ગામડામાં નળથી પાણી આપવા 1 લાખ કરોડ કરતા વધારે રોકાણ કરવાનું આયોજનઃ સરકાર

PC: thefederal.com

દેશમાં વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરમાં પરિવારમાં પાણીનું કાર્યરત જોડાણ (FHTC) પૂરું પાડવાના ઉદ્દેશ સાથે 15 ઑગસ્ટ 2019ના રોજ જળ જીવન મિશન – હર ઘર જલની જાહેરાત કરવામાં આવી હતી. આ મિશન વર્ષ 2021-22 માટે કેન્દ્ર સરકારના રૂપિયા 50,011 કરોડના અનુદાન સાથે તેના અમલીકરણના ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે. રાષ્ટ્રીય જળ જીવન મિશન, જળ શક્તિ મંત્રાલયે 9 જાન્યુઆરી 2021થી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને આ કવાયતના વાર્ષિક આયોજન માટે તૈયારી કરી છે. એક મહિનાની આ કવાયતમાં, દરરોજ બે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લઇને, DDWSના સચિવની અધ્યક્ષતામાં અલગ અલગ કેન્દ્રીય મંત્રાલયો/ વિભાગો અને નીતિ આયોજના સભ્યો સાથે મળીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત વાર્ષિક કામગીરી પ્લાન (AAP)ને અંતિમ મંજૂરી આપતા પહેલાં સઘન તપાસનું કામ કરવામાં આવ્યું છે. ત્યારબાદ, આ વર્ષ દરમિયાન ભંડોળ આપવામાં આવ્યું છે અને નિયમિત ધોરણે ફિલ્ડ મુલાકાતો અને સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જળ જીવન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ વાર્ષિક આયોજનનો અમલ સુનિશ્ચિત કરી શકાય.

નાણાંકીય વર્ષ 2021-22ના પ્રારંભ સાથે, વાર્ષિક કામગીરી પ્લાન (AAP)ને અંતિમ મંજૂરી આપવા માટે સઘન સંયુક્ત કવાયતનો 9 એપ્રિલથી પ્રારંભ કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષ, JJM માટે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે, જેમાં મજબૂત ડેટા વિશ્લેષણ, છેલ્લા બે વર્ષની પ્રગતિના આધારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતા, તેમની તૈયારીઓ વગેરે બાબતોમાં પ્રબળ આયોજનની જરૂર છે. આનો અમલ કરતી વખતે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પાણીની ગુણવત્તા મામલે અસરગ્રસ્ત વિસ્તારો, દુકાળ સંભવિત ગામડાંઓ અને રણપ્રદેશના વિસ્તારો, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જાનજાતિની બહુમતી ધરાવતા ગામડાંઓ, 60 JE-AES અસરગ્રસ્ત અને 117 મહત્વાકાંક્ષી જિલ્લાઓ તેમજ સંસદ આદર્શ ગ્રામ યોજના ગામડાંઓને તમામ પરિવારોને નિર્ધારિત સમય મર્યાદામાં પાણીના નળના જોડાણો આપવા પર પ્રાથમિકતા આપવામાં આવશે.

JJM માટે અંદાજપત્રમાં ફાળવવામાં આવેલા રૂપિયા 50,000 કરોડ ઉપરાંત, 15મા નાણા પંચ બંધાયેલ અનુદાન અંતર્ગત રાજ્યના હિસ્સા અને બાહ્ય સહાય પ્રાપ્ત પરિયોજનાઓ સાથે મેળખાતા, RLB/ PRI માટે પાણી અને સફાઇ કાર્યો માટે રૂપિયા 26,940 કરોડનું નિશ્ચિત ભંડોળ પણ ઉપલબ્ધ છે. આમ, 2021-22માં દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘરમાં પાણી માટે નળના જોડાણ સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 1 લાખ કરોડથી વધારે રકમનું રોકાણ કરવાનું આયોજન છે. આ પ્રકારનું રોકાણ હર ઘર જલનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ સુધી ચાલું રહી શકે છે.

પાણીના નળનું જોડાણ ધરાવતા 100% પરિવારોના લક્ષ્ય સાથે અને એકંદરે પીવાના પાણીની સુરક્ષા પ્રાપ્ત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રાજ્ય કામગીરી પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. પાયાના સ્તરે યોજનાઓ શરૂ કરવા અને પૂર્ણ કરવા અને તેને કાર્યરત કરવા માટે નિર્ધારિત સમય મર્યાદા સાથે સર્વોચ્ચ સ્તર પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે ફરી ઉપયોગમાં લેવાની યોજનાઓ/ નવી યોજનાઓની સંખ્યાઓ અંગેની વિગતવાર માહિતી સાથેનો આ માસ્ટર પ્લાન છે. તેના દ્વારા એકીકેન્દ્રીતાના સ્ત્રોતો, પાણીના પૂરવઠા પર વાસ્તવિક સમયમાં દેખરેખ અને માપન માટે સેન્સર આધારિત IoT ટેકનોલોજી ઓળખવામાં આવશે, રાજ્ય O&M નીતિ મજબૂત કરવામાં આવશે, IEC/ BCC તીવ્ર બનાવવામાં આવશે, પાણીની ગુણવત્તાની દેખરેખ અને સર્વેલન્સની પ્રવૃત્તિઓ વગેરે પણ કરવામાં આવશે.

AAP (2021-22) દરમિયાન ગ્રામ્ય પાણી અને સફાઇ સમિતિઓ (VWSC)/ પાણી સમિતિઓનું વધુ સશક્તિકરણ, ગ્રામ્ય કામગીરી પ્લાન (VAP) કે જેમાં પીવાના પાણીના સ્રોતોને મજબૂત કરવા/ તેમાં વૃદ્ધિ કરવાના ઘટકો સામેલ હશે તેને તૈયાર કરવા અને મંજૂરી આપવી, પાણી પુરવઠા માટે માળખાકીય સુવિધાઓ, ગંદા પાણીની ટ્રીટમેન્ટ અને ફરી ઉપયોગ તેમજ ગામડામાં પાણી પુરવઠા તંત્રના પરિચાલન અને જાળવણી સહિત વિવિધ સહાયક પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તાલીમ અને કૌશલ્ય કાર્યક્રમો વધુ વેગવાન બનાવવા પર ભાર મૂકશે જેમાં ખાસ કરીને દરેક ગામમાં પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે 5 સભ્યો અને સ્થાનિક સમુદાયના સભ્યો જેમ કે કડિયા, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મિકેનિક્સ, ફિટર, પમ્પ ચાલકો વગેરેને તાલીમ આપવામાં આવશે.

શાળાઓ, આંગણવાડી કેન્દ્રો (AWCs) અને આશ્રમ શાળાઓને જળ જીવન મિશન અંતર્ગત પાણીના જોડાણો આપવા માટે શરૂ કરવામાં આવેલા વિશેષ અભિયાનને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને કેટલાક રાજ્યોમાં તમામ શાળાઓ અને AWCમાં 100% જોડાણો આપવાનું કામ પૂરું કરવામાં આવ્યું હોવાની જાણ કરવામાં આવી છે. બાકી રહેલા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ પીવા માટે, રસોઇ માટે અને મધ્યાહન ભોજન માટે, હાથ ધોવા માટે અને શૌચાલયોમાં ઉપયોગ માટે PWSની જોગવાઇઓ પૂરી કરવાની રહેશે. આ સંસ્થાઓમાં, વરસાદી પાણીના સંગ્રહ અને ગંદા પાણીના ફરી ઉપયોગને ખૂૂબ જ મોટાપાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી આપણી ભાવિ પેઢીઓમાં જળ સુરક્ષા માટે પાણીના વ્યવસ્થાપન માટે સર્વાંગી લાગણી કેળવી શકાય અને ગામડાઓમાં સ્વચ્છતા અને સફાઇમાં સુધારો લાવી શકાય.

વધુમાં, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે જો સારી ભૌતિક અને આર્થિક પ્રગતિ હોય, જો PWS યોજનાઓની કામગીરી યોગ્ય હોય અને ભંડોળનો ઉપયોગ કરવાની ક્ષમતા હોય તો કામગીરી આધારિત પ્રોત્સાહનો મેળવવાની પણ તેમની પાસે તક છે. વર્ષ 2020-21 દરમિયાન, સાત રાજ્યો એટલે કે, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ગુજરાત અને હિમાચલ પ્રદેશે JJM અંતર્ગત રૂપિયા 465 કરોડની રકમ કામગીરી આધારિત પ્રોત્સાહન અનુદાન તરીકે પ્રાપ્ત કરી હતી.

આ મિશનની જાહેરાત કરતી વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જળ જીવન મિશનનો અમલ રાજ્યો સાથે ભાગીદારીમાં કરવામાં આવશે અને પાણીને દરેક વ્યક્તિની જવાબદારી બનાવવામાં આવશે. 22 માર્ચ 2021ના રોજ, જ્યારે જળ શક્તિ અભિયાનના બીજા સંસ્કરણની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને વરસાદનું પાણી જ્યારે જ્યારે પડે ત્યારે એકત્રિત કરવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. આ વાર્ષિક કવાયત દરેક વ્યક્તિને સામેલ કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાર્થક કરવા, જલ જીવન મિશનનું આયોજન અને અમલીકરણ સહભાગી રીતે કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરીને ભાગીદારીમાં કામ કરવા માટે હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ગ્રામ્ય સમુદાયોને મદદરૂપ થવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે, NGO, સ્વયંસેવી સંગઠનો, સ્વ-સહાય સમૂહો વગેરેને અમલીકરણ સહાયક એજન્સીઓ તરીકે સામેલ કરવામાં આવી રહ્યાં. વધુમાં, 124- પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના NGO, ટ્રસ્ટો, ફાઉન્ડેશન્સ, સંસ્થાઓ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ એજન્સીઓ પણ ક્ષેત્રીય ભાગીદારો તરીકે સમાવિષ્ઠ છે જેથી હર ઘર જલના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેઓ યોગ્ય પ્રયાસો હાથ ધરી શકે.

1 ફેબ્રુઆરી, 2021ના રોજ અંદાજપત્ર રજૂ થયા પછી, પ્રધાનમંત્રીએ હિતધારકોનો પરામર્શ સુનિશ્ચિત કરીને તમામ માળખાકીય કાર્યો સંબંધિત પરિયોજનાઓના ઝડપી અમલીકરણ માટે કાર્યસૂચી નિર્ધારિત કરી છે. 16 અને 17મી ફેબ્રુઆરીના રોજ આયોજિત કરાયેલા વેબિનારમાં પ્રધાનમંત્રીએ જન ભાગીદારી સુનિશ્ચિત કરીને ઝડપ અને વ્યાપક પ્રમાણમાં અભિયાનોના અમલીકરણ માટે રાજ્ય સરકારો, તજજ્ઞો, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ, ક્ષેત્રીય ભાગીદારો, NGO વગેરે જેવા વિવિધ હિતધારકોનો અભિપ્રાય મેળવવાના ઉદ્દેશથી સંબોધન કર્યુ હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યકક્ષાના મંત્રી રતનલાલ કટારિયા દ્વારા જલ જીવન મિશન સાથે સંકળાયેલા હિતધારકો સાથે પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો. આ યોજનાને વધુ ગતિ પૂરી પાડવા માટે જળ જીવન મિશન અંગે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓની વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દરેક ઘરને સલામત રીતે નળથી જળ પહોંચાડવાનું સામાન્ય લક્ષ્યાંક તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહિયારા પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાય.

ઑગસ્ટ 2019થી આ મિશનના પ્રારંભ બાદ કોવિડ-19 મહામારી, ત્યારપછીના લૉકડાઉન અને અસંખ્ય પડકારો છતાં પણ અત્યાર સુધી 4.07 કરોડ ગ્રામીણ આવાસોને નળ દ્વારા પાણીનું જોડાણ પૂરું પાડવામાં આવી ચૂક્યું છે. હવે, 7.30 કરોડ એટલે કે 38% ગ્રામીણ આવાસો નળો દ્વારા પીવાલાયક પાણી પ્રાપ્ત કરી ચૂક્યાં છે. ગોવા દરેક ગ્રામીણ ઘરને નળથી પાણીનો પૂરવઠો પૂરું પાડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, ત્યાર બાદ તેલંગણા અને આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહોએ પણ આ સફળતા પ્રાપ્ત કરી છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને ગ્રામ પંચાયત તથા સ્થાનિક સમુદાયોની સાથે જિલ્લા સત્તાધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એકધારા પ્રયાસોએ 58 જિલ્લાઓ અને 87 હજારથી વધારે ગામડાંઓમાં રહેતા દરેક પરિવારોને નળથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં મદદ કરી છે. આ ઝડપ અને વ્યાપકતા સાથે આ મિશન ગ્રામીણ વિસ્તારોમાં વસી રહેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવવા કામગીરી કરી રહ્યું છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો હવે એક-બીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે અને દેશમાં ઘરે ઘરે સલામત પીવાનું પાણી ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવાના લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે, જેથી એકપણ વ્યક્તિ બાકી ન રહી જાય.

પારદર્શિતા લાવવા માટે અને નાગરિકોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે, NJJM દ્વારા JJM ડેશબોર્ડ વિકસાવવામાં આવ્યું છે જેમાં અમલીકરણ સંબંધિત ઑનલાઇન પ્રગતિ અને ઘરોમાં નળથી પાણીના પુરવઠાની સ્થિતિ જાહેર કરવામાં આવે છે. JJM ડેશબોર્ડ માત્ર દેશની વિગતવાર માહિતી જ પૂરી નથી પાડી રહ્યું પરંતુ કોઇપણ વ્યક્તિ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા સ્તરે અને ગ્રામ્ય સ્તરે અમલીકરણ અને પ્રગતિની સ્થિતિ જોઇ શકે છે. નળથી પાણીનું જોડાણ મેળવનાર ઘરોના મુખ્ય વ્યક્તિ, શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીના સંચય અને દુષિત પાણીના પુનઃવપરાશની જોગવાઇની સાથે સાથે શૌચાલયોમાં નળથી પાણી અને હાથ ધોવાની સુવિધાઓ સહિત નળ દ્વારા પાણીના જોડાણ સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે. આ ડેશબોર્ડ પાણીના ગુણવત્તા પરીક્ષણ સહિત ગામડાંઓમાં જળ પુરવઠાના વિવિધ પાસાંઓના લોકો દ્વારા સંચાલન જેવી સંસ્થાકીય વ્યવસ્થાઓ અંગે પણ માહિતી પૂરી પાડે છે.

JJM ડેશબોર્ડ જુદા-જુદા ગામડાંઓમાં ચાલી રહેલા ‘સેન્સર આધારિત IoT પાઇલોટ પ્રોજેક્ટ’ પણ દર્શાવે છે જે ગુણવત્તા, જથ્થા અને નિયમિતતાના સંદર્ભમાં દૈનિક પાણીના પુરવઠાની સ્થિતિ દર્શાવે છે. આ પ્રાયોગિક વ્યવસ્થામાં વ્યક્તિ પાણીમાં ક્લોરિનના પ્રમાણ, જુદા-જુદા સ્થળોએ પાઇપમાં પાણીનું દબાણ અને દૈનિક ધોરણ માથાદીઠ પુરવઠા સહિત પાણીની ગુણવત્તા જોઇ શકે છે. આ ડેશબોર્ડ https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx ઉપર પ્રાપ્ત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp