માનવતા શર્મશાર: જ્યારે માતાના મૃતદેહને સાયકલ પર લઈ જવા લાચાર બન્યો પુત્ર

PC: tosshub.com

ઓડિશાના ઝારસુગૂડામાં એકવાર ફરીથી માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે. અહીના કરપાહલ જિલ્લામાં એક સગીર પોતાની માતાના મૃતદેહને સાયકલ પર ઉઠાવીને અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાચાર બન્યો છે. હકીકતમાં આ પરિવારની આર્થિક હાલત ખૂબ જ નબળી હતી. આથી તેણે પાડોશીઓ પાસે મદદની માંગણી કરી, તો લોકોએ તેને મનાઈ ફરમાવી હતી. આખરે કંટાળીને તેને પોતાની સાયકલ પર માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવું પડે છે.

આ અંગે મળતી માહિતી મુજબ, 45 વર્ષની જાનકીનું કૂવામાં પાણી ભરવા ગઈ ત્યારે ડૂબી જતા મોત નીપજ્યું હતું. આથી તેના 17 વર્ષીય પુત્રએ પાડોશીઓ પાસે મદદ માંગી, તો કોઈએ તેની મદદ કરી નહતી. આખરે કોઈની મદદ ના મળતા આ સગીરે પોતાના કાકાની મદદથી માતાના મૃતદેહને પોતાની સાયકલ પર બાંધ્યો અને નજીકમાં આવેલા જંગલમાં લઈ જઈને તેની અંતિમ ક્રિયા કરી. તેની પાસે અંતિમ સંસ્કાર માટે રુપિયા નહી હોવાથી, તેણે પોતાની માતાના મૃતદેહને દાટીને જ સંતોષ માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં આવા પ્રકારના કિસ્સા પહેલા પણ સામે આવી ચૂક્યા છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ ગજપતિ જિલ્લામાંથી આવી જ ઘટના સામે આવી હતી, જેમાં એક પિતા પોતાની 7 વર્ષની પુત્રીના શબને ખભા પર નાંખીને પોસ્ટ મોર્ટમ માટે લઈ જતા નજરે પડ્યા હતા. જેને કારણે અહીના વહીવટી તંત્રની ભારે આલોચના કરવામાં આવી હતી. જો કે ભારે હોબાળો થતા મૃતકના પિતાને 10 લાખ રુપિયાનો ચેક સહાય તરીકે આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વર્ષ 2016માં આ રીતના સમાચારો સામે આવ્યા, ત્યારે સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ હતી. જેમાં ઓડિશાના કાલાહાંડી જિલ્લાનો એક વ્યક્તિ પોતાની પત્નીના મૃતદેહને ખભા પર નાંખીને પગપાળા 10 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp