સુરતઃ સરકારી અનાજની ગુણોમાંથી 2-3 કિલો અનાજ કાઢી લેનારા ઝડપાયા

PC: khabarchhe.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.3,87,500/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બતાવ્યુ હતુ. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતી મનુભાઈ ચૌધરી સહિત કુલ-7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતી ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બે થી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણૉમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા ઉપરોક્ત ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલ ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-6, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલ દ્વારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતી ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-2021માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો છે.

તે ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા સારૂ ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેન રાવળ (રહે.ઘર નં.14, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.06/03/2023 સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp