26th January selfie contest

કામરેજની જેમ ભાટિયા ટોલનાકાનો અન્યાય દૂર કરવા ના-કર સમિતિ આક્રમક

PC: Khabarchhe.com

કામરેજ ટોલનાકા પર ફાસ્ટેગમાં લોકલ વ્હીકલ જીજે-5 અને જીજે-19 પાસેથી પણ રૂ. 105 કપાવવાનું અભિયાન ગામેગામ લઈ જનારા ના-કર સમિતિ ફરી એક્શન મોડમાં આવી છે. હવે આ રીતનું  અભિયાન ભાટિયા ટોલનાકા માટે ચલાવવામાં આવશે અને તે માટે આ સમિતિએ વિતેલા ચાર દિવસથી વિવિધ સામાજિક-ધાર્મિક, સોસાયટી, ગામોની સાથોસાથ ચેમ્બર ઓફ કોમર્સ અને બાર એસોસિયેશનનું સમર્થન પણ મેળવી લીધું છે. 11 ફેબ્રુઆરીએ તે માટે એક કમિટી બનાવવામાં આવશે અને પછી નીતિ-રીતી નક્કી કરી આંદોલનના મંડાણ કરાશે એવું આગેવાન દર્શન નાયકે ‘ખબર છે’ને કહ્યું.

કંઈ બાબતો ખૂંચી રહી છે?

  • 15 જાન્યુઆરીથી ફાસ્ટેગનો અમલ થતા ભાટિયા ટોલનાકા પર લોકલ કહીં શકાય એવા વાહનો જીજે-5 અને જીજી-19 કે જે 20 કિલોમીટરની અંદર આવી રહ્યાં છે તેની પાસેથી ફાસ્ટેગ પ્રમાણેની રકમ રૂ. 105 નહીં લેવાય.
  • કામરેજ ટોલનાકાની જેમ મ્યુચ્યલ અંડરસ્ટેન્ડિંગથી લોકલ વાહનચાલકો પાસેથી રૂ. 20 જ્યારે જાય ત્યારે નથી વસૂલાતા.
  • ફાસ્ટેગ વિનાના લોકલ વાહનચાલકો માટે એક જ લાઈન રાખી છે જેના કારણે લાંબી કતારો લાગે છે. જેથી, બે લાઈન લગાવાય. જેનાથી સમયની સાથે ઈંધણની બચત થાય.
  • ભાટિયા ટોલનાકાવાળા લોકલ વાહનચાલકોને રૂ. 265 માસિક પાસ ફરજિયાત બનાવવા કહે છે, જેથી, ક્યારેક અહીંથી પસાર થનારાઓને નુકશાન છે. જ્યારે અહીંથી જાય ત્યારે માત્ર રૂ. 20 જ વસૂલાય તેવું આંદોલનકારીઓ ઈચ્છે છે. અને તે માટે કામરેજની જેમ આરસીબુક થકી તમામ વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે.

 અગાઉ વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ રિસ્પોન્સ કર્યો ન હતો

ઉલ્લેખનીય છે કે ભાટિયા ટોલનાકા પર લોકલ વાહનો પાસેથી પણ પુરો ટોલ વસૂલવાનો મુદ્દો કંઈ આજકાલનો નથી. લોકલ વાહનોને ટોલમુક્તિ આપવા બાબતે અનેકવાર સ્થાનિક ધારાસભ્યો, સાંસદોએ દિલ્હી સુધી રજૂઆતો કરી હતી. વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પણ આવેદન અપાયુ હતુ પરંતુ તેમના તરફથી રિસ્પોન્સ મળ્યો ન હતો. નેશનલ હાઈવે ઓથોરિટીએ તમામ નવા ટોલ માટે નવા નિયમો બનાવ્યા હોવાનું રટણ ટોલ પ્લાઝા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કરતા આવ્યા છે. ત્યારે કામરેજ ટોલની જેમ આ મામલો પણ મ્યુચ્યલ અંડર સ્ટેન્ડિંગથી ઉકેલાય તો ઠીક છે બાકી નિયમ મુજબ લેખિત બાંયેધરી મળે તેવું મુશ્કેલ છે.

 કલેક્ટર સાથે વાત થઈ છે, વિરોધની તૈયારી રાજકીય: સીઆર પાટીલ, સાંસદ

આ અંગે ખબર છે એ નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભાટિયા ટોલ મામલે મારી ગઈકાલે જ કલેક્ટર સાથે વાત થઈ છે અને તેમણે કોન્ટ્રાક્ટરને બોલાવી બે લાઈન કરવા માટેની વાતચીત કરવા મને કહ્યું છે. 20 કિલોમીટરની ઉપરના વાહનોએ નિયમ મુજબ ટોલટેક્સ આપવો પડે છે. તેની અંદરના હશે તો તેને લોકલ પ્રમાણે જ આપવાનું રહે છે. કોઈ પણ રાજકીય હસ્તી બિન રાજકીય આંદોનલ ચલાવી ન શકે. આ પોલિટિકલી મુવમેન્ટ જ છે.

 (રાજા શેખ)

 

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp