કોરોનાને લઇ વડાપ્રધાન મોદીનો ભય સાચો પડ્યો

PC: bbc.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભય વ્યક્ત કર્યો હતો અને તમામ રાજ્યોના ચીફ મિનિસ્ટરને તાકીદ કરી હતી કે કોરોના સંક્રમણ ગામડામાં ફેલાશે તો બહું મોટી મુશ્કેલી થશે તેથી પ્રત્યેક રાજ્ય સરકારોએ ગામડાને સુરક્ષિત રાખવાની જરૂર છે. મોદીનો આ ભય સાચો પડી રહ્યો છે. આજે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતું જાય છે.

ગુજરાતમાં એવા 500 ગામડાં છે કે જ્યાં સરપંચોએ ખુદ લોકડાઉન કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાના પ્રયાસ શરૂ કર્યા છે. માત્ર ગુજરાત જ નહીં, સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તરપ્રદેશ અને બિહારના ગ્રામ્ય વિસ્તારની છે કે જ્યાં આરોગ્યની સુવિધાઓ અપૂરતી છે. ગુજરાતમાં સ્વૈચ્છિક લોકડાઉન કરનારા ગામડાઓની સંખ્યા વધતી જાય છે. સંક્રમણની ચેઇન તોડવાનો આ પ્રયાસ છે.

ગુજરાતમાં બીજી મહત્વની સ્થિતિ એવી સર્જાઇ છે કે શહેરોમાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા માટે શહેરમાં રહેતા પરિવારોએ ગ્રામીણ વિસ્તારમાં સ્થળાંતર શરૂ કર્યું છે, તેનાથી પણ ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે. થોડાં મહિનાઓ પહેલાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે શહેરોનું ગ્રામ્ય વિસ્તાર તરફનું સ્થળાંતર અટકાવવું જોઇએ પરંતુ ગભરાયેલા પરિવારોએ વતનના ગામડામાં દોટ મૂકી છે.

ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ શરૂ થાય એટલે વધુને વધુ કેસ અને મૃત્યુના આંકડા વધી શકે છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં પુરતી આરોગ્ય સુવિધા હોતી નથી. ગામડામાંથી શહેરમાં દર્દીને લાવવા માટે મુશ્કેલી ઉભી થાય છે, કારણ કે શહેરોની હોસ્પિટલ શહેરના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારૂં ગામ—કોરોના મુક્ત ગામ નામનું અભિયાન 1લી મે થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી 1લી મે એ સવારે 10:30 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો અને રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર ગામડામાં જ એક સશક્ત ટીમ તૈયાર કરશે જે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસ કરશે. આ અભિયાનમાં ગ્રામીણ કક્ષાની સાથે તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનોને જોડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરપંચ થી લઇને તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ કોરોનાની ગાઇડલાઇન ઉપરાંત આરોગ્ય વિષયક આવશ્યક પગલાં લે તેવી તાકીદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp