇ શકતી નથી. રાજ્ય વિજિલન્સ કમિશનની વર્ષોથી આવી ફરિયાદ રહી છે. ભૂતકાળમાં પણ કમિશનના રિપોર્ટમાં સરકારના વિભાગો અને તેના વડાનો ઉઘડો લેવામાં આવ્યો છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભલામણોનો અમલ થતો નથી. 

2019ના વર્ષમાં કમિશને 709 અધિકારી તેમજ કર્મચારીઓ સામે શિક્ષાની વિવિધ ભલામણો કરી છે. 726 કેસ હજી ચકાસણી માટે પડી રહ્યાં છે. આયોગે ફોજદારી કાર્યવાહી કરવા માટે 2017માં 22, 2018માં 24 અને 2019માં 29 કિસ્સામાં ભલામણ કરી હતી. શિસ્ત વિષયક શિક્ષા માટે ત્રણ વર્ષ દરમ્યાન અંદાજે 950 કેસોમાં ભલામણ કરવામાં આવી હતી.

સચિવાલયના વિભાગો સાથે બોર્ડ-નિગમના કુલ 66 અધિકારી સામે કમિશને શિક્ષાની ભલાણમ કરી છે જે પૈકી 62 કેસમાં ભારે શિક્ષાની જોગવાઇ છે. એક કેસમાં પેન્શન કાપ મૂકવાની સલાહ આપવામાં આવી છે. મોટાભાગના કેસો નર્મદા નિગમ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના છે. સચિવાલયના વિભાગોમાં સૌથી વધુ કેસ માર્ગ મકાન વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp