અધૂરા સપના પૂરા કરો, કલ્પસર માટે કેટલી રાહ જોવી પડશે?

PC: 14Gaam.com

ગુજરાત સરકારને અધૂરા સપના પૂર્ણ કરવાની તાકીદ કરીને પાર્ટીના હાઇકમાન્ડે કહ્યું છે કે નર્મદા યોજના તો પૂરી થઇ છે હવે કલ્પસર યોજનામાં વિલંબ કરશો નહીં. આ યોજનાના લાભ પણ ગુજરાતની જનતાને મળવા જોઇએ. રિપોર્ટ અને અભ્યાસ બહુ થયા છે હવે અમલીકરણનો સ્ટેજ આવવો જોઇએ કેમ કે કલ્પસર યોજના એ નર્મદા યોજના જેવી જ બીજી મહત્ત્વની યોજના છે જેનાથી અડધા ગુજરાતને લાભ થાય તેમ છે.

ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટું જળાશય બનાવી તેના થકી પવન ઉર્જા, સિંચાઇ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએ તો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાનો છે તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે 1969મા ગુજરાતના ગેઝેટમાં સમુદ્રના પાણીને આગળ વધતાં રોકવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં 25 માઇલ લાંબા માટીના પાળા અને દસ હજાર ફુટ છાજલીના બાંધકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રમિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજન્ય ઉર્જા વિના અને સાથે ઘોઘા અને દહેજ વચ્ચે બંધ બનાવવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તામંડળ સમક્ષ રજૂ કર્યો હતો.

ખંભાતના અખાત માટે 1988-89મા લિસોનિસન્સ અહેવાલ બનાવવામાં આવ્યો હતો. 1999મા યોજનાને મંજૂરી આપ્યા બાદ છ વિશિષ્ટ સરવે શરૂ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2002મા જણાવવામાં આવ્યું હતું કે 2011મા ડેમનું બાંધકામ શરૂ કરવામાં આવશે. ભાજપની સરકારે એક તબક્કે એવું નક્કી કર્યું હતું કે ટાઇડલ વીજળીનો પ્રોજેક્ટ યોજનાનો ખર્ચ વધારશે એટલે ભરતીજન્ય વીજળીની યોજના પડતી મૂકવામાં આવી હતી અને મીઠા પાણીનું સરોવર અને બ્રીજ બનાવવાનું નક્કી કર્યું હતું જે જમીનની ફળદ્રુપતા વધારનારું અને સુરતથી ભાવનગર વચ્ચેનું ટ્રાન્સપોર્ટેશન અંતર ઘટાડશે.

નર્મદા યોજના બાદ ગુજરાતની સૌથી મહત્ત્વાકાંક્ષી અને ભાવનગરના સર્વાંગી વિકાસના દ્વાર ખોલનારી કલ્પસર યોજનાની પ્રગતિ અટકી રહી છે. છેલ્લા ત્રણેક વર્ષથી તો રાજ્યના બજેટમાં યોજનાના શક્યતાદર્શી અહેવાલ પ્રગતિમાં છે તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. આ વર્ષે પણ બજેટમાં જણાવ્યું હતુ કે યોજના માટેના શક્યતાદર્શી અહેવાલો પૂર્ણતાના આરે છે અને તેમાં રૂા.120 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઇ.સ.2010 બાદ શક્યતાદર્શી અહેવાલો આવી રહ્યાં છે અને અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે તો ઇ.સ.2013મા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો આરંભ થઇ જવાનો હતો પણ આજે ઇ.સ. 2017મા પણ શક્યતાદર્શી અહેવાલોમાં સરકાર વ્યસ્ત છે. વર્ષે પણ ટેક્નોલોજિકલ સરવે માટે રૂા.10 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp