PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનેક નવી પરંપરા કંડારીઃ CM ભૂપેન્દ્ર પટેલ

PC: khabarchhe.com

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત CM ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે CMના હસ્તે 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપતાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના નવાયુગનો આરંભ થયો છે. લોકોના જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે. આજે આ વિકાસ યાત્રા રાજકોટ શહેરવાસીઓ માટે વિકાસની વધુ કેટલીક ભેટ લઈને આવી છે. 

આ વર્ષનું બજેટ સપ્તર્ષિ એટલે કે વિકાસના સાત મુખ્ય આધાર પર વડાપ્રધાને આપેલું બજેટ છે. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, અંતિમ છૌરના વ્યક્તિ સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, યુથ પાવર, ગ્રીન ગ્રોથ, ક્ષમતા ઊજાગર કરવી અને ફાયનાન્સિયલ સેક્ટર એવા સાત મુખ્ય પિલ્લર બજેટમાં ફોકસ કરાયા છે. રાજકોટ મહાનગરે આ સપ્તર્ષિ બજેટના સર્વગ્રાહી-વિકાસ, છેવાડાના માનવી સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ એ ચાર બાબતોને આજના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહર્તમાં આવરી લીધા છે તેમ CMએ કહ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરી હોય કે ગ્રામીણ દરેક વ્યક્તિના પોતાના ઘરનું સ્વપન પૂર્ણ કરવા PM આવાસ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ગુજરાતમાં 7 લાખથી વધુ તો લાભાર્થીઓને આવાસ ફાળવ્યા છે. રાજકોટ મહાનગરમાં આજે વધુ પ90 EWS અને 100 LIG આવાસોનો ડ્રો કરીને લાભાર્થીઓને ઘરનું ઘર આપ્યું છે. રાજકોટ શહેર અને રૂડા એ આજે ફલાય ઓવર તથા રિંગ રોડ ડેવલપમેન્ટ જેવા રૂ. 10પ કરોડના ઇન્ફ્રાસ્ટ્રકચર કામોના લોકાર્પણથી એ દિશામાં એક વધુ કદમ ભર્યુ છે.

CMએ જણાવ્યું હતું કે,PM નેતૃત્વમાં આજે ભારત દેશ વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે. ભારત આર્થિક મહાસત્તાઓની અગ્રીમ હરોળમાં આવે, શહેરો-નગરો વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર વાળા બને તેવી નેમ વડાપ્રધાને રાખી છે. ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે અને તેમાંની 15 બેઠકો તથા અર્બન-20ની બેઠકો ગુજરાતમાં યોજાવાની છે.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નગરોમાં પ્રદૂષણ રહિત, પર્યાવરણ પ્રિય, ગ્રીન મોબિલિટી એટલે કે અર્બન ટ્રાન્સપોર્ટેશનમાં ગ્રીન ગ્રોથના ઉપયોગથી ગુજરાત ગ્રીન-કલીન રાખવાની નેમ ને પરીપૂર્ણ કરવા મહત્તમ ઈ-વાહનોનો ઉપયોગ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 50 ઈ-બસ પરિવહન સેવામાં મુકેલી છે. 2023ના વર્ષમાં વધુ 100 ઈ-બસ રાજકોટમાં દોડતી થવાની છે. ઈ-બસ બેટરી ચાર્જિંગ માટેની સુવિધાઓ પણ વિસ્તારતા જઇએ છીએ. રાજકોટમાં વધુ એક ઈ-ચાર્જિંગ સ્ટેશન અંદાજે 8 કરોડના ખર્ચે નિર્માણ પામવાનું છે તેનું ખાતમૂહર્ત આજે કર્યુ છે.

કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું. સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ.140 કરોડના વિકાસ કામો અવિરતપણે થઈ રહ્યા છે. શહેરને રળિયામણું, સ્વસ્છ અને સુખાકારી માટેના મનપા તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં 100 નવી ઈલેક્ટ્રીક બસ ચાલી રહી છે. ઘર વિહોણા લોકોને ઘરના ઘર મળી રહયા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરમાં અનેક સ્થળોએ બ્રીજ બન્યા છે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે CM ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. રાજકોટ મનપા અને રૂડા દ્વારા પણ વિકાસની કેડી ઉપર ચાલી રહી છે. શહેરની સર્વાંગી પ્રગતિ થઈ રહી છે. આવાસની ફાળવણી થતાં રાજકોટના અનેક પરિવારોને આજે ઘરનું ઘર પ્રાપ્ત થનાર છે.

આ તકે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, રાજકોટની પ્રજાને આજ અનેક વિકાસ કામોની ભેટ મળી રહી છે. શહેરની ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે અનેક ઓવરબ્રીજ બનાવ્યા છે. આ તકે સ્વાગત પ્રવચન રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કર્યું હતું.

રાજકોટ શહેરના વિવિધ વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોઇએ તો, રૂ. એક કરોડના ખર્ચે રેલનગર મેઇન રોડ પોપટપરામાં બંને સાઈડ ફૂટપાથ બનાવવાના કામનું તથા રૈયા મુક્તિધામ ખાતે રૂપિયા 04 કરોડના ખર્ચે બનનારા આધુનિક ઇલેક્ટ્રીક નવા સ્મશાન કામનું ખાતમુહૂર્ત થયું હતું. રૂ. 28.52 કરોડના ખર્ચ ખાતે બનેલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થયું હતું. PM આવાસ અન્વયે 590 આવાસોનો ડ્રો તેમજ CM આવાસ યોજના અન્વયે બનેલા 100 આવાસોનો ડ્રો થયો હતો. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગોંડલ હાઇવે થી ભાવનગર હાઈવે અને ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઈવે સુધીના રૂ. 77.19 કરોડના કામ પૂર્ણ થતા તેના લોકાર્પણ પણ કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp