રાજ્યની 18 પાલિકાના શહેરી વિસ્તારોને નવી મામલતદાર કચેરી મળી

PC: timesofindia.indiatimes.com

રાજ્યમાં એક લાખથી વધુ વસતી ધરાવતા 18 નગરપાલિકા વિસ્તારમાં મામલતદારની નવી કચેરીઓ ઊભી કરવા માટે સરકારે મહેકમ આપવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કચેરીઓ શહેરી વિસ્તારમાં ઊભી કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનામાં સતત વધારો થવાના કારણે વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા એક લાખથી વધુ વસતી ધરાવતી અ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીનું વિભાજન કરી શહેરી વિસ્તારમાં મામલતદારની નવી કચેરી ઊભી કરવામાં આવી છે.

રાજ્યની જે નગરપાલિકામાં શહેરી વિસ્તારની નવી મામલતદાર કચેરી ઊભી કરવામાં આવી છે તેમાં અમરેલી, ભૂજ, કાલોલ, વેરાવળ, ગોધરા, પાટણ, પોરબંદર, પાલનપુર, ડીસા, ભરૂચ, બોટાદ, મહેસાણા, જેતપુર, ગોંડલ, મોરબી, વાપી, વલસાડ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ 18 નગરપાલિકા વિસ્તારમાં શહેરી વિસ્તારની અલગ મામલતદાર કચેરી ઊભી કરવામાં આવી છે.

અ વર્ગની નગરપાલિકા વિસ્તારમાં નવી કચેરીઓ શરૂ કરવા મહેસૂલ વિભાગે કુલ 126 નવી જગ્યાઓ ઊભી કરી છે. આ જગ્યાઓમાં મામલતદાર વર્ગ-2ની 18 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, તેની સાથે નાયબ મામલતદાર વર્ગ-3ની 36, સર્કલ ઓફિસરની 18 અને કારકુન વર્ગ-3ની 54 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આ નવા ઊભા થનારા મહેકમ પૈકી મામલતદાર વર્ગ-2ની કુલ 18 જગ્યાઓ નાણાં તેમજ માહિતી વિભાગ ખાતેથી તબદિલ થઈને પરત આવેલા નાની બચત તથા મનોરંજન કરની રદ કરેલી જગ્યાઓ સામે ઊભી કરવામાં આવી છે, જ્યારે નાયબ મામલતદાર સહિતની તમામ જગ્યાઓ હાલના મહેકમમાંથી આંતરિક બદલીથી તબદીલ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp