26th January selfie contest
BazarBit

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનું નૈતિક પૌરૂષત્વ હણાઈ ગયું હોય તેમ લાગે છે

PC: facebook.com

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. બીજી તરફ રાજયમાં જે પ્રકારની ઘટના ઘટી રહી છે તે અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ છે. ધર્મ અને જ્ઞાતિના આધાર ઉપર માણસને મારી રહ્યા છે. તંત્ર લાચાર બની તમાશો જોઈ રહ્યું તેવું લાગી રહ્યુ છે. માણસ પોલીસ પાસે ત્યારે આવે છે જયારે પોતાને લાચાર અને અસલામત સમજતો હોય. પણ પોલીસની હાજરીમાં કોઈની હત્યા થઈ જાય અને આખી સરકાર મૂક પ્રેક્ષક બની જાય તેના કરતા પ્રજા માટે કઈ દારૂણ સ્થિતિ હોઈ શકે ? બંધારણના ધડવૈયાઓ લોકશાહીની કલ્પના કરી તેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષનું એટલુ જ મહત્વ હતું જયારે સત્તાધારી પક્ષ સત્તાના નશામાં ચકચુર થઈ જાય અને પોતાની ફરજ ભૂલી જાય ત્યારે વિધાનસભા અને સંસદમાં રહેલો વિરોધ પક્ષ સરકારનો કાન પકડવાનું કામ કરે.
પણ હાલમાં વિધાનસભા ચાલી રહી છે. તેમાં તો વિરોધ પક્ષમાં રહેલો કોંગ્રેસ પક્ષ આખો સરકારના કાન પકડવાને બદલે અંગુઠા પકડી ઉભો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારની સાંજે ગાંધીનગરથી માંડ પચાસ કિલોમીટરના અંતરે પોલીસની હાજરીમાં એક દલિત યુવકને અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ કરવાની સજા રૂપે મોત મળે છે. અને તંત્ર રાબેતા મુજબની તપાસ કરે છે. મંગળવારે આખી ઘટના માધ્યમોના ધ્યાનમાં આવે છે. બુધવારે તે માધ્યમોમાં પ્રસિધ્ધ થાય છે ત્યારે એક અપેક્ષા હોય કે વિરોધ પક્ષમાં રહેલો કોંગ્રેસનો ધારાસભ્ય વિધાનસભા શરૂ થતાં જ સરકારને હાથ મરડે. પણ તેવું કંઈ જ થતુ નથી. વિધાનસભા રાબેતા મુજબ ચાલે છે.
સત્તાધારી પક્ષ જયારે પ્રજાની વાત સાંભળે નહીં ત્યારે પ્રજાનો અવાજ બની જે જે વિધાનસભામાં બોલવાનું છે તે બધાને જાણે સાપ સુંઘી ગયો હોય તેમ કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય આ ઘટના અંગે કઈ જ બોલતો નથી. સરકારને પુછતો નથી. ટેલીવીઝન ડીબેટમાં ભાજપના ભ્રષ્ટાચાર અંગે બરાડા પાડતા કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં આવી મૌન બની જાય છે. તેમને મન માણસની કોઈ કિમંત જ નથી તેવુ લાગે છે. વિધાનસભા અને લોકસભામાં હાર્યા કોંગ્રેસના ધારાસભ્યોનું નૈતિક પૌરૂષત્વ પણ હણાઈ ગયુ હોય તેમ લાગે છે. કોંગ્રેસના ધારાસભ્યાના ઈરાદાઓ ઉપર પણ શંકા ઉપજે તેવો તેમનો વ્યવહાર થઈ ગયો છે. બિલ્ડરને કેટલી જમીન આપી અને કયા ભાવે તેવા પ્રશ્નોમાં જ તેમને રસ હોય છે. આ પ્રકારના પ્રશ્નો પુછવાના ફાયદા પણ હવે જગજાહેર થઈ ગયા છે.
સામાન્ય માણસની પીડા અંગે કોંગ્રેસ કઈ વાત કરતી નથી. જો કોંગ્રેસ સત્તામાં હોત અને પોલીસમાં હાજરીમાં કોઈની હત્યાનો બનાવ બન્યો હોત તો ભાજપ આખા ગૃહને માથે લેતું. વિધાનસભા બહાર પણ કોંગ્રેસના નેતાને નિકળવુ ભારે પડી જતું. તેવી સ્થિતિ નિર્માણ થતી. પણ વૈચારિક રીતે પતનના આરે આવેલી કોંગ્રેસ કંઈ જ કરી શકતી નથી. તે સ્પષ્ટ થઈ ગયું છે. એટલે પ્રજાએ લોકસભામાં આવી શકિતવિહીન નેતાઓને સત્તા સોંપવાની પસંદ કરી નથી તેવું લાગી રહ્યુ છે.

(પ્રશાંત દયાળ)

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp