કેન્દ્રની સૌથી ટોપ પોસ્ટ કેબિનેટ સેક્રેટરી- ગુજરાતના એક પણ ઓફિસરને તક મળી નથી

PC: newslivetv.com

ભારતના વિકાસમાં ગુજરાતનો મોટો ફાળો રહ્યો હોવા છતાં 1950 થી અત્યાર સુધીમાં આવી ચૂકેલા 32 જેટલા કેબિનેટ સેક્રેટરી પૈકી ગુજરાત કેડરના એક પણ આઇએએસ અધિકારીને તક મળી નથી. રાજ્યના 35થી વધુ ઓફિસરો કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે છતાં છેલ્લા સાત વર્ષથી આ સુપ્રીમ પોસ્ટ બીજા રાજ્યની કેડરના ઓફિસર પાસે ગઇ છે.

કેબિનેટ સેક્રેટરીની સિનિયર પોસ્ટ માટે આખા દેશના આઇએએસ ઓફિસરો ભલામણ કરતા હોય છે પરંતુ આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર હોવા છતાં ગુજરાત કેડરને ન્યાય મળ્યો નથી. 2010 પછી કેબિનેટ સેક્રેટરીનો પોસ્ટ પ્રાઇમ મિનિસ્ટરના અંડરમાં આવે છે. આ પોસ્ટ પર અધિકારીની ટર્મ વધુમાં વધુ ચાર વર્ષની હોય છે. વાઇસરોયની કાર્યકારી પરિષદમાં એક સચિવાલય હતું જેની અધ્યક્ષતા વાઇસરોયના પ્રાઇવેટ સેક્રેટરી કરતા હતા. તેઓ સચિવાલયના સચિવ તરીકે પણ ઓળખાય છે.

આ પદ સમય જતાં સૌથી વધુ શક્તિશાળી બનતું ગયું છે, કેમ કે તેમાં સચિવાલયના તમામ વિભાગોની મુખ્ય ભૂમિકા હોય છે. 1946માં સચિવાલય કેબિનેટ સચિવાલય બની ગયું અને સચિવ કેબિનેટ સચિવ બની ગયા હતા. 1947માં આઝાદી પછી સચિવાલયના કાર્યમાં મોટો બદલાવ આવ્યો હતો. કેન્દ્રમાં ગુજરાતી નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને બીજા નેતા અમિત શાહ ગૃહમંત્રી છે છતાં આ પોસ્ટ પર ગુજરાતી કેડર નહીં હોવાનું આશ્ચર્ય થાય છે.

કેબિનેટ સેક્રેટરીએ કેન્દ્રના તમામ વિભાગોના હેડ હોય છે. તેઓ સિવિલ સેવા બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરે છે. એ ઉપરાંત તેમની પાસે વિશાળ સત્તા હોય છે. વિદેશ મંત્રાલયને બાદ કરતાં વિભાગોના સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ જેવા પદોમાં પોસ્ટીંગ માટે તે ભલામણો કરતા હોય છે. કેબિનેટનો એજન્ડા તૈયાર કરવા ઉપરાંત તેઓ વડાપ્રધાનના વરિષ્ઠ સલાહકાર તરીકેનું કાર્ય પણ કરે છે.

કેબિનેટ સેક્રેટરીનો પ્રતિમાસ સેલેરી 2.50 લાખ કરતાં વધુ હોય છે. કેન્દ્રમાં 1950થી કેબિનેટ સેક્રેટરીની પોસ્ટ પર નિયુક્તિ થાય છે. દેશના પહેલાં કેબિનેટ સેક્રેટરી એનઆર પિલ્લાઇ હતા. તેમની નિયુક્તિ 6 ફેબ્રુઆરી 1950માં થઇ હતી અને તેઓ 13મી મે 1953 સુધી કાર્યરત હતા. ચાર વર્ષ સુધી કામ કર્યું છે તેવા અધિકારીઓમાં બીડી પાંડે (પશ્ચિમ બંગાળ) અને પીકે સિંહા (ઉત્તરપ્રદેશ) છે. બાકીના કેબિનેટ સેક્રેટરીનો પિરીયડ ચાર વર્ષ કરતાં ઓછો રહ્યો છે.

સૌથી ઓછી એટલે કે માત્ર ત્રણ મહિના અને 26 દિવસની મુદ્દત માટે ભારતના નિવૃત્ત ચૂંટણી કમિશનર ટીએન સેશાન રહ્યાં છે. જ્યારે વીસી પાંડે, એમકે વેલ્લોદી, એસ રાજગોપાલ એક વર્ષ કરતાં ઓછો સમય સુધી કેબિનેટ સેક્રેટરી તરીકે રહ્યાં છે. કેન્દ્રમાં અત્યાર સુધીમાં 32 કેબિનેટ સેક્રેટરી આવ્યા છે જેમાં બીજા રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું છે પરંતુ ગુજરાત કેડરના એકપણ આઇએએસ આ સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા નથી. હાલના કેબિનેટ સેક્રેટરી તરીકે 30મી ઓગષ્ટ 2019થી રાજીવ ગુબા ફરજ પર છે. તેઓ ઝારખંડ કેડરના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp