વિદેશ સચિવે જણાવ્યું કોરોના પછી કેવી રીતે વૈશ્વિક સમુદાયમાં વધી ભારતની પ્રતિષ્ઠા

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં આવેલી કોરોના મહામારીના કારણે સમગ્ર દુનિયાની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી. આ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ ઘૂંટણિયે લાવી દીધી. કોવિડના ઘટતા અને વધતા પ્રકોપની વચ્ચે મહામારી પછીની જે વાસ્તવિકતાઓ દુનિયાની સામે આવી છે, તે વિશ્વ વ્યવસ્થાનો આધાર બની રહી છે. કોવિડ મહામારી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં કેવી રીતે ઉછાળો અને વૈશ્વિક સમુદાયમાં ભારતની પ્રતિષ્ઠા કેવી રીતે વધી છે, તે વિશે ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ એક લેખના માધ્યમથી જણાવ્યું છે.

પોતાના લેખમાં હર્ષવર્ધન શ્રૃંગલા લખે છે કે, ‘હંમેશાં એવો અનુભવ રહ્યો છે કે મંદી પછી રિકવરી થાય છે. ભારતમાં પણ આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ આવવાનો શરૂ થઈ ગયો છે અને અર્થવ્યવસ્થામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.’ ભારતના રસીકરણ અભિયાન વિશે તેઓ જણાવે છે કે અતિશય જટિલ રસીકરણ અભિયાનને રકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જે ખૂબ અભૂતપૂર્વ ઘટના છે. આ અભિયાને આરોગ્ય સુરક્ષામાં સુધારો કરવાની સાથે નબળાઈઓને ઓછી કરી છે. શ્રૃંગલા લખે છે કે, ‘ભારતની તૈયારી એવી છે કે તે સામાન્ય સ્થિતિમાંથી શ્રેષ્ઠ બનવા તરફ આગળ વધી રહ્યું છે. એટલા માટે આ ઉત્સવની ક્ષણ છે. આ સમયે ભારત જે વિકલ્પ પસંદ કરશે, તે એ વાતનો સંકેત હશે કે ભારત એક શ્રેષ્ઠ આવતીકાલના વચનને કયા સ્તર પર જોઇ રહ્યું છે.’

તેઓ વધુમાં લખે છે કે મહામારીએ એવું પ્રદર્શિત કર્યું છે કે આપણને પરસ્પર વધુ ગાઢ રીતે સંકળાયેલા વિશ્વની આવશ્યકતા છે. તેઓ સામાન્ય સમસ્યાઓના ઉકેલ સામાન્ય રીતે લાવવાની વાત કરે છે. પાછલા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક મંચો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે ભારતને મળેલી ઉપલબ્ધિઓ વિશે જણાવતા તેઓ લખે છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા કેટલાક મહિનાઓમાં જી7, જી20, કોપ 26, પ્રથમ ક્વૉડ શિખર સંમેલન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તેમજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન પરિષદની અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન તેમણે વિશ્વના તમામ રાષ્ટ્રાધ્યક્ષો સમક્ષ એક નવી વિશ્વ વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો, જે મહામારી પછી દુનિયાના પડકારોને પહોંચી વળવા માટે પ્રાસંગિક છે.’

પોતાના વિચારો વ્યક્ત કરતાં વિદેશ સચિવ લખે છે કે, ‘વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રકારના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મંચોના માધ્યમથી રણનીતિઓ અને ઉદ્દેશોનો એક સેટ નિર્ધારિત કર્યો છે, જેમાં ભારતીય પ્રાથમિકતાઓની સાથે તમામની શ્રેષ્ઠ આવતીકાલનું નિર્માણ કરવાની વાત છે.’ ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં ભારતની પ્રતિબદ્ધતા વિશે જણાવતા શ્રૃંગલા લખે છે, ‘એક મુખ્ય વૈશ્વિક પડકાર જેના પર ભારતે નેતૃત્વ અને દિશા પ્રદાન કરી છે, તે છે ક્લાઇમેટ ચેન્જ. પોતાની વિકાસ સંબંધિત જરૂરિયાતો હોવા છતાંપણ અમે ક્લાઇમેટ ચેન્જની કાર્યવાહીઓ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે. તાજેતરમાં જ ગ્લાસગોમાં કોપ 26 શિખર સંમેલનમાં સંબોધન કરવા દરમિયાન વડાપ્રધાને પંચામૃતના માધ્યમથી ભારતની જળવાયુ મહત્વાકાંક્ષા પર ભાર મૂક્યો હતો, જેમાં ભારતના બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાને 500 ગીગાવોટ સુધી વધારવા અને 2030 સુધી પુનઃપ્રાપ્ય ઊર્જાથી આપણી 50% ઊર્જા જરૂરિયાતને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.’

શ્રૃંગલાએ લેખમાં આગળ જણાવ્યું છે કે ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા બે આંતરરાષ્ટ્રીય સંગઠનો, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એન્ડ કોઆલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તન શમન અને અનુકૂલન પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે લખ્યું, ‘કોપ 26માં વડાપ્રધાને વૈશ્વિક સ્તર પર પરસ્પર સૌર ઊર્જાના ઇન્ફ્રાસ્ટ્રક્ટર માટે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ની વાત કહી’ અને સંગઠનો હેઠળ નાના દ્વીપ તેમજ વિકાસશીલ દેશો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેઝિલિયન્ટ આઇલેન્ડ સ્ટેટ્સનો શુભારંભ કર્યો’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp