કેબિનેટ બેઠકમાં દિવંગત માધવસિંહ સોલંકી આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું

PC: indiatimes.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવાયા મુજબ CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ CM સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી. રાજ્ય મંત્રી મંડળે પૂર્વ મુખ્ય મંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના CM પદ દરમ્યાનની સેવાઓ તેમજ જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના સેવાકીય પ્રદાનની સરાહના કરતા શોક દર્શક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો..

ગુજરાતના ભૂતપૂર્વ CM, ભારત સરકારના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને રાજ્યના અગ્રણી રાજનેતા માધવસિંહ સોલંકીનું તા.09/01/2020ના રોજ 94 વર્ષની વયે ગાંધીનગર ખાતે થયેલ દુઃખદ અવસાનથી સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે.

માધવસિંહ સોલંકીનો જન્મ 30મી જુલાઈ,1927ના રોજ મહેસાણા જિલ્લાના પિલુ‌ન્દ્રા ખાતે થયો હતો. તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત 1947થી કરેલ હતી. તેઓ 1976માં પ્રથમ વખત ગુજરાતના CM બન્યા હતાં, ત્યારબાદ સને 1981 થી 1985 અને 1989 થી 1990ના સમયગાળામાં ગુજરાતના CM તરીકે સેવાઓ આપેલ. તેઓએ ચાર વખત ગુજરાત રાજ્યના CM તરીકે સેવાઓ આપેલ. તેઓએ સને 1991-92ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ સેવાઓ બજાવેલ હતી.

સ્વ. માધવસિંહ સોલંકીએ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનમાત પ્રથા રજુ કરેલ હતી. ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર સૌપ્રથમ તેઓએ રજુ કર્યો હતો. સ્વ. માધવસિંહ સોલંકી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ કાર્યરત હતા. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. તેઓની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. માધવસિંહ સોલંકીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp