શોર્ટસર્કિટઃ રાજ્યમાં 5 મોટા પાવર પ્રોજેક્ટમાં રૂ. 35000 કરોડનું મૂડીરોકાણ ઠપ

PC: nbmcw.com
 ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉત્પાદક કંપનીઓએ તેમના કરોડો રૂપિયાના મૂડીરોકાણના વીજ પ્રોજેક્ટ પડતા મૂક્યાં છે. આ વીજ પ્રોજેક્ટ પડતા મૂકવામાં મહત્વનું કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને નાણાકીય ખેંચ છે. આર્થિક મંદીના સમયમાં ઉદ્યોગો પણ ટકી શકતા નથી.

ગુજરાતના ઉર્જા વિભાગના અધિકારીઓએ મહા મહેનતે ટારગેટ પ્રમાણેના એમઓયુ સાઇન કરાવવા માટે કરેલા પ્રયાસો ફેઇલ ગયા છે. આ ઉદ્યોગો પાછા આવે તે માટે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલને રસ પણ રહ્યો હોય તેમ લાગતું નથી, કારણ કે તેમના વિભાગે જ આ પ્રોજેક્ટ્સ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ સમયે સરકારના ટારગેટ પ્રમાણે ઉદ્યોગોનો સંપર્ક કરીને મૂડીરોકાણ લાવવા માટે તેમને તૈયાર કર્યા હતા પરંતુ સરકારની વિલંબ નીતિના કારણે પણ ઉદ્યોગો જતા રહે છે. રાજકીય ઇચ્છાશક્તિ નહીં હોવાથી ઉદ્યોગોને સરકાર રક્ષણ આપી શકતી નથી. જો કે પ્રોજેક્ટ કંપની દ્વારા પડતા મૂકવાના કારણોમાં કંપનીની આર્થિક સ્થિત પણ જવાબદાર છે.

કંપની પ્રમાણે વિગતો આપતાં આ અધિકારીએ કહ્યું હતું કે કોલકત્તાની વીસા પાવરે 2007માં અમરેલીના પીપાવાવમાં 1050 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ શરૂ કરવા એમઓયુ સાઇન કર્યો હતો. આ કંપની તેના પ્રોજેક્ટમાં 4000 કરોડનું મૂડીરોકાણ કરવા માગતી નથી. એવી જ રીતે અમદાવાદના ટોરેન્ટ પાવરે પીપાવાવમાં આ જ વર્ષમાં 2000 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ કરવા કરાર કર્યો હતો અને તેમાં 8000 કરોડ રૂપિયાનું માતબર મૂડીરોકાણ હતું.

બીજી તરફ જેએસડબલ્યુ એનર્જીએ 2009માં જૂનાગઢમાં 1400 મેગાવોટના પાવર પ્રોજેક્ટ સાથે 7000 કરોડનું, અદાણી પાવર વીજ યોજના દ્વારા 2007માં ભરૂચના દહેજમાં 2000 મેગાવોટના પ્રોજેક્ટ માટે 8000 કરોડ રૂપિયાનું તેમજ આ જ કંપનીએ 2009માં અમદાવાદના ધોલેરામાં 2000 મેગાવોટના વીજ પ્રોજેક્ટ માટે 9000 કરોડનું મૂડીરોકાણ કરવા કરાર કર્યા હતા.

 આ તમામ એટલે કે કુલ પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે અને સરકારને જણાવી દીધું છે કે તેઓ રાજ્યની આ ચાર જગ્યાએ તેમના વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી.

અહીં સવાલ એ થાય છે કે આટલું મોટું મૂડીરોકાણ થવાનું હતું તે કંપનીઓએ પ્રોજેક્ટ રદ કર્યા ત્યારે સરકારે તેમનો એપ્રોચ કેમ કર્યો નહીં. આ અધિકારીએ કહ્યું હતું કે આર્થિક સ્થિતિ નબળી હોય તો સમજી શકાય તેમ છે પરંતુ સરકારના કોઇ કારણો હોય અને કંપની પ્રોજેક્ટ રદ કરે તો તે ખુદ સરકાર માટે શરમજનક બાબત છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp