26th January selfie contest

આ કારણે જો ખેડૂતનું મોત થાય તો પરિવારજનોને અધિકારીઓ ધક્કા ખવડાવે છે

PC: fiinovation.co.in

ગુજરાતના ખેડૂતોના હિતની વાતો કરતી ભાજપની સરકારમાં જેટલા ખેડૂતો દુખી છે તેટલો બીજો કોઇ વર્ગ નહીં હોય. સરકારી આંટીઘૂંટી તેમજ ફાઇલોમાં નવા નવા ફતવાના કારણે ખેડૂતો ઘણીવાર બહું મોટું નુકશાન ભોગવે છે છતાં સરકાર તેના નિયમો કે આદેશમાં પરિવર્તન કરતી નથી.

ખેડૂતો માટે મહત્વની બાબત એવી છે કે ખેતરમાં હાઇટેન્શન વાયરો માટે વીજ થાંભલા નાંખી ગુજરાત સરકારનો ઉર્જા વિભાગ ખેડૂતોને વળતર આપે છે પરંતુ એ જ ખેડૂત કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઇપણ વ્યક્તિ સરકારી વીજ કંપનીના ખુલ્લા વાયરોના કરંટથી મૃત્યુ પામે તો તેને ઝડપથી વળતર મળતું નથી. ઉર્જા વિભાગમાં આ પ્રકારના સંખ્યાબંધ કેસો પડતર છે.

 ઉર્જા વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં 31000 થી વધુ ખેડૂતોના ખેતરમાં હાઇટેન્શન લાઇન માટે વીજથાંભલા નાંખ્યા છે અને તેના વળતર પેટે સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોને 101.19 કરોડની માતબર રકમ ચૂકવી છે. ગયા વર્ષે જ ખેડૂતોને 10.87 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જો કે વીજકરંટથી મોતના કિસ્સામાં કોઇ ખેડૂત કે વ્યક્તિને સમયસર ન્યાય ક્યારેય મળ્યો નથી.

 ઉર્જા વિભાગ આવા થાંભલા નાંખે તો ખેડૂતના ખેતરમાં નુકશાન થાય છે. ખેતીની જમીન બદબાદ થાય છે અને ક્યારેક પાકને પણ હાનિ થાય છે તેથી સરકાર ખેડૂતોને નિયમસરનું વળતર ચૂકવી આપતી હોય છે. બીજી તરફ સરકારની વીજ કંપનીઓની બેદરકારી પણ સામે આવે છે. રાજ્યમાં ખુલ્લા વાયર અને વીજ સપ્લાયના કારણે લોકોના કરંટ લાગવાથી મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ઝડપથી સહાયની રકમ ચૂકવવામાં આવતી નથી.

 ખામી ભરેલી વીજવાયરની વ્યવસ્થાને કારણે ગામ કે શહેરમાં અથવા તો ખેતરમાં લોકોના કરંટ લાગવાથી મોત થાય છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન આવા મૃત્યુના કિસ્સાઓ વધી જાય છે. ઉર્જા વિભાગે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં 1180 વ્યક્તિ અને 2567 પશુઓના પ્રાણઘાતક અકસ્માત થયાં છે. આ અકસ્માત થવાનું મુખ્ય કારણ કુદરતી આપત્તિ અને વીજ કંપનીઓની બેદરકારી હોય છે.

 વીજકરંટથી મોતના કિસ્સામાં ઉર્જા વિભાગના એક અધિકારી કહે છે કે સામાન્ય રીતે અકસ્માતના આવા કિસ્સામાં કાબૂ બહારના આકસ્મિક સંજોગોમાં અથવા તો અકસ્માતનો ભોગ બનનારની ભૂલના લીધે ઘટના બને છે તેથી કોઇને શિક્ષા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, આમ છતાં અકસ્માતના કિસ્સામાં પૂરતી તપાસ કર્યા પછી જવાબદારો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વિભાગની જવાબદારી પૂર્ણ થાય પછી જે તે કસૂરવાર સામે ખાતાકીય તપાસ થાય છે તેથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.

 બાબત વળતર ચૂકવવાના કેસોમાં આ અધિકારીએ એવો જવાબ આપ્યો છે કે વળતરની ચૂકવણીની પાત્રતા ધરાવતા અસરગ્રસ્ત વ્યક્તિના કિસ્સામાં મુખ્ય વિદ્યુત નિરીક્ષકના અહેવાલ, બાઇનંદા કેસની માર્ગદર્શિકા જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને તેમજ પ્રાણીઓના કેસમાં જીયુવીએનએલના માર્ગદર્શક સરક્યુલર મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે. એટલું જ નહીં, ગ્રાહકોના આંતરિક વાયરીંગ કે ઇલેક્ટ્રિક સાધનોના કારણે તેમના મકાનમાં થતાં અકસ્માતોમાં વીજ કંપનીની કોઇ જવાબદારી હોતી નથી તેથી વળતર આપવામાં આવતું નથી. વિભાગે સંખ્યાબંધ કેસોમાં વળતરની રકમ આપી નથી.

 વળતર નહીં ચૂકવવાના મુદ્દા અંગે આ અધિકારીએ કહ્યું કે વળતર ચૂકવવા પાત્ર બાકી રહેતા અસરગ્રસ્તોને વળતર ચૂકવવાના થતા વિલંબમાં વારસદારો તરફથી જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નથી. જરૂરી ચકાસણી કર્યા બાદ કોર્ટ કેસ ચાલુ હોય છે. કોર્ટનો નિર્ણય આવવાની રાહ જોવાય છે અને મુખ્ય વિદ્યુત નિરીક્ષકનો અહેવાલ મળ્યો નહીં હોવાના કારણો જવાબદાર છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp