ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેશુભાઇ પટેલ સમયના સવજી કોરાટ બની રહ્યા છે

PC: theprint.in

ગુજરાતના ગૃહ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી રવિવારે રજાના દિવસે તેમના વિભાગની મુલાકાતે પહોંચતા આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે પરિચય નહીં પણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમની આ ઓચિંતી મુલાકાતના કારણે અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અગાઉ કેશુભાઇ પટેલની સરકારમાં માર્ગ-મકાન મંત્રી સવજી કોરાટ હતા. તેઓ પણ તેમની કચેરીની ઓચિંતી મુલાકાત લેતા હતા. રાજ્યમાં નવા માર્ગો જ્યાં બનતા હોય અથવા તો જ્યાં સરકારી આવાસ બનતાં હોય ત્યાં તેઓ સરપ્રાઇઝિંગ વિઝીટ કરતા હતા અને કસૂરવારોને સ્થળ પર સસ્પેન્ડ કરી દેતાં હતા. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકી દેતાં હતા. હવે સરપ્રાઇઝિંગ વિઝિટ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરી છે.

36 વર્ષના હર્ષ સંઘવી સૌથી નાની વયના મંત્રી છે. અત્યાર સુધીમાં હોદ્દો સંભાળ્યા પછી ક્યારેય કોઇ મંત્રીએ તેમના વિભાગની મુલાકાત લીધી નથી પરંતુ હર્ષ સંઘવીએ રજાના દિવસે ગૃહ વિભાગની મુલાકાત લીધી છે. તેમની સાથે ગૃહ વિભાગનો વધારાનો હવાલો ધરાવતા અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા હતા.

પોતાની ચેમ્બરનો ચાર્જ લેતાં હર્ષ સંઘવીએ ગઇકાલે જ જાહેર કર્યું હતું કે તેઓ તેમના વિભાગની ઓચિંતી મુલાકાત લશે. કોઇ અધિકારીએ પરિચય આપવામાં સમય બગાડવાની જરૂર નથી. તેઓ જાતે જ અધિકારીની મુલાકાત લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બુકે લઇને શુભેચ્છા આપવાની આવશ્યકતા નથી. મુલાકાતી કે શુભેચ્છકો સોશ્યલ માધ્યમથી પણ સંદેશ આપી શકે છે.

હર્ષ સંઘવી છેલ્લી બે વિધાનસભામાં ભારે બહુમતિથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. તેઓને પહેલીવાર ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેઓએ સંગઠનમાં પણ કામ કર્યું છે. સચિવાલયમાં રવિવારે મુલાકાત લઇને તેમણે અધિકારી તેમજ કર્મચારીઓને ચોંકાવી દીધા છે.

શનિવાર અને રવિવારે રાજ્ય સરકારના નવા મંત્રીઓએ તેમની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો છે અને મોટાભાગના મંત્રીઓને જે સત્તાવાર નિવાસસ્થાન ફાળવવામાં આવ્યા છે તેમાં તેઓ રહેવા આવી ગયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp