ભારે વરસાદથી નુકસાનનો ભોગ બનેલા માટે CM રૂપાણીની મહત્ત્વની જાહેરાત

PC: twitter.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ પ્રચાર માધ્યમોને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરાયેલા પગલાંઓની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં તા.18મી જૂલાઇની ગત વર્ષની તૂલનાએ 3 ટકા વધુ વરસાદ વરર્સ્યો છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 42 ટકા વરસાદ સામે આ વર્ષે 45 ટકા વરસાદી પાણી પડયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વરસાદ બિલ્કુલ થયો જ ન હોય તેવો કોઇ જ વિસ્તાર-તાલુકો રાજ્યમાં નથી. રાજ્યના 225 તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદ વાળા માત્ર 60 તાલુકા છે.

વિજય રૂપાણીએ ઉમેર્યું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, 23થી 26 જુલાઇ દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વર્ષા થવાની સંભાવનાઓ છે. હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે તે વિસ્તારના ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેવા ઉદાત અભિગમથી કડાણા જળાશયમાંથી મધ્ય ગુજરાત માટે તેમજ અન્ય વિસ્તારમાં સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ભરીને પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નર્મદા કેનાલમાં પણ નર્મદાના પાણી વહાવીને કચ્છ-ધ્રાંગધ્રા, માળિયા, મોરબી જેવા વિસ્તારોમાં ખેડૂતોને પાણી પહોચાડવાનું આયોજન કર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે. રાજ્યના જળાશયોની સ્થિતિની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના 13 જળાશય-ડેમ 100 ટકા ભરાઇ ગયા છે જ્યારે નવું પાણી આવવાથી 7 જળાશયો 91 થી 99 ટકા ભરાયા છે, 50 થી 60 ટકા ભરાયેલા 24 જળાશયો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં હવે એક પણ ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. 425 માર્ગો રિપેર કરી દેવાયા છે. એટલું જ નહીં, સ્ટેટ હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી 111 જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધર્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, NDRFની 22 ટિમો રાજ્યમાં તૈનાત છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહત કામોમાં અસરકારક સહયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે આ વરસાદને પરિણામે 14 વ્યકિતઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા છે. 18 જેટલા લોકોના વીજળી પડવાથી કે વીજ કરંટ લાગતાં અપમૃત્યુ થયા છે. 160 જેટલા પશુઓના મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વહીવટીતંત્રની સર્તકતા અને સમયસરના પગલાંને કારણે માત્ર 661 વ્યકિતઓને જ રેસ્કયૂ કરવી પડી છે. 4020 જેટલા સ્થળાંતરીત થયેલા લોકો માટે 27300 જેટલા ફૂડ પેકેટસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે 290 થી વધુ હેલ્થ ટીમ મેલેરીયા, ઝાડા ઉલ્ટી, પાણીજન્ય રોગ તેમજ ઝેરી જાનવર કરડવા સામેની દવાઓથી સજ્જ થઇને કાર્યરત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વરસાદ રહી જતાં કાંપ-કચરાની સાફ-સફાઇ અને આરોગ્ય વિષય પગલાંઓ તાત્કાલિક લેવા જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને ખાસ તાકિદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વરસાદને કારણે મકાનો તથા ઘરવખરીને થયેલા નુકશાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા 11 અસરગ્રસ્ત જિલ્લામાં 324 ટીમો રચવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, કેશડોલ્સ-ઘરવખરીની નુકશાનીનો સર્વે કરી સહાય ત્વરાએ અપાશે.

વિજય રૂપાણીએ વરસાદને કારણે અસરગ્રસ્ત 11 જિલ્લામાં 789 ગામોને ખેતી જમીનનું નુકશાન થયું છે તેની પ્રાથમિક અંદાજોની વિગતો આપતાં જણાવ્યું કે જમીન ધોવાણના સર્વે માટે 120 ટીમની રચના કરી છે. અંદાજે 1 લાખથી વધુ હેકટર જમીનને આ વરસાદની અસર થયાનો પ્રાથમિક અંદાજ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજપૂરવઠાને અસર થઇ હોય તેવા તમામ 3515 ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવાયો છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પીવાના પાણીના કલોરીનેશન તથા જ્યાં જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોચાડવા પણ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, ગત વર્ષે જે ભારે વરસાદ થયો તે ગુજરાત ઉપર બે સિસ્ટમ કાર્યરત થવાને કારણે થયો હતો. આ વર્ષે ચોમાસાની મોસમમાં બંગાળના અખાતમાં સક્રિય થયેલી એક જ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે વ્યાપક વરસાદ થયો છે.

હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વ્યાપક વરસાદને પરિણામે એકંદરે રાજ્યમાં આ વર્ષે ખેતી પાક સારો થશે. એટલું જ નહીં, રાજ્યમાં પીવાના-ખેતીના પાણી માટે પણ સમસ્યા રહેશે નહીં. મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્યના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમાર, અગ્ર સચિવો, રાહત કમિશનર મનોજ કોઠારી સહિતના વિરષ્ઠ અધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp