ડેનમાર્કના PMએ ગરવી ગુજરાત ભવનની મુલાકાત લઈ કહ્યું- ગુજરાત-ડેનમાર્ક જોડાયેલા છે

PC: khabarchhe.com

સરકારે કહ્યું હતું કે, ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને આજે દિલ્હી ખાતે નવનિર્મિત ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી. આ ભવનનુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2019માં ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા ગુજરાતનો સુપેરે પરિચય કેળવી શકાય એવા હેતુથી ડેનમાર્કના વડાપ્રધાને નવી દિલ્હીના આ નવા ભવનની મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકારે દિલ્હીમાં નવા ભવન ખાતે પરંપરાગત ગુજરાતી સંગીતકારો સાથે ગરબા અને દાંડિયારાસનું આયોજન કરી ડેનમાર્કના વડાપ્રધાનના પરંપરાગત સ્વાગત કર્યુ હતું. મેટે ફ્રેડરિક્સને ગરવી ગુજરાત ભવનમાં આવેલા સોવેનિયર શોપ ‘ગુજરાત હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્ટ્સ’ની મુલાકાત પણ લીધી હતી. એક મહિલા તરીકે તેમણે ‘સખીમંડળ યોજના’માં ઘણો ઊંડો રસ લઈને માહિતી મેળવી હતી.આ યોજના ગુજરાતતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ ગરીબ મહિલાઓને અને ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતી મહિલાઓને સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, કે જેથી વિવિધ રિસોર્સિસ સુધી તેમની પહોંચ સરળ બને, જેના પરિણામે તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં સુધાર થાય. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવે ડેનિશ વડાપ્રધાનને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઊર્જા અને જળ ક્ષેત્રે જે પાયારૂપ કાર્યો કરવામાં આવ્યા તેના વિશે પણ જાણકારી આપી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં થઈ રહેલા વિકાસકાર્યો, ધોલેરા ઇન્વેસ્ટમેન્ટ રિજિયન,ગિફ્ટ સિટી તેમજ સૌર અને હરિત ઊર્જા વિશે પણ ડેનિશ વડાપ્રધાનને માહિતી આપી હતી. ડેનિશ વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પ્રાકૃતિક ખેતીને આપવામાં આવતા પ્રોત્સાહન વિશે પણ જાણકારી આપી હતી.રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાત સરકારે કૃષિ ખર્ચને ઘટાડીને લગભગ શૂન્ય સુધી લઈ જવા માટે તેમજ ઉપજ પણ સમાન રહે અથવા તેમાં વધારો થાય તે રીતે પ્રાકૃતિક ખેતી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1 લાખ કરતા વધુ ખેડૂતોએ ખેતીની આ પદ્ધતિને અપનાવી છે.રાજ્ય સરકારે 100 ખેડૂત-ઉત્પાદક સંસ્થાઓ (FPOs)ની રચના કરવાનું આયોજન કર્યું છે, જે પ્રાકૃતિક ખેતપેદાશોના માર્કેટિંગમાં મદદરૂપ થશે.

ડેનમાર્કના વડાપ્રધાને વિઝિટર્સ બુકમાં રિમાર્કમાં લખ્યું કે, ‘ગરવી ગુજરાત ભવનની મુલાકાત મારા ખૂબ સન્માનની વાત છે. ગુજરાત એ ફક્ત મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘર જ નથી, પરંતુ, તે ઘણીબધી ડેનિશ કંપનીઓનું પણ ઘર છે. વાયબ્રન્ટ રાજ્ય ગુજરાત અને ડેનમાર્ક એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાંયેલાં છે. ભવિષ્યમાં બંને દેશો એકબીજાની વધુ નજીક આવશે.

તેમણે કહ્યું કે તેમની આ મુલાકાત ખૂબ જ અદ્ભુત રહી હતી અને ગુજરાત ભારતનો એક ખૂબ જ રસપ્રદ હિસ્સો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના કારણે આ ભવનની તેમની મુલાકાત ખૂબ જ વિશિષ્ટ બની ગઈ. તેમણે કહ્યું કે આ મુલાકાતને કારણે ગુજરાત વિશે અમને ઘણીબધી માહિતી મળી છે.ગુજરાત અદ્ભુત સાંસ્કૃતિક વારસા વિશે જાણવાની તક મળી એ બદલ આભારની લાગણી વ્યકત કરી પ્રભાવિત થયા હતા.

ડેનમાર્કના વડાપ્રધાનની ગરવી ગુજરાત ભવનની મુલાકાત દરમિયાન તેમના પતિ મિ. બો ટેંગબર્ગ પણ તેમની સાથે હતા. ભારતમાં ડેનમાર્કના રાજદૂત મિ. ફ્રેડી સ્વેન, વિદેશ મંત્રાલય (MEA)ના ચીફ ઓફ પ્રોટોકોલ નાગેશ, ગુજરાત સરકારના રેસિડેન્ટ કમિશ્નર સહિત દૂતાવાસના અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓ પણ મેટે ફ્રેડરિક્સનની ગરવી ગુજરાતની મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગરવી ગુજરાત દિલ્હીમાં સ્થિત રાજ્ય સરકારનું એક પ્રતિષ્ઠિત ભવન છે અને આ ભવનમાં પ્રદર્શિત ગુજરાતના સાંસ્કૃતિક વારસાને માણવા માટે સંખ્યાબંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અવારનવાર તેની મુલાકાત લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp