સરકાર ધ્યાન આપે! અધિકારીઓ નાના ઉદ્યોગકારોને પજવી રહ્યા હોવાની રાવ

PC: financialexpress.com

ગુજરાતમાં માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને અનેક કઠીનાઇઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ ક્ષેત્રમાં વધુ રોકાણ નહીં કરવા પર અમે ગંભીરતાથી વિચારી રહ્યાં છીએ તેવી ચેતવણી આ ઉદ્યોગજૂથોના સંચાલકોએ આપી છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ મુશ્કેલીઓ મોટા વેપારીઓ અને સરકારના વિભાગો તરફથી આવી રહી છે.

ગુજરાતમાં એમએમએમઇ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે છતાં સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન આપવામાં આવતા નથી. નાના ઉદ્યોગોને પ્રોત્સાહનો પણ સરળતાથી મળતા નથી. આ ક્ષેત્રમાં પ્રતિકૂળતાનું વાતાવરણ જોવા મળે છે. મોટા ખરીદારો સમય પર ચૂકવણી કરતા નથી. સરકારના પ્રોત્સાહનો આપવામાં વિલંબ થઇ રહ્યો છે. સરકારની નીતિઓમાં રોડમેપની કમી છે. સરકારના વિભાગો નાના ઉદ્યોગકારોને પજવી રહ્યાં છે. વિક્ષેપ ઉભો કરી રહ્યાં છે.

નાના વેપારીઓને જમીન અને પ્રોજેક્ટ નિર્માણમાં પરમીટ મેળવવામાં સુગમતા નથી. જીએસટી, પીએફ, ઇએસઆઇસીના અનુપાલનમાં નિરીક્ષણ કરતી એજન્સીની આવશ્યકતા છે. નાના ઉદ્યોગકારોને મૂડીરોકાણ કરવા માટે સુવિધા પોર્ટલ બનાવવામાં આવ્યું છે પરંતુ તેમાં પ્રશ્નો અને મુદ્દાઓનું સમાધાન થતું નથી. આ પોર્ટલ પર ઉદ્યોગો માટે 70 જેટલી મંજૂરીઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ છતાં ફિઝીકલ રીતે શક્ય બનતું નથી.

ગુજરાત એનઆરઆઇ સમૂહના હોદ્દેદારોએ તાજેતરમાં સરકારી અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સરકાર તેનો વ્યવહાર ઉચિત નહીં રાખે તો કોઇપણ યુવા ઉદ્યોગપતિ ગુજરાતમાં મૂડીરોકાણ નહીં કરી શકે. કોર્પોરેટ કાનૂનમાં એવો માહોલ બન્યો છે કે જ્યાં કોઇપણ વેપારી તેને સુરક્ષિત મહેસૂસ કરી શકતો નથી. જે નાના ઉદ્યોગકારો ગુજરાતમાં તેમનો બિઝનેસ કરવા માગે છે તેમને ગુજરાતથી દૂર જવા માટે સરકારી નીતિઓ પ્રેરી રહી છે.

નાના ઉદ્યોગજૂથના એક પ્રતિનિધિએ કહ્યું કે દલિત ઉદ્યોગકારોને 70 ટકા સબસીડી આપવાનું ઠરાવ્યું હોવા છતાં પાંચ વર્ષથી તેમને કોઇ પ્રોત્સાહન રકમ મળી શકી નથી. એક મામલામાં 25 કરોડ રૂપિયાના બજેટમાંથી 15 કરોડ રૂપિયા વપરાયા વિનાના પડી રહેવાથી તે લેપ્સ થઇ ચૂક્યાં છે, કારણ કે તેમાં કોઇ દાવેદાર ન હતા.

નાના વ્યવસાયકારીઓની ફરિયાદો માટે કાનૂની પ્રાવધાન છે છતાં મોટા ખરીદારો 45 દિવસની મુદ્દતમાં તેમને બાકી રકમ ચૂકવતા નથી. એક રોકાણકારે કહ્યું કે અમે સરકારી કાયદા અને નિયમોના પાલનમાં એટલા બઘા વ્યસ્ત બની ચૂક્યાં છીએ કે અમે અમારા વ્યવસાયના વિકાસ માટે ધ્યાન આપી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp