26th January selfie contest

અંદર કી બાત: આજકાલ સચિવાલયમાં કઇ ચર્ચા થાય છે, જાણો

PC: pspprojects.com

ગુજરાત સરકારના સચિવાલયમાં આજકાલ વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. સૌથી વધુ હોટ ટોપીક અત્યારે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો ચાલી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બદલાવાના નથી, તેવા વારંવારના ખુલાસા છતાં સચિવાલયમાં આ એક જ ચર્ચા કેન્દ્રસ્થાને છે. એક અટકળ પ્રમાણે નેતૃત્વ પરિવર્તન નહીં થાય પરંતુ મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો થશે.

સચિવાલયમાં ચાલતી અફવાઓ અને અટકળો પ્રમાણે કેન્દ્ર સરકારના કોઇ કેન્દ્રીય મંત્રીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન ક્યારે થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને એવી વાત સામે આવી છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી ફેરફારો સંભવ છે.

બોર્ડ-કોપોરેશનમાં પોલિટિકલ નિયુક્તિ દિવાળી પછી તરત જ કરી દેવામાં આવનાર હતી, પરંતુ તેની પર બ્રેક લાગવાનું કારણ નેતૃત્વ પરિવર્તન છે, તેવી પણ અટકળો તેજ બની છે. જસદણની ચૂંટણી પણ મુખ્ય મુદ્દો બની છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને 24 કલાકમાં કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયા પેટા ચૂંટણી જીતશે કે નહીં તેના પર દાવ લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી બાદ ભાજપ સત્તાના સૂત્રો લીધા હતા, પરંતુ નેતાઓની આંતરિક ખેંચતાણ અને મંદીને કારણે સરકારની કામગીરી ખૂબ જ નબળી હોવાની ચર્ચા પણ કર્મચારી આલમમાં ચાલી રહી છે. ભાજપના એક ધારાસભ્યએ કહ્યું હતું કે સનદી અધિકારીઓ ઉપર મુખ્યમંત્રીએ આધારિત રહેવું પડે છે, તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કામગીરીથી પણ મંત્રીઓમાં તેમજ ભાજપના ધારાસભ્યોમાં ભારે આક્રોશ જોવા મળે છે. નીતિન પટેલ ઝડપથી ફાઇલોનો નિકાલ કરતા નથી તેવી છાપ ઉભી થઇ છે.

ભાજપના એક ધારાસભ્યએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીના સમયમાં પેન્ડિંગ કામોનો નિકાલ કરવાનો હાઇકમાન્ડનો આદેશ છતા કેબિનેટ મંત્રીઓ ફાઇલોનો નિકાલ કરતા નથી. સરકારે અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર માટે ફાઇલ નિકાલ માટે 15 દિવસનું ટાઇમટેબલ આપ્યું છે,પરંતુ કોઇ મંત્રી ફાઇલ મહિનાઓ સુધી મૂકી રાખે તો તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલ્લા કેટલાક સમયથી સરકારના વિવિધ વિભાગોમાં કોઈ જ નવા મોટા પ્રોજેક્ટ કે યોજનાઓ કે લોકહિતના કાર્યો થતા નથી. માત્ર ઉદઘાટન અને નાના-મોટા કાર્યક્રમોમાં મંત્રીઓ જાય છે પરંતુ વહીવટી તંત્રમાં કોઇ કામ ઝડપથી થતાં નથી તેવી છાપ ઉભી થઇ છે. બોર્ડ અને કોર્પોરેશનમાં ચેરમેન અને ડિરેક્ટરોની લીલીઝંડી મળી ગયા પછી પણ નિયુક્તિ થતી ન હોવાથી ધારાસભ્યો અને પાર્ટીના સિનિયર નેતાઓમાં ચણભણાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓફિસમાં ઓછા આવે છે અને નાયબ મુખ્યમંત્રી હંમેશાં મુલાકાતીઓથી ઘેરાયેલા રહે છે જેમાં વહીવટી કામોને મોટી અસર થાય છે તેવું ભાજપના એક ધારાસભ્યએ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે ગયા એપ્રિલ મહિનામાં મારા વિસ્તારના જોબવર્કની એક ફાઇલ કેબિનેટ મંત્રીની ચેમ્બરમાં મોકલવામાં આવી છે પરંતુ તે ફાઇલ ત્યાંથી આગળ વધતી જ નથી.

ગુજરાતમાં ફેરફારો ક્યારે થશે તેમાં ત્રણ સમયની અટકળો ચાલી રહી છે. જેમાં એક અટકળ પ્રમાણે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતમાં બદલાવ થશે. બીજી અટકળ એવી થઇ છે કે લોકસભાની ચૂંટણી પછી એટલે કે આવનારા મે મહિના પછી ગુજરાતમાં બદલાવ થશે. ત્રીજી અટકળ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવામાં નહીં આવે પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે જેમાં તરવરિયા ત્રણથી ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે.

સચિવાલયમાં એક વધુ એવી અટકળ છે કે ભાજપનું હાઇકમાન્ડ વહીવટી સરળતા ખાતર નાયબ મુખ્યમંત્રીનું પદ કાઢી નાંખશે અને તેના સ્થાને નીતિન પટેલને નંબર ટુ ના મિનિસ્ટર બનાવશે. એટલે કે તેમનું નાણાં ખાતુ અને અન્ય ખાતા ચાલુ રહેશે પરંતુ નાયબ મુખ્યમંત્રીનું લેબલ નહીં હોય.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp