ગુજરાત સરકાર ખર્ચ પર નિયંત્રણ રાખવા હવે શું કરશે?

PC: dnaindia.com

કેન્દ્રની ભાજપ સરકાર નોટબંધી અને GSTના નિર્ણયથી ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે વહીવટમાં કરકસરના પગલાં ઉઠાવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ તે દિશામાં સુધારા સૂચવવા તૈયાર થઈ છે. ગુજરાતમાં પણ કેન્દ્રના પગલે પ્રધાનો અને અધિકારીઓના વિદેશ તેમજ રાજ્યસ્તરના પ્રવાસમાં નિયંત્રણો આવી શકે છે. એટલું જ નહીં ફીઝીકલ હાજરીને સ્થાને વીડિયો કોન્ફરન્સને મહત્ત્વ આપવાનું આયોજન વિચારવામાં આવ્યું છે.

નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મહત્ત્વની બાબત એવી છે કે સરકારનું બિન વિકાસલક્ષી ખર્ચ ઘડાડવા વિવિધ પ્રયાસો કરાશે, જેમાં આઉટ સોર્સિંગ પર ભાર મૂકાશે. વિદેશ પ્રવાસ પર નિયંત્રણો આવશે અને વિભાગોમાં કર્મચારીઓની તંગી વર્તાય તો બીજા વિભાગમાંથી ડેપ્યુટેશન પર લેવામાં આવશે. વિવિધ યોજનાઓ કે જે બેવડાતી હોય તેને મર્જ કરવામાં આવશે.

કેન્દ્રની સૂચના છે કે દેશના રાજ્યો લોકોને રાહત મળે તેવા પગલાં ઉઠાવે અને સરકાર તેના ખર્ચ ઓછા કરીને આવકના સાધનો ઊભા કરે. કેન્દ્ર સરકાર ખર્ચના નિયમોમાં મોટા સુધારા લાવી રહી છે. એટલું જ નહીં, ખર્ચના નિયંત્રણમાં મોર્ડન મેનેજમેન્ટની રીત અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અધિકારીઓના વિદેશ પ્રવાસ પર નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સની સંખ્યા ઓછી કરી દેવામાં આવશે. દેશની અંદર અધિકારીઓના પ્રવાસને સમાપ્ત કરી દેવામાં આવશે. અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

નાણા વિભાગે તમામ મંત્રાલયના મેનપાવરનું લિસ્ટ મંગાવ્યું છે. જે કોઈ વિભાગમાં મેનપાવરની તંગી હશે તો ત્યાં ભરતીની જગ્યાએ અન્ય વિભાગોમાંથી મેનપાવર મોકલવામાં આવશે. કોઈ વિભાગમાં વધુ મેનપાવર ખૂટતો હશે તો ત્યાં કામગીરી માટે આઉટસોર્સિંગ શરૂ કરવામાં આવશે.

સરકારી વિભાગોમાં જે લોકો કોન્ટ્રાક્ટ પર છે તેમને પર્મેનન્ટ કરવાની યોજના હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. સરકારનો ઇરાદો છે કે ઓછા ખર્ચમાં વધારે કામ કઈ રીતે થાય તેના ઉપાયો અમલમાં મૂકવામાં આવશે. સરકારી ખર્ચમાં કરકસરના પગલા દિવાળી પછી ફાયનલ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp