ભૂપેન્દ્ર પટેલ સાહેબ. બાબુઓને ફ્કત કડક સૂચના આપવાથી કામ નહીં કરે, કાર્યવાહી કરો

PC: https://indianexpress.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે સરકારે પ્રજાના પ્રતિનિધિઓના કામોમાં ઝડપ કરવાની સૂચના આપી છે. સચિવાલયના વિભાગોના તમામ ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે સાંસદો, ધારાસભ્યો તેમજ કાર્યકરોની રજૂઆતો સાંભળીને યોગ્ય જણાય તો તેનો નિકાલ કરવાનો રહેશે.

રાજ્યના મુખ્યમંત્રીએ આવી સૂચના કેબિનેટમાં તો આપી છે પરંતુ વિભાગના અધિકારીઓને પણ વ્યક્તિગત રીતે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના છે કે સાંસદો અને ધારાસભ્યોના પ્રજાલક્ષી કામોમાં ઝડપ લાવવામાં આવે અને કોઇ કામ પેન્ડીંગ રાખવું નહીં. મુખ્યમંત્રીએ પ્રજાના પ્રતિનિધિઓના અપમાન નહીં કરવા તેમજ તેમને બહાર બેસાડી નહીં રાખવા પણ આદેશ કર્યો છે.

સામાન્ય રીતે એવી ફરિયાદ મળતી હતી કે મંત્રીઓ અને અધિકારીઓ મિટીંગમાં વ્યસ્ત હોવાથી સચિવાલયમાં કામ લઇને આવનારા મુલાકાતી તેમજ જનતાના પ્રતિનિધિને વારંવાર ધક્કા ખાવા પડતા હતા. નવી સરકારના ગઠન થયા પછી એવી સૂચના આપવામાં આવી હતી કે કેબિનેટના મંત્રીઓ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે ઓફિસ છોડવાની નથી. તમામ મુલાકાતીઓની રજૂઆતો સાંભળીને પ્રશ્નોના નિકાલ કરવાના રહેશે. આ દિવસોમાં મિટીંગ પણ રાખવાની નથી.

આ સૂચના પછી અનેકવખત એવું બન્યું છે કે અધિકારીઓ સોમવાર તેમજ મંગળવારે બેઠકોમાં વ્યસ્ત રહેતાં સાંસદો અને ધારાસભ્યોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી તેથી ફરીથી એવો આદેશ કરવામાં આવ્યો છે કે સોમવાર અને મંગળવારે મંત્રી તેમજ અધિકારીએ અચૂક હાજરી આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપના ઘણા મોટા નેતાઓએ જાહેરમાં પણ એવી ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. તેમના કામો કરતા નથી જેને કારણે તેમણે લોકો સામે જવામાં મુશ્કેલી પડે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે જો 4 વર્ષ સુધી તેમણે નેતાઓનું સાંભળ્યું ન હોય તો હવે એવું તે શું થઇ જશે કે તેઓ ફટાફટ કામ કરવા લાગશે. અધિકારીઓ પણ હવે એવા રીઢા થઇ ગયા છે કે સૂચના અપાય ત્યારે હા માં હા મિલાવે પરંતુ ખરેખર કામ તેમનું જ થાય જેમાંથી કોઇ માલ મળતો હોય. એટલે ઘણી ફાઇલો દબાઇ રહેતી હોય છે. 

જો સરકાર ખરેખર કામ જ કરાવવું હોય તો પહેલા એક બે મોટા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી પડશે તો જ તેઓ કામ કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp