જોજો, ધ્યાન રાખજો, ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરશો તો જેલમાં જશો

PC: socialgrow.info

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. 1લી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની 89 બેઠકો માટે મતદાન થવાનું છે. સુરતમાં 1લી ડિસેમ્બરે મતદાન થશે એ પહેલા સુરતે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. સુરત શહેર પોલીસે ચેતવણી આપી છે કે જો ચૂંટણીમાં વાંધાજનક પોસ્ટ, ફોટો કે વીડિયો અપલોજ કરશો તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેર પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાણકારી આપી છે. પોલીસે કહ્યું છે કે અમે તમારા સોશિયલ મીડિયાનું પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. વિધાનસભા-2022ની ચૂંટણી અન્વયે સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ તમારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખશે. જો કોઇ પણ પ્રકારની વાંધાનજક પોસ્ટ કે વીડિયો દેખાશે તો જે તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા હવે એક તાકાતવર પ્લેટફોર્મ બની ગયું છે. તેના પોઝિટીવ ઉપયોગની સાથે કેટલોક નકારાત્મક ઉપયોગ પણ થઇ રહ્યો છે.ચૂંટણીના સમયે સોશિયલ મીડિયા પર કોઇ વાંધાજનક કે ઉશ્કેરણીજનક પોસ્ટ સમગ્ર શહેરનું વાતાવરણ બગાડી શકે છે અથવા કોઇ ઉમેદવારને ફાયદો- નુકશાન  પહોંચાડી શકે છે.

પોલીસ ઇચ્છેછે કે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય અને એ પહેલાં પણ વાતાવરણ ન ડહોળાઇ એના માટે સોશિયલ મીડિયા પર લગામ લગાવવામાં આવી રહી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અન્વયે સુરત શહેર નાયબ પોલીસ કમિશનર  સાગર બાગમાર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર જી ડિવીઝન વી આર મલ્હોત્રાનાં માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ અને BSFનાં જવાનો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

હવે તમને એ થશે કે વાંધાજનક પોસ્ટ કે વીડિયો કોને કહેવો?  તો સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે જો સરકાર કે નેતાની ટીકા કરશો તો કાર્યવાહી થઇ શકે છે. અફવા ફેલાવશો તો પણ કાર્યવાહી થઇ શકે છે. કાયદો વ્યવસ્થામાં અવરોધ ઉભો કરી શકે એવી પોસ્ટ હોય તો તે વાંધાજનક ગણાશે. જ્ઞાતિ કે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે તનાવ ઉભો થાય તેવી પોસ્ટ વ્હોટસએપ, ફેસબુક, ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી શકાશે નહીં. હુલ્લડ થઇ શકે તેવા ઉશ્કેરણી જનક વીડિયો કે પોસ્ટ મુકી શકાશે નહીં. કોઇકને ઉતારી પાડતી કે બદનક્ષી થાય તેવી પોસ્ટ મુકી શકાશે નહીં. ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ પણ વાંધાજનક ગણાશે. ફેક ન્યૂઝ ફેલાવવા સામે પણ સજા થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp